IMAના નેજા હેઠળ શહેરમાં ખાનગી તબીબોએ રેલીમાં જોડાઇ કલેકટરને આપ્યું આવેદન
કોલકત્તામાં બનેલ બળાત્કાર, હત્યા અને ડોકટર પર હુમલાના કેસ સામે રાજકોટમાં વિરોધ
કલકત્તાની આર.જી.કર મેડિકલ કોલેજની મહિલા તબીબ પરના બળાત્કાર અને હત્યા કેસના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે. આ કેસમાં પરિવારને પૂરતો ન્યાય મળે તે માટે દેશભરનું આરોગ્ય તંત્ર તેમની સાથે જોડાયું છે. આજરોજ દેશ વ્યાપી હડતાલની ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જાહેરાત કરાતા રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે પણ ડોક્ટરો હડતાલમાં જોડાયા હતા આજરોજ હાથમાં કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચાર સાથેના બેનરો લઈ ડોક્ટરોએ રેલી કાઢી હતી અને કલેક્ટર કચેરી ખાતે કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
કોલકત્તાની આર.જી. કર મેડિકલ કોલેજની મહિલા તબિબ પર બળાત્કાર બાદ હત્યાની ઘટનાના દેશભરમાં પડેલા ઘેરા પડઘાના ભાગરૂપે આજે તબિબોએ દેશવ્યાપી હડતાલ પાડી છે. જે અંતગર્ત રાજકોટ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલ, પીડીયુ મેડિકલ કોલેજના ૪૦૦ જેટલા રેસિડેન્ટ તબિબો સહિત ૬૦૦ તબીબો હડતાલમાં સામેલ થયા છે. આ ઉપરાંત રાજકોટ શહેરની મોટાભાગની ખાનગી અને ટ્રસ્ટની હોસ્પિટલો પણ આ હડતાલમાં જોડાઈ છે. 24 કલાક માટે તમામ હોસ્પિટલો દ્વારા દર્દીઓ માટે સારવાર બંધ કરવામાં આવી છે. પરંતુ ઇમરજન્સી સારવાર માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ હડતાલ થી દર્દીઓમાં ભારે હાલાકી જોવા મળી હતી. પ્રાથમિક સારવાર માટે આવતા દર્દીઓ રઝળી પડ્યા હતા અને આરોગ્ય સેવા ખોરવાઈ ગઈ હતી.
આજરોજ સરકારી હોસ્પિટલ ખાતે હડતાલમાં જોડાયેલા તબિબોએ અલગ અલગ બેનર્સ સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં અને બાદમાં રેલી સ્વરૂપે હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ફરી ત્યાંથી ચોૈધરી હાઇસ્કૂલ રોડ, આર. વર્લ્ડ સિનેમા રોડ થઇ કલેક્ટર કચેરી, જામ ટાવર રોડ થઇ ફરી હોસ્પિટલે આવી ધરણા કર્યા હતાં. બંગાળની ઘટનામાં ન્યાયીક કાર્યવાહીની માંગણી સાથે તબિબોએ સુત્રોચ્ચાર કર્યા હતાં. આઇએમએ રાજકોટના પ્રેસિડેન્ટ પણ તેમને ટેકો આપવા મેડિકલ કોલેજ ખાતે પહોંચ્યા હતા. આ હડતાલને પગલે સિવિલ હોસ્પિટલમાં આવતાં દર્દીઓને અને દાખલ દર્દીઓને તકલીફ ન પડે તે માટે અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનો દાવો સત્તાધીશોએ વ્યક્ત કર્યો હતો. રેલી સ્વરૂપે નીકળેલા તબીબો દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ડોક્ટર્સની હડતાલમાં ગુજરાત આઇએમએના પ્રમુખ ડો. ભરત કાકડીયા, ડો. અતુલ પંડયા, ડો. ભાવેશ સચદે, રાજકોટ આઇએમએના પ્રમુખ ડો. કાંત જોગાણી, સેક્રેટરી ડો. અમિત મહેતા, ડો. અમિત હાપાણી, ડો. એમ. વી. વેકરીયા, ડો. હિરેન કોઠારી, ડો. ચેતન લાલચેતા, ડો. દર્શનાબેન પંડયા, ડો. દર્શીતાબેન શાહ, ડો. તેજસ કરમટા, ડો. પારસ શાહ સહિતના તબિબો સામેલ થયા હતાં.
આ હડતાળના કારણે જનરલ ઓપીડી, ઓર્થોપેડિક ઓપીડી, હૃદયરોગ ની ઓપીડી સહિતના વિભાગો બંધ રહય હતા. પરંતુ આ વિભાગની ઇમરજન્સી સારવાર માટે અલગ ડોક્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે તેવું સૂત્રોએ જાહેરાત કરી છે. આ ઉપરાંત રાજકોટના વિદ્યાનગર રોડ, નાનામોવા રોડ, 150 ફૂટ રીંગ રોડ પર આવેલી તમામ ખાનગી હોસ્પિટલો પણ હડતાલમાં જોડાઈ હતી.