- શુભકાર્યની શરૂઆત પહેલા ગણેશજીનું આહ્વાન કરાય છે. ગણેશજીને વિઘ્નવિનાશક, બુદ્ધિદાતા અને મંગલકર્તા દેવ પણ કહે છે
પંચદેવોમાં અને સર્વે દેવોમાં ભગવાન ગણેશ સૌ પ્રથમ પુજાય છે. કોઈપણ શુભકાર્યની શરૂઆત પહેલા ગણેશજીનું આહ્વાન કરાય છે. ભગવાન ગણેશને વિઘ્નવિનાશક, બુદ્ધિદાતા અને મંગલકર્તા દેવ પણ કહેવામાં આવે છે. ભગવાન ગણેશનું મુખ ગજનું હોવાથી તેઓ ગજાનન તરીકે પણ ઓળખાય છે.
સમસ્ત ત્રણ દેવતાઓમાં અગ્રપૂજ્ય અને તેમના સ્વામી હોવાથી ગણપતિજીને વિનાયકના નામથી પણ ઓળખવામાં આવે છે. આપણે ત્યાં ગણેશ પૂજન દરરોજ અને મંગળકાર્યમાં હંમેશાં થતું હોય છે, પરંતુ ભાદરવા માસ દરમિયાન દસ દિવસ માટે ખાસ ગણેશ ઉત્સવ અને સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં ભક્તજનો ભગવાન ગણેશનાં વિવિધ સ્વરૂપોને પધરાવીને તેમનું ભાવપૂર્વક પૂજન કરે છે. દસ દિવસ બાદ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવે છે. પુરાણો જણાવે છે કે ભગવાન ગણેશનાં અગિયાર સ્વરૂપ છે, પરંતુ ઘણા આરાધકો ભગવાન ગણપતિનાં સોળ સ્વરૂપ બતાવે છે. દુંદાળા, વિઘ્નહર્તા દેવ એવા ભગવાન ગણેશનાં આ અગિયાર રૂપ આ પ્રમાણે છે.
બાળ ગણપતિ
જેમ બાળ કૃષ્ણનું સ્વરૂપ મનમોહક છે તેમ બાળ ગણપતિનું સ્વરૂપ પણ ખૂબ જ મનમોહક છે. બાળ ગણપતિનું આ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપે સોહાય છે. તેમનાં ચાર હાથમાં કેળાં, ફણસ, શેરડી અને કેરી સોહે છે અને તેમની સૂંઢમાં મોદક લાડુ શોભી રહ્યો છે. પુરાણોમાં જણાવ્યા મુજબ બાળ ગણેશજીની આરાધના કરવાથી નિ:સંતાન યુગલને ત્યાં પારણું ઝૂલતું થાય છે.
કિશોર ગણપતિ
કિશોરવયનું આ ગણપતિજીનું સ્વરૂપ અષ્ટભુજા ધરાવે છે. તેમના અષ્ટ હાથોમાં અંકુશ, પાશ, જાંબુ, ફળ, તૂટી ગયેલો ગજદંત, ધાન્ય ભરેલો કુંભ, નીલા રંગનું કમળ, શેરડી અને ફણસ રહેલ છે. વિવાહ કરવા ઈચ્છતા નવયુવાનો જે આ કિશોર ગણપતિનું પૂજન અને અર્ચન કરે તો તેમની કામના ઝડપથી પૂર્ણ થાય છે.
ઊર્ધ્વ ગણપતિ
ગણપતિદાદાનું આ સ્વરૂપ પણ અષ્ટભુજાયુક્ત છે. આ સ્વરૂપનો વર્ણ સુવર્ણ સમાન છે. આ સ્વરૂપના અષ્ટ હાથોમાં ધાન્ય ભરેલ કુંભ, નીલા રંગનું કમળ, શેરડી, ગજદંત, ધનુષ્ય-બાણ અને ગદા સોહે છે. આ સ્વરૂપની જમણી બાજુએ લીલાં વસ્ત્રો ધારણ કરીને સિદ્ધિદેવી બેઠેલાં છે. જે પણ ભક્તજન આ સ્વરૂપનું પૂજન કરે છે તેમના સર્વ કાર્યને સફળતા મળતાં તેઓ વિજયી થાય છે તેવી માન્યતા છે.
ભક્ત ગણપતિ
ભગવાન ગણેશની આ પ્રતિમા ચાર હસ્તથી સોહે છે. આ ચાર હાથમાં શ્રીફળ, આમ્રફળ, કદલી ફળ અને ખીરથી ભરેલો કુંભ છે. ભગવાન ગણેશની આ પ્રતિમા શ્વેત રંગથી સોહે છે. ઈષ્ટફળ પ્રાપ્તિની ઈચ્છા રાખનાર ભક્ત આ સ્વરૂપનું ભાવથી પૂજન કરે તો તેની આરાધના સફળ બને છે.
વીર ગણપતિ
ભગવાન ગણેશની આ પ્રતિમા સોળ ભુજાયુક્ત છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ ક્રોધમય અને ભયાનક છે. શત્રુનાશ તેમજ સ્વના સંરક્ષણના ઉદેશ્યને માટે જો ભગવાન ગણેશના આ સ્વરૂપનું પૂજન કરવામાં આવે તો ભગવાન ગણેશ ચોક્કસ પોતાના ભક્તોની રક્ષા કરે છે.
શક્તિ ગણપતિ
શ્રી ગણેશના આ સ્વરૂપનો વર્ણ સંધ્યાકાળની લાલીમાં સમાન છે. તેમની ડાબી બાજુએ લીલા વર્ણયુક્ત સુલલિતદેવી બિરાજમાન છે. ગણપતિના આ સ્વરૂપને બે ભુજાઓ છે. શક્તિ ગણપતિનું સ્વરૂપ સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. આ બે હાથમાંથી એક હાથ આશીર્વાદ આપે છે અને બીજા હસ્તમાં નીલકમળ છે.
હેરંબ વિઘનેશ્વર
આ સ્વરૂપ હેરંબ એટલે કે સિંહ પર સવાર થયેલું છે. દસ ભુજાથી યુક્ત ભગવાન વિઘનેશ્વર સ્વરૂપનો ડાબો હાથ અભય મુદ્રામાં અને જમણો હાથ આશીર્વાદ આપે છે. બાકીના હાથમાં સર્પ, કટારી, તલવાર, પાશ, અંકુશ, ત્રિશૂળ, લાલ કમળ અને ગજદંત સોહે છે. આ સ્વરૂપની પાંચ મુખ છે તથા વર્ણ ઉજ્જવળ અને શુભ છે. શ્રીગણેશનું આ સ્વરૂપ સંકટમોચન વિઘ્નેશ્વરાય તરીકે પ્રખ્યાત છે.
લક્ષ્મી ગણપતિ
શ્રી ગણેશની લક્ષ્મી એટલે રિદ્ધિ અને સિદ્ધિ. ભગવાન ગણેશની આ પ્રતિમાની બંને બાજુએ ભગવાન ગણેશની લક્ષ્મી સ્વરૂપ પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિદેવી બિરાજમાન થયેલાં છે. ગણેશજીનું આ સ્વરૂપ અષ્ટભુજાયુક્ત છે. જેમના હાથમાં શુક, દાડમ, મણિજડિત રત્ન, કળશ, લાલ કમળ, કલ્પલતા વેલ, પાશ, અંકુશ અને ખડગ સોહે છે. રિદ્ધિ અને સિદ્ધિ દેવીઓનાં બંને હાથમાં નીલકમળ રહેલાં છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ સુખ-સમૃદ્ધિની કામનાને પૂર્ણ કરનાર હોવાથી ભક્તજનો લક્ષ્મી ગણપતિનાં નામથી ઓળખે છે.
મહા ગણપતિ
બાર ભુજાઓયુક્ત આ મહા ગણપતિજીનું સ્વરૂપ અત્યંત સુંદર છે. મહા ગણપતિજીનું ગજમુખ અત્યંત સોહામણું છે. તેમનાં નેત્રો અતિ તેજસ્વી છે અને તેમના વિશાળ ભાલ પર કુમકુમ તિલક શોભાયમાન છે. આ સ્વરૂપનો વર્ણ લાલ છે અને એક હાથમાં કમળપુષ્પ સાથે ક્રીડા કરી રહેલી દેવીને ખોળામાં બેસાડીને પ્રસન્ન મુદ્રામાં અને બીજો હાથ વરદાન આપનારી મુદ્રામાં છે. બાકીનાં હાથમાં ધન-ધાન્યથી ભરેલો કુંભ, શંખ, નીલું કમળ, ફણસ, શેરડી, ડાંગરના ડુંડાં, પુષ્પ અને મોદકના લાડુ છે. મહા ગણપતિનું આ સ્વરૂપ ભક્તજનોની કામનાને પૂર્ણ કરનાર છે.
વિજય ગણપતિ
સૂર્ય સમાન કાંતિ ધરાવનાર ભગવાન ગણેશનું આ સ્વરૂપ ચાર ભુજાઓથી યુક્ત છે. ભગવાન ગણેશની આ ચાર ભુજાઓમાં આમ્રફળ, ગજદંત, પાશ અને અંકુશ છે. મૂષક પર આરૂઢ થયેલ વિજય ગણપતિની પ્રતિમા કલ્પવૃક્ષની નીચે બિરાજમાન થઈ ભક્તોનાં મનની તમામ મંગળ અભિલાષા પૂર્ણ કરે છે.
ભુવનેશ વિઘ્નરાજ ગણપતિ
બાર ભુજાયુક્ત અને સુવર્ણ સમાન વર્ણ ધરાવનાર ભગવાન ગણેશના સ્વરૂપનું પૂજન લાભદાયક માનવામાં આવ્યું છે. શ્રી ગણેશની આ દ્વાદશ ભુજાઓમાં શંખ, પુષ્પ, ધનુષ, બાણ, કુહાડી, પાશ, અંકુશ, તલવાર, ચક્ર, ગજદંત, ધાન્યોથી ભરેલ કુંભ અને પુષ્પમાળા રહેલી છે.
ગણેશજીને દૂર્વા કેમ પ્રિય છે?
ભગવાન શ્રી ગણેશની પૂજામાં દૂર્વાનું ખૂબ જ મહત્ત્વ છે. દૂર્વા એ એક પ્રકારનું ઘાસ છે, જેનો ઉપયોગ પૂજનમાં થાય છે, એકમાત્ર ગણેશજી જ એવ દેવ છે જેમને દૂર્વા ચઢાવવામાં આવે છે. દૂર્વા ચઢાવવાથી ગણપતિજી બહુ પ્રસન્ન થાય છે. દૂર્વા ગણેશજીને અતિશય પ્રિય છે. ભગવાન ગણેશજીની પૂજામાં દૂર્વા ચઢાવવાનું વિધાન છે. એવી માન્યતા છે કે શ્રી ગણેશની પૂજામાં જો દૂર્વા ન હોય તો તેમની પૂજા પૂર્ણ થતી નથી. દૂ:+અવમ્ શબ્દોથી દૂર્વા બને છે. દૂ: એટલે દૂરસ્થ તથા અવમ્ એટલે જે પાસે લાવે છે તે.
ગણેશજીને પૂજનમાં જે દૂર્વા ચઢાવવામાં આવે તે કોમળ હોવી જોઈએ. આ પ્રકારની દૂર્વાને બાલતૃણમ કહેવાય છે. દૂર્વા સૂકાઈ જાય પછી તે સામાન્ય ઘાસ જેવી બની જાય છે. દૂર્વાને વિષમ સંખ્યા (જેમ કે 3,5,7)માં અર્પણ કરવી જોઈએ. પંચદેવ ઉપાસનામાં પણ દૂર્વાનું ઘણું મહત્ત્વ છે. શ્રી ગણેશને દૂર્વા આટલી બધી પ્રિય શા માટે છે તેની પાછળ એક પૌરાણિક કથા રહેલી છે.
પુરાણોમાં એવી કથા જોવા મળે છે કે પૃથ્વી પર અનલાસુર રાક્ષસના ઉત્પાતથી ત્રસ્ત થઈને ઋષિ-મુનિઓએ ઈન્દ્રને રક્ષણ કરવા પ્રાર્થના કરી. ઈન્દ્ર અને અનલાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું, પરંતુ ઈન્દ્ર પણ તેને પરાસ્ત ન કરી શક્યા ત્યારે બધા જ દેવતાઓ ભેગા થઈને ભગવાન શિવની પાસે ગયા તથા અનલાસુરનો વધ કરવા માટે અનુરોધ કર્યો. શિવજીએ કહ્યું અનલાસુરનો નાશ માત્ર શ્રીગણેશ જ કરી શકે છે. ત્યારબાદ દેવતાઓએ ભગવાન શ્રી ગણેશની સ્તુતિ કરી. જેનાથી પ્રસન્ન થઈને ગણપતિજી અનલાસુરને ગળી ગયા. અનલાસુરને ગળી જવાને કારણે ગણેશજીના પેટમાં બળતરા થવા લાગી. ત્યારે ઋષિ કશ્યપે 21 દૂર્વાની ગાંઠ તેમને ખવડાવી અને તેનાથી તેમના પેટની બળતરા શાંત થઈ.
આ માન્યતાને કારણે શ્રી ગણેશને દૂર્વા અર્પણ કરવામાં આવે છે. શ્રી ગણેશજીને દૂર્વા ચઢાવીને પૂજા કરવાથી પૂજા શીઘ્ર ફળદાયી બને છે.
વિનાયકને 21 દૂર્વા ચઢાવતી વખતે નીચેના દસ મંત્રો બોલો એટલે કે એક મંત્રની સાથે બે દૂર્વા ચઢાવવી અને છેલ્લે બચેલી દૂર્વા ચઢાવતી વખતે બધા જ મંત્ર એક વાર બોલો મંત્ર આ પ્રમાણે છે.
ૐ ગણાધિપતાય નમ:।
ૐ ઉમાપુત્રાય નમ:।
ૐ વિઘ્નનાશનાય નમ:।
ૐ વિનાયકાય નમ:।
ૐ ઈશપુત્રાય નમ:।
ૐ સર્વસિદ્ધિપ્રદાય નમ:।
ૐ એકદન્તાય નમ:।
ૐ ઈભવકત્રાય નમ:।
ૐ મૂષકવાહનાય નમ:।
ૐ કુમારગુરવે નમ:।
શ્રી ગણેશજીના વિવિધ મંત્રો
ભગવાન ગણપતિની પૂજા કરતી વખતે બોલાતા થોડાક વિશિષ્ટ મંત્રો અને શ્લોકો આ પ્રમાણે છે :
ગણપતિ ઉત્સવ દરમિયાન જો ઘરમાં ગણપતિજી પધરાવ્યા હોય ત્યારે સવારના સમયે આ શ્લોક બોલી તેમનું સ્મરણ કરવું.
પ્રાતર્નમામિ ચતુરાનનવન્ધમાનમિચ્છાનુકૂલમખિલ.
ચ વરં દદાનમ્।
તં તુન્દિલં દ્વિરસનાધિપયજ્ઞસૂત્રં પુત્રં વિલાસચતુરં શિવયો: શિવાય॥
ભગવાન ગણપતિને આસન પર બિરાજમાન કરતી વખતે આ મંત્ર બોલવો.
નિ ષુ સીડ ગણપતે ગણેષુ ત્વામાહુર્વિપ્રતમં ક્વીનામ્।
ન ઋતે ત્વત્ ક્રિયતે કિંચનારે મહામર્કં મધવન્ચિત્રમર્ચ॥
ભગવાન ગણપતિની દરરોજ પૂજા કરતી વખતે તેમને આહ્વાન આપવા માટે આ શ્લોક બોલવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
ગણાનાં ત્વા ગણપતિં હવામહે પ્રિયાણાં ત્વા પ્રિયપતિં હવામહે ।
નિધિનાં ત્વા નિધિપતિં હવામહે વસો મમ આહમજાનિ ગર્ભધમા ત્વમજાસિ ગર્ભધમ્॥