બલંબલવતાં ચાહં કામરાગ વિવર્જિતમ II
ધર્માવિરુધ્ધો ભૂતેષુ કામોઅસ્મિ ભરત વર્ષભ II7/11II
અર્થ : હે ભરતશ્રેષ્ઠ, હું બળવાનોનું કામનાથી રહિત બળ છું, પ્રાણીમાત્રમાં રહેલો ધર્માનુકૂળ જે કામ તે પણ હું જ છું.
આમાં ભગવાન પોતાની હાજરીના અન્ય સ્થળની વાત આગળ કરી રહ્યા છે. તેઓ કહે છે કે જે બળવાન છે, શૂરવીર છે તેમની વીરતા, શૌર્ય અને બળ તે પોતે પણ ભગવાન જ છે. વીરોની તાકાત ભગવાન પોતે છે, પણ એવી તાકાત કે જેમાં વાસના નથી, કે જેમાં કશો મોહ નથી કે દ્વેષ કે ઇર્ષ્યાનું તત્ત્વ નથી. વાસના, મોહ, દ્વેષ અને ઇર્ષ્યાના તત્ત્વો વાળુ બળ તે વ્યક્તિનો જ નાશ કરી દે છે. આનો બીજો અર્થ આપણે એવો ય કાઢી શકીએ કે જો આપણે બળનો ઉપયોગ વાસના, દ્વેષ કે ઇર્ષ્યા પ્રેરિત કારણોસર કરીશું તો તેમાં ભગવાન રાજી રહેતા નથી. તે બળમાં અથવા તેવા બળ દ્વારા થતી કોઇપણ ક્રિયામાં ભગવદ્ભાવ રહેતો નથી અને પરિણામે તે બળનો ઉપયોગ વ્યર્થ નીવડે છે.
યે ચ એવ સાત્વિકા: ભાવા: રજસા: તામસા: ચ યે II
મત્ત: એવ ઇતિ તાન વિધ્ધિ ન તુ અહં તેષુ તે મયિ II7/12II
અર્થ : જે સાત્વિક, રાજસિક અને તામસિક ભાવો છે, તેઓ મારાથી ઉપજેલા છે એમ તું જાણ, પરતું વાસ્તવમાં તેઓમાં હું નથી, ને તેઓ મારામાં નથી.
અહીંયાં ભગવાને દરેક ભાવ કે તત્ત્વ પોતે ઉત્પન્ન કરે છે, પણ પછી તે તેમાં કાયમને માટે હોતા નથી તે બાબત સમજાવી છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણે ગુણ ઉત્પન્ન તો ઇશ્વર દ્વારા જ થાય છે, પરંતુ પછી ભગાવનને તેનું કશું વળગણ રહેતું નથી તે આપણે સમજવાનું છે. સાર એ લેવાનો છે કે તમે પોતે તમારા સંસારની જવાબદારી રૂપે કરવાનાં કર્મ દરમિયાન જે કંઇ કમાઓ છો, વસાવો છો તે બરાબર છે, પણ પછી તમારે તમારી મિલકત તેમજ અન્ય ભૌતિક સંપત્તિ વગેરેમાં રમમાણ થઇ જવાનું નથી. તમે તમારું સાંસારિક કર્મ કર્યું અને ઇશ્વરે તેનું યોગ્ય તે ફળ પણ આપી દીધું તે બધું બરાબર, પણ તે પછી આપણે જોઇએ છીએ કે લોકો તો –
આ મારું છે.
આ મેં વસાવ્યું છે, એના ઉપર મારો જ અધિકાર છે.
કોઇ એને હાથ પણ ન અડાડી શકે.
આ મારી દોલત છે, આ મારી પત્ની છે.
ઉપરોક્ત પ્રકારની જે વૃત્તિ જગાડે છે તે ગલત છે. તમે જે કંઇ પ્રગટાવ્યું અથવા પેદા કર્યું છે તેનું તમારે કશું વળગણ રાખવાનું નથી. જો ભગવાન તેમણે પેદા કરેલા રજોગુણ અને તમોગુણ કે તેના ભાવમાં સદા વ્યસ્ત રહે તો શું થાય? જગતનું જે ઉત્તમ રીતે સંચાલન થાય છે તે થઇ શકે જ નહીં. તેવી જ રીતે તમારાં સંતાનો જે તમારાં થકી પેદા થયાં છે તેમના પ્રત્ય પણ તમારે આસક્ત બની જવાનું નથી. બીજા અર્થમાં કહીએ તો જે આપણે પ્રગટાવીએ છીએ કે જેનું આપણે સર્જન કરીએ છીએ તેમાં આપણે ડૂબેલા રહેવાનું નથી. અહીં ભગવાને તેમની પૂર્ણ સ્વતંત્રતા બતાવી છે તે કોઇ પણ ગુણ કે ભાવને વશ થતા ન્થી. તેવી રીતે આપણે સૌએ પણ કોઇ પણ કે ગુણ કે માયાને વશ થવાનું નથી.