OPDમાં હજારો દર્દીઓ રઝળ્યાં : નવા દર્દીઓને હોસ્પિટલમાં ઇનડોર સારવારમાં લેવાતા નથી
IMA રાજકોટ અને સિવિલ હોસ્પિટલના રેસીડન્ટ તબીબો દ્વારા રાજકોટ પીડિયુ મેડિકલ કોલેજથી કલેકટર કચેરી સુધી પગપાળા રેલી નીકાળવામાં આવી હતી.કોલકત્તાની આર.જી કાર મેડિકલ કોલેજની મહિલા રેસીડેન્ટ તબીબ સાથે ઘટેલી અમાનવીય ઘટનાને સમગ્ર દેશે વખોડી કાઢી છે.જે અંતર્ગતસિવિલ હોસ્પિટલ તેમજ IMA દ્વારા 24 કલાક તમામ ઓપરેશન, ઓપીડી, સર્જરીના કાર્યોને બંધ કરી હડતાલ પાડી છે. આ કારણે ઓપીડી બહાર સેંકડોની સંખ્યામાં દર્દીઓ હેરાન થતાં જોવા મળ્યા હતાં. આ ઉપરાંત નવા દર્દીઓને હાલ સારવાર માટે દાખલ કરવામાં આવતા નથી જૂના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
IMA રાજકોટ તબીબો અને સિવિલ હોસ્પિટલના રેસીડન્ટ તબીબોએ હાથ પર કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. સૂત્રોચાર સાથે રેલી નીકળવામાં આવી હતી.કલેકટર કચેરીએ રહેલી પોહચ્યા બાદ કલેકટર ખુદ નીચે આવીને આવેદનપત્ર સ્વીકાર્યું હતું. કલકત્તાની મહિલા રેસીડન્ટ તબીબને ન્યાય મળે તેમજ મહિલા રેસીડન્ટ તબીબોની સુરક્ષાની કડક અમલવારીની મુખ્ય માંગ વિરોધ પ્રદર્શનમાં કરવામાં આવી હતી.
દિકરાને યોગ્ય સારવાર મળતી નથી : દર્દીના માતા
કલકત્તામાં ડોક્ટર સાથે જે ઘટના બની છે તેનું દુઃખ અમને પણ છે પરંતુ મારા દિકરા યસને બે દિવસથી તાવ આવી રહ્યો છે. જેની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં બતાવતા ડોક્ટરે વધુ સારવાર અર્થે સિવિલમાં જવા જણાવેલ હતું. પરંતુ અહીં હડતાલ તથા રેલીના આયોજન હોવાથી તથા અન્ય ડોક્ટર હાજર ન હોવાથી દીકરાની સારવાર થઇ શકી નથી. માત્ર ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રહેતા અમારા જેવા દર્દીઓને યોગ્ય સારવાર મળી શકતી નથી.