રાજાધિરાજ એક એવો કાર્યક્રમ જ્યાં પડદો ખુલ્યા બાદ રંગમંચ મંદિર થઇ જાય છે. શુદ્ધ હેતુથી અને પુરી પવિત્રતાથી બનાવાયેલો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ નિહાળીને ધન્ય થશો. શ્રીકૃષ્ણ જેના મહિમા માટે હજારો કવિઓએ લાખો પદો-ભજનો લખ્યા છતાં તેનું મહાત્મ્ય સંપૂર્ણપણે આલેખાયેલું નથી. એવા આપણા સૌના પ્રેમેશ્વર શ્રી દ્વારકાધીશ ઉપર ધનરાજભાઈ નથવાણીએ બનાવેલો ભારતનો સૌથી મોટો મ્યુઝિકલ ડ્રામા ‘રાજાધિરાજ’ નો પ્રીમિયર શૉ કાલે NMACC મુંબઈ ખાતે માણ્યો. હું ગેરેંટી સાથે કહી શકું કે ‘રાજાધિરાજ શૉ નહિ શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર છે !’
નારાયણની વાતને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટેનો આ ઉત્તમ માર્ગ જેવું મહાનાટ્ય છે. બ્રોડ-વે ના થિયેટરોમાં જોયેલું કે કલાકારો અભિનય સાથે સિંગિંગ કરે..! રાજાધિરાજમાં એ અનુભવ્યું કે જશોદા હોય કે રાધા, નંદબાવા હોય કે સ્વયં શ્રી કૃષ્ણ… અભિનય સાથે અદ્ભુત સ્વરોથી પણ સૌને ભીંજવે છે. એક નંબર આપી શકો એવી એનર્જેટીક કોરીઓગ્રાફી, તમારું દિલ રેડ, યેલો, બ્લુ થઇ જાય એવા પ્રોપ્સ- સેટ અને લાઇટ..