સરકારના વિચિત્ર નિયમને કારણે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોને લેવલ પ્લેઇંગ ફિલ્ડ ન મળતાં સરકારી અને ગ્રાન્ટેડ ઇજનેરી કોલેજોની ૨૯૦૦ બેઠક ખાલી પડી રહી છે. આ રીતે કોલેજોમાં પૂરતી સંખ્યા ન થવાથી કોલેજો બંધ કરી ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન અપાતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
ધો.૧૦ પછીના ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયામાં બે રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકોમાં ખાનગી કોલેજોની બેઠકો જે તે કોલેજને ભરવા સોંપી દેવાઈ હતી પરંતુ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની ૪૯૫૨ બેઠકો ખાલી હતી.જે માટે ત્રીજો ઓનલાઈન રાઉન્ડ કરવામા આવ્યો હતો. જેમાં પ્રવેશ રીશફલિંગ અને નવા સહિત ૨૩૮૯ પ્રવેશ ફાળવાયા છે.આ રાઉન્ડ બાદ પણ સરકારી-ગ્રાન્ટેડ કોલેજોની ૨૯૦૦ બેઠકો હજુ ખાલી રહી છે.
ડિપ્લોમા ઈજનેરીમાં બે ઓનલાઈન રાઉન્ડ પુરા થયા બાદ ધો. ૧૦ના પુરક પાસ વિદ્યાર્થીઓ અને અગાઉ વંચિત હોય તેવા વિદ્યાર્થીઓ માટે નવું રજિસ્ટ્રેશન કરાયુ હતુ. જેમાં ૨૨૩૩ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. બે રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકોમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની ૪૯૪૨ બેઠકો ખાલી પડી હતી.જે માટે ત્રીજો રાઉન્ડ કરવામા આવ્યો હતો. આ રાઉન્ડમાં નવા અને જુના સહિતના ૩૪૫૫ વિદ્યાર્થીએ ભાગી લીધો હતો. જેમાંથી ૨૩૮૯ વિદ્યાર્થીઓને તેઓના મેરિટ અને ચોઈસ મુજબ પ્રવેશ મળ્યો છે. ઘણા વિદ્યાર્થીઓને અગાઉના પ્રવેશ બદલાયો છે અને ઘણા વિદ્યાર્થીઓને પ્રથમવાર પ્રવેશ મળ્યો છે. રાઉન્ડ-૩માં ૭૫ વિદ્યિાર્થીઓને ખાનગી કોલેજોમાંથી સરકારી કોલેજમાં પ્રવેશ મળ્યો છે. સરકારી અને ગ્રાન્ટેડની કુલ ૨૨૨૧૩ બેઠકોમાંથી ૧૯૩૨૨ બેઠકોમાં પ્રવેશ ફાળવાયો ચે અને ૨૮૯૧ બેઠકો હજુ પણ ખાલી પડી છે. જેમાં સરકારી કોલેજોની ૨૮૮૦ અને ગ્રાન્ટેડની ૧૧ બેઠકો છે. આ ખાલી બેઠકો માટે ચોથો રાઉન્ડ ઓફલાઈન ધોરણે નહીં કરવામા આવે કારણકે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની મુદત ૧૫ સપ્ટેમ્બર છે.જો મુદત વધશે તો જ નવો રાઉન્ડ થશે.