- માનવ માત્રની સેવા એ જ બાબા રામદેવપીરનું પરમ કર્તવ્ય હતું. તેમણે ડાલીબાઈને ધરમની બહેન બનાવી હતી
કૃષ્ણાવતાર બાબા રામદેવપીર સંવત 1461માં ભાદરવા સુદ બીજને શનિવારે પોકરણના રાજા અજમલજીના આંગણે પારણામાં સ્વયંભૂ પ્રગટ થયા હતા! બાબા રામદેવપીરે પોતાના જીવનકાળ દરમિયાન અનેક લૌકિક-અલૌકિક કાર્યો-અવતારકાર્ય પરિપૂર્ણ કરીને સંવત 1515માં ભાદરવા સુદ અગિયારસના શુભ દિવસે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોકરણ તાલુકાના રુણિચા-રણુજા પાસે રામદેવરામાં રામસરોવરની પાળે જીવંત સમાધિ લીધી હતી જ્યાં ખાસ કરીને ભાદરવા મહિનામાં ભવ્ય મેળો ભરાય છે. ત્યારે દુનિયાભરમાંથી રામદેવ ભક્તો “નાથ મારો નેજાધારી… પીર મારો પરચાધારી… ધણી મારો ધજાધારી”ના આધ્યાત્મિક ઉદબોધન સહિત રામદેવપીરના દિવ્યધામ તરફ ગતિ કરતા હોય છે. હાથમાં નેજો, હૃદયમાં સ્મરણ અને મુખ પર જય બાબેરી… સહિત નાચતા-કૂદતા ભજન લલકારતા પગપાળા યાત્રા કરે છે તે માહોલનું દર્શન કરવામાં આવે તો રણુજાનો ભાદરવા મહિનાનો મેળો ખરેખર “મારવાડનો મહાકુંભ” પૂરવાર થાય છે.
બાળક રામદેવ શા માટે ઘોડો લઈને આકાશે ઉડ્યા હતા?
તો એનો સરળ જવાબ એજ હોઈ શકે કે અંતર્યામી સાંસારિક રીતરિવાજ અનુસાર ભૈરવભૂમિનું નિરીક્ષણ કરવા ગયા હતા. એ બહાને દરજીને પણ ઉપયોગી બોધપાઠ આપવો જરૂરી હતો.
એક કથા અનુસાર લાખુ વણઝારો સાકરની ગુણી લઈને બાળક રામદેવને મળે છે ત્યારે રાજકુમાર હશે તો દાણ-કર માગશે અને કોઈ સામાન્ય બાળક હશે તો ખાવા માટે મફત માગશે એમ માનીને ગુણીમાં સાંભરનું લૂણ-મીઠું ભરેલું છે એવું હળહળતું જૂઠ બોલે છે અને રામદેવકૃપાથી સાકર લૂણ-મીઠું બને છે. તે પસ્તાવો કરે છે, અફસોસ વ્યક્ત કરે છે અને જીવનમાં ક્યારેય કર ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લે છે. માનવ માત્રની સેવા એ જ બાબા રામદેવપીરનું પરમ કર્તવ્ય હતું. તેમણે ડાલીબાઈને ધરમની બહેન બનાવી હતી અને દેશ દુનિયાને સમાનતા-માનવતાનો ઉમદા સંદેશ આપ્યો છે.
સંત જાંભેશ્વરનું સરોવર ખારું બનાવીને તેમનો અહમ્ ઓછો કરી દીધો હતો. તેનો અર્થ એ થયો કે જગતમાં સર્વશ્રેષ્ઠ છે તે કોઈ દિવસ સ્વયં સ્તુતિ કરતો નથી અને સ્વયં સ્તુતિ કરે એ સર્વશ્રેષ્ઠ હોઈ ન શકે! વિરમદેવ સાથે પાસાં ખેલતી વખતે બોહિતમલ જૈનનું જહાજ ઉગારીને ઉત્તમ મિત્રધર્મ નિભાવે છે. સાચા મિત્રની કપરી કસોટી ખરા સમયે જ થાય અને એમાં સફળ થાય એ જ સાચો ભાઈબંધ કહેવાય!
રાજકુમારની કીર્તિના વખાણ સાંભળીને સમંદર પારથી મક્કાના પાંચ પીર આકરી પરીક્ષા લેવા પધારે છે અને જંગલમાં કિશોર વયે રણુજાના રાજકુમારને મળે છે. રાજકુમાર જમવા આગ્રહ કરે છે, પણ પીર સાહેબ એમ કહીને ભોજનનો સવિનય ઈન્કાર કરે છે કે પોતે જમવાના વર્તન-વાસણ-કટોરા મક્કામાં ભૂલી ગયા છે. સિદ્ધપુરુષો આવી સામાન્ય ભૂલ ન કરે તે સ્વાભાવિક છે, પરંતુ કસોટી અર્થે બહાનું આગળ ધરે છે અને પોતે દાતણ રોપી પાંચ વિરાટ પીપળીઓ પળવારમાં પ્રગટ કરી દે છે ત્યારે અંતર્યામી અને હાજરાહજૂર પ્રભુ “રાજકુમાર” રામદેવ યોગશક્તિથી વારાફરતી વાસણ હાજર કરે છે અને પાંચેય પીર રામદેવજીને નતમસ્તક પીરોના પીર – હિંદવા પીર, રામસા પીરની ઉચ્ચતમ ઉપાધિ વડે નવાજીને મક્કા રવાના થાય છે. ત્યારથી રામદેવપીર હિંદુ-મુસ્લિમ એકતાના પ્રણેતા મનાય છે અને મોગલયુગ દરમિયાન રામદેવપીરના મંદિરને આક્રમણખોરોએ ક્ષતિ પહોંચાડી નથી એ સનાતન સત્ય છે.
સુદામા જેવા મિત્ર સ્વારથિયા સુથારને સર્પદંશની પીડામાંથી મુક્ત કરી જાગૃત કરે છે. લગ્ન વખતે સુજ્ઞ બહેન સુગણાને લેવા માટે રતના રાયકાને પિંગલગ્રામ-પુંગળગઢ મોકલે છે જ્યાં પિંડારા સરદાર દ્વારા રતના રાયકાને અસહ્ય યાતના અપાય છે. ઊંડા કૂવામાં ઊંધા લટકાવાય છે ત્યારે લગ્ન વખતે બહાર ન જવાય તેવો હિંદુ ધર્મનો રિવાજ હોવાથી નિયમ ભંગ ન થાય અને રતના રાયકાનો સમયસર બચાવ થાય, બહેનને વેળાસર લગ્નમાં લાવી શકાય તેવા આશયથી રામદેવપીર બીજું સ્વરૂપ ધારણ કરે છે અને પિંગલગ્રામ પહોંચી બનેવી-વેવાઈને વિધિસર સમજાવી બહેનને ઘરે આવવાનું આમંત્રણ આપી રણુજા આવી જાય છે.
દુષ્ટ-કપટી અને અભિમાનીને અવશ્ય સજા કરવી એ મધ્યયુગીન રણુજાના રાજાનું પરમ કર્તવ્ય હતું. રસ્તામાં આવતાં સુગણા અને રતના રાયકાને દિલ્હી બાદશાહ ફિરોજશાહ તઘલખના માણસો પરેશાન કરે છે ફરીથી બહેનની પોકાર સાંભળી વીર રામદેવ હાજર થાય છે અને ફિરોજશાહ તઘલખને હરાવે છે. તે માફી માંગે છે અને દિલ્હીમાં મંદિર બનાવે છે. ચાંદીનું છત્ર અર્પણ કરે છે.
લગ્ન વેળા જમાઈની જમણ વિધિ વખતે પીરાઈની ખરાઈ કરવા સાસુ મરેલી બિલાડીને રૂમાલ વડે ઢાંકીને આગળ ધરે છે જે અંતર્યામી જાણી જાય છે અને મૃત બિલાડી સજીવન થાય છે. અષ્ટાવક્રી રાણી નેતલ અંગ નિર્મલ બને છે. આવા અનેક પરચાં તેમણે પૂર્યાં છે.
બાબા રામદેવપીરે સૌપ્રથમ પરચો પિતા અજમલજીને જ કેમ આપ્યો?
કહેવાય છે કે સમુદ્રગમન વખતે દ્વારકાધીશ અજમલજીના પુત્ર રૂપે અવતરવાનું વચન આપે છે. તેથી અવતરણ વખતે જ પિતાનું ઋણ ઉતારવા આંગણામાં કુમકુમ પગલિયાં કરીને-ચાલીને પારણામાં નાના બાળક સ્વરૂપે પ્રગટ થયા હતા. જ્યારે માતા મેણાદે પ્રથમ પુત્ર વિરમદેવની બાજુમાં એજ પારણામાં અન્ય પુત્રને જુએ છે ત્યારે પળવાર માટે અકારણ ડરી જાય છે. આશ્ચર્યચકિત થઈ જાય છે, પણ પતિદેવ દ્વારકાધીશનું વચન યાદ કરાવે છે ત્યારે હૃદય અતિ પ્રફુલ્લિત થાય છે! માતાના ખોળામાં સૂતેલા બાળક રામદેવ ચૂલા પર મૂકેલ દૂધની ઉષ્ણ દેગ નીચે ઉતારીને માતાને દૈવી પુરુષ હોવાનું પ્રમાણ આપે છે. (જેવી રીતે બાળ કૃષ્ણે માતા જશોદાને માટી ખાવાના બહાના અંતર્ગત સમગ્ર સૃષ્ટિના ભવ્ય અને દિવ્ય દર્શન કરાવ્યા હતા.) બાળક રામદેવ નાના હોય છે ત્યારે ઘોડા પર બેસવાની હઠ પકડે છે ત્યારે રૂપા દરજી પાસે માતા મેણાદે મોંઘા અને મખમલના કપડાનો ઘોડો તૈયાર કરાવે છે, પણ લાલચુ દરજી મોંઘું કાપડ ઘર માટે રાખી લે છે અને જૂના પુરાણા ચીંથરા ભરીને ઘોડો તૈયાર કરે છે. કપડાંના ઘોડા પર બાળક રામદેવ સવાર થતાંની સાથે જ ઘોડો આકાશમાર્ગે ગમન કરે છે. સૌ કોઈ સગાંસ્નેહી ચિંતાતુર બની જાય છે. દરજીએ કોઈ કરતબ કે કાળો જાદુ કર્યો છે એમ માનીને તેને કેદ કરવામાં આવે છે. દરજી દયાના સૂરમાં માફ કરવા અરજી અને આજીજી કરે છે. એ વખતે બાળક રામદેવ ઘોડા સહિત ભૂમિ પર સફળ ઉતરાણ કરે છે અને દરજીને જીવનમાં ક્યારેય લાલચ અને ચોરી ન કરવા પ્રતિજ્ઞા લેવડાવે છે અને મુક્ત કરે છે. બાળ રામદેવ ગેડી-દડો રમતાં રમતાં શિવભક્ત બાલીનાથની ધૂણી રેન્જમાં પહોંચી જાય છે અને ગુરુનું ઋણ ચૂકવવા. પોકરણના ભૈરવ રાક્ષસથી ત્રસ્ત જનતાને ભયમુક્ત કરવા સાત વર્ષની બાળ વયે (કૃષ્ણે પણ સાત વર્ષે ગોવર્ધન પર્વત ટચલી આંગળી પર અધ્ધર કર્યો હતો અને ઈન્દ્રના કોપથી વૃંદાવન વાસીઓને બચાવ્યા હતા.) દ્રૌપદીના ચીરની જેમ ગોદડીની વૃદ્ધિ કરીને ભૈરવ વધ કરે છે!