જયાં કાયમી ૨૦ હજારથી વાહનો પસાર થાય છે તે રસ્તો જ ગાયબ : સત્તાધીશો એસીવાળી ઓફિસમાં બેસી આશ્વાસન આપે છે તેઓએ ખરેખર રસ્તે ઉતરવાની જરૂર છે
જે વોર્ડની લીડથી ભાનુબેન બાબરીયા, પરશોત્તમ રૂપાલા ધારાસભ્ય-સાંસદ બન્યા તે વોર્ડની જ હાલત નર્કાગાર જેવી
રાજકોટ શહેરને રંગીલુ ગણવામાં આવે છે અને સાથે હવે સત્તાધીશો તેને સ્માર્ટ સિટી ગણી રહ્યા છે. પરંતુ આ જ સ્માર્ટ સિટીની હાલત વરસાદ બાદ નર્કાગાર જેવી બની ગઇ છે. ચોતરફ રસ્તાઓ ભાંગી તૂટીને ભૂક્કા થઇ ગયા છે. જેને સમારવાનું કામ પણ નપાણીયું તંત્ર નિષ્ઠાપૂર્વક કરતું નથી. જેને લઇને શહેરીજનોમાં રોષની જવાળાઓ ભભૂકી ઉઠી છે. મનપાના ફરિયાદ કંટ્રોલમાં અનેક ફરિયાદો કરવા છતાં પણ તેનો નિકાલ કરવામાં આવ્યો નથી. ત્યારે વોર્ડ નં.૧૧ના રસ્તાઓથી ત્રાસી ગયેલા રહેવાસીઓ રસ્તા પર ઉતર્યા છે. ભાજપ તેમના ઘરનું સદસ્યતા અભિયાન જોરશોરથી મનાવી રહ્યું છે તો રાજકોટવાસીઓ સામે કેમ સત્તાધીશ જોતું નથી. જેથી તેઓને ઢંઢોળવા માટે લોકોએ ખાડા સદસ્યતા અભિયાનનો વગડ ચોકડી ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજયો હતો.
રાજકોટ શહેરના લગભગ રસ્તાઓ તૂટી ગયા છે. અસંખ્ય રસ્તાઓ મગરની પીઢ જેવા ડીસ્કો સાંકળ જેવા બની ગયા છે. જેના કારણે નાના બાળકો અને વૃધ્ધો રોજબરોજ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તંત્રને ફરિયાદ કરવામાં આવે તો તેઓ દ્વારા માત્ર ધૂળના ઢેફાંઓ ઢગલા કરીને જતા રહે છે. પરંતુ કોઇ અધિકારી દ્વારા કામ યોગ્ય થયું છે કે નહી તેની દરકાર લેવામાં આવતી નથી. જેના કારણે સ્થિતિ આજે પણ જૈસે થેની જોવા મળી રહી છે. આજે જ આજે જ એક સર્વે બહાર પડયો છે અને તેમાં દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, મુંબઇ, કલકત્તા કરતાં ગુજરાતના એક માત્ર શહેર રાજકોટના ભંગાર રસ્તાઓના કારણે માનવ જીંદગી મૃત્યુદર સૌથી ઊંચો હોવાનું બહાર આવ્યું છે. મનપાના શાસકો દ્વારા દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયા રોડ, રસ્તાઓ માટે ફાળવવામાં આવે છે અને રસ્તાઓ પણ બનાવવામાં આવે છે. પરંતુ ભ્રષ્ટ નીતિના કારણે આ રસ્તાઓ માત્ર એક થી દોઢ ઇંચ વરસાદ પડવાના કારણે તૂટી જાય છે. આ ઉપરાંત પાણી નિકાલની કોઇ વ્યવસ્થા કરેલ ન હોવાથી ઠેર-ઠેર પાણી ભરાઇને તળાવ જેવા દ્રશ્યો સર્જાય છે. આવી પારાવાર મુશ્કેલીઓનો હાલ રાજકોટવાસીઓ સામનો કરી રહ્યો છે અને વોર્ડ નં.૧૧માં આવેલ વગડ ચોકડી પરથી રસ્તો જ ગાયબ થઇ જતાં મીની તળાવ બની જતાં લોકો મોટા પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાણી ભરાવાની સમસ્યા છેલ્લા ૧૦ વર્ષથી હોય તંત્રને અનેક વખત ઢંઢોળવા છતાં પણ પાણી નિકાલની સમસ્યાનો ઉકેલ લવાયો નથી. આ ઉપરાંત રોડ પણ ભુક્કો થઇ ગયેલી હાલતમાં જ હોય છે. જેથી બહોળી સંખ્યામાં લોકોએ એકઠા થઇ સૌ પ્રથમ રસ્તાને બ્લોક કરી ચક્કાજામ કર્યો હતો અને ખાડા સદસ્યતા અભિયાનનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને નપાણીયા સત્તાધીશોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. આમ આ કાર્યક્રમથી ભારે ચકચાર જાગી છે. હવે જોવાનું એ રહ્યું કે ઓફિસમાં બેઠા બેઠા હુકમ કરતાં સત્તાધીશો રાજકોટ શહેરમાં પડી ગયેલા ગાબડાંઓ બુરવા મામલે કોઇ પગલાઓ લે છે કે પછી રાબેતા મુજબ ધૂળના ઢેફાંઓ પાથરી દઇને ગારા કિચડનું સામ્રાજય ઉભુ કરવામાં આવશે.