સૂફી કથાઓમાં એક બોધકથા છે કે એક માણસને ગુરુ બનાવવો છે. શોધમાં નીકળે છે, પણ જ્યાં જાય ત્યાં એની પરીક્ષામાં ગુરુ! કારણ કે અમુક નક્કી કરીને ગયો હોય કે આવો હોય તો જ ગુરુ બનાવવો. એટલે એક મહાત્માની પાસે ગયો.
તો એ મહાત્મા હસતા હતા, બાળકો સાથે વાતો કરતા હતા. પેલાને થયું કે આ ખી-ખી કરે એ શું ગુરુ હોય? જતો રહ્યો. વળી અઠવાડિયું ગયું ને બીજા કોઈ મળી ગયા. તો એ તો આમ ચોવીસેય કલાક ગંભીર જ રહે! પેલાને થયું કે આમાં કાંઈ રસ જેવું છે જ નહીં, એને ગુરુ કેમ કરાય? વળી, અઠવાડિયા પછી ત્રીજી જગ્યાએ ગયો એટલે એક મહાત્મા ઉપવાસ કરે, ભયંકર ઉપવાસ! ઉપવાસ ખરાબ નથી, પણ `ગીતા’એ ના પાડી છે કે, જે માણસ અત્યંત ભૂખ્યો રહે, એ એની અંદર બેઠેલા મને દુ:ખ આપે છે.
લાઓત્સેએ કહ્યું કે આ જગતની અંદર દરેક માણસોની અંદર ત્રણ ખજાના છે અને એ ખજાનાની તમે રખેવાળી કરજો. એ જે સૂત્રો છે એમાં વધારો થાય એવું કરજો, તમે જ તમારી આત્મસત્તાની રખેવાળી કરજો. ત્રણ ખજાના. એક, પ્રેમ. આ લાઓત્સેના શબ્દો છે. બીજો ખજાનો, કોઈ દિવસ જીવનમાં કોઈ પણ વસ્તુમાં અતિ ન થવું અને ત્રીજો, લોકમંગલ માટે ઉપયોગી હોય તો તમારા એ સામર્થ્યનો બહુ જ સદુપયોગ કરવો, એમાં કોઈ દિવસ ડર ન રાખવો કે હું ખાલી થઈ જઈશ. એનો જેટલો સદુપયોગ કરશો એટલા તમે ભરાશો.
પ્રેમ આપણો ખજાનો છે અને લાઓત્સે તો એમ કહે છે કે, પ્રેમથી તમારામાં અભય આવશે. મારી વ્યાસપીઠ હંમેશાં એમ કહેતી રહી કે, સત્યથી અભય આવશે, પ્રેમથી ત્યાગ આવશે. હું કાંઈ તુલનામાં નથી ઊતર્યો, પણ મને મારું સત્ય હોય. લાઓત્સે કહે છે કે પ્રેમથી અભય ઉત્પન્ન થાય. થાય ચોક્કસ, પણ ઘણી વખત પ્રેમ કરનાર માણસ ડરતોય હોય છે કે મારા પ્રેમની કોઈ નિંદા ન કરી જાય! એને લોકનિંદાનો ડર ન લાગે, પણ થાય કે લોકો ખોટા અર્થો કાઢીને આ શાશ્વત સત્યને કાંઈક વિકૃત કરવાનો બુદ્ધિપૂર્વકનો પ્રયત્ન કરશે! બાકી પ્રેમ અભય આપે જ. શું કામ ગંગાસતી મા એમ બોલ્યાં કે, `ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું.’ પણ એ ડર નથી અહીંયાં. પ્રેમને હંમેશાં એમ થાય કે મેં કૃષ્ણને ઉપાસ્યો છે, મારો કૃષ્ણ બદનામ ન થાય; એટલે એ ડરે. ભક્ત માણસ બહુ સંકોચી બનતો જાય.
તો લાઓત્સે પ્રેમનું ફળ અભય કહે છે. મારી વ્યાસપીઠે હંમેશાં એમ કહ્યું છે કે પ્રેમનું પરિણામ ત્યાગ છે. મારે એમ કહેવું છે કે વાતેય સાચી છે કે પ્રેમ અભય આપે, પણ આપણે જે રીતે ભક્તિને જોઈએ છીએ એમાં તો ક્યારેક પ્રેમ કરનારને એવું પણ લાગે કે હું જેને ભજું છું એને `કહીં દાગ ન લગ જાય.’ અને આખરે તો લાઓત્સે કહે એમ પ્રેમનું ફળ અભય આવે છે, તો પછી જ્યારે ત્યાગ આવે ત્યારે તો અભય આવે જ. ઘરમાં કાંઈ ન હોય એને કોણ લૂંટી લે?
તો લાઓત્સે કહે છે કે જીવનનો પહેલો ખજાનો પ્રેમ છે. એની રખેવાળી કરજો. બીજો ખજાનો જીવનમાં અતિ ન થવું. તો પેલો નીકળ્યો છે ગુરુ શોધવા. એકને જોયો, તો એ તો ભયંકર ઉપવાસ કરતો હતો. ચોથો ગુરુ ખૂબ પ્રેમથી જમતો હતો. કેટલાય ગુરુને જોયા, પણ ક્યાંય એનું મન લાગ્યું જ નહીં! પછી એણે સાંભળ્યું કે એક માણસ છે, એને હવે પકડી લઉં. પેલા મહાપુરુષ બેઠા હતા. કીધું કે બાપજી, તમને બધા બહુ માને છે, એટલે નક્કી કર્યું કે હવે અહીંયાં ગોઠવાઈ જાઉં. એટલે પેલાએ કહ્યું, મારે તને રાખવો નથી, કારણ કે હજી હું શોધું છું! કીધું કે તું કોને શોધવા નીકળ્યો છો? તો ગુરુએ કીધું, હું પરમ શિષ્યને શોધવા નીકળ્યો છું. પરમ ગુરુ તો ઘણા છે; સવાલ છે, આપણામાં રહેલું પરમ શિષ્યત્વ શોધવાનો.
તો અતિરેક ન થવો જોઈએ, એ બીજો ખજાનો છે લાઓત્સેનો. હું તો તમને ત્યાં સુધી કહું, તમે બહુ ભજન કરતા હો ત્યાં પણ તમારા છોકરાંઓ તમને એમ કહે કે સરકસ આવ્યું છે ગામમાં, મારી સાથે એ જોવા ચાલોને. તો છોકરાંઓને જોવા લઈ જજો. એને ભજનનો ભાગ સમજો. બહુ પ્રેક્ટિકલ રહો તમે. માળા તોડી નાખવાની નથી. ધીરેધીરે સૂક્ષ્મ થાય. ભજન એટલે શું? આ બધા વિભાગોને ભજનના ભાગ બનાવવા રહ્યા. તમે એનું અનુસંધાન છૂટે નહીં એ રીતે પાણી પીઓ, તો એ ભજન છે. જીવનના પ્રત્યેક દાયિત્વ નિભાવવાં; બધી જ ફરજોને ભજનનો ભાગ બનાવો. તમારી નોકરીને ભજનનો ભાગ બનાવો. અનુસંધાન બની રહે. આને જ અભ્યાસ કહેવાય અને આવું અનુસંધાન બની જતું હોય છે. એ બહુ અઘરું નથી. તમે રટ્યા જ કરો, રટ્યા જ કરો, પછી કોઈની સાથે વાતો કરતા હો, તો પણ તમારો માંહ્યલો જપતો હોય છે. બસમાં ભીડ હોય ત્યારે બેય હાથે સળિયો પકડી રાખવાનો હોય; ત્યારે હાથની માળા ન ફેરવો તો ચાલે. જીવનની દરેક ઘટનાઓને ભજનનો ભાગ બનાવીએ. આવું થઈ શકે છે. સાધુઓના એવા અનુભવો છે અને અઘરું કાંઈ નથી, થોડા અનુભવની જરૂર છે. સાચો બુદ્ધપુરુષ પોતાને ઘોષિત નથી કરતો કે હું પરમ ગુરુ છું, પણ કહે છે કે હું પરમ શિષ્યની શોધમાં છું.
તો જીવનમાં અતિ નહીં. યુક્ત આહારવિહાર. યુક્તાહારનો અર્થ છે, જમતાં-જમતાં એક પડાવ આવે કે જ્યારે આપણો માંહ્યલો એમ કહે કે હવે બે બટકાનો મોહ છોડી દે, તો તારી સ્ફૂર્તિ બની રહેશે. બધું છોડવાની વાત નથી. એ બે બટકા છોડો તો એ ઉપવાસ છે અને પછી ઠાંસી-ઠાંસીને ખાવ તો એ ભોગ છે.
લાઓત્સે કહે છે, અતિ ન થવું એ સાધકનો ખજાનો છે. કેટલું મોટું પ્રેક્ટિકલ સૂત્ર છે! હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે ભજનનો પણ અતિરેક ન કરવો. જ્યારે જરૂર પડે કે મારા ઘરમાં અત્યારે આ કામ છે અને એ વખતે કદાચ તમને એમ થાય કે હું પૂજા નથી કરી શક્યો, તો એની પીડા ન હોવી જોઈએ. તમારા પરિવાર ને તમારા સમાજ માટે તમારું રહેલું દાયિત્વ, એનો પ્રામાણિકપણે નિર્વાહ કરવો, એ ભજનનો જ ભાગ છે.
અને ત્રીજું, આપણું જે સામર્થ્ય છે એ સાચું સામર્થ્ય છે, એવું જો આપણો માંહ્યલો આપણને કહેતો હોય અને એ દુનિયાને જો હું લૂંટાવીશ, તો એ મેં વહેંચ્યું એવા સમયે એવો ભય ન રાખવો કે ખાલી થઈ જઈશ. જેટલું આપશો એટલા તમે વધારે ભરાશો. તો આ ત્રણ ખજાના લાઓત્સેએ બતાવ્યા છે; ત્રણેયનાં ફળો પણ બતાવ્યાં છે.