ભાદરવા સુદ બારસ એ વામન જયંતી તરીકે ઊજવવામાં આવે છે. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ભક્તોની રક્ષા કરવા માટે, પાપકર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે, ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે અને પોતાના ભક્તોને નિજ સ્વરૂપનું સુખ આપવા ભગવાન નારાયણ સ્વયં અવતાર ધારણ કરે છે.
વામન અવતાર ભગવાન નારાયણનો પાંચમો અવતાર હતો. જેમાં પ્રભુએ વામનરૂપમાં દેવરાજ ઇન્દ્રની રક્ષા માટે પૃથ્વી પર અવતાર લીધો હતો. આ અવતારની વાર્તા અસુર રાજા બલિથી શરૂ થાય છે.
રાજા બલિ એક મહાન દાનવીર, ધાર્મિક અને સાત્ત્વિક શાસક હતો અને પ્રજા તેને ખૂબ પ્રેમ કરતી હતી છતાં તે એક અભિમાની રાક્ષસ હતો. સમુદ્રમંથનમાં દેવતાઓએ અમૃત પીધું ત્યારે તેમણે બલિ રાજાને મારી નાંખ્યા હતા. બાદમાં શુક્રાચાર્યે સંજીવની વિદ્યાથી બલિને પુન: જીવિત કર્યા હતા. મહાબલિએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી અને કહ્યું કે પ્રભુ, લોકો અસુરોથી બીતા જ હોય છે, પરંતુ હું સાબિત કરી આપવા માંગું છું કે અસુરો પણ સારા હોય છે. મને ઇન્દ્રદેવની બરાબર શક્તિ જોઇએ, જેથી મને કોઇ પરાજિત ન કરી શકે. ભગવાને પણ આ વાતને યોગ્ય માનીને વરદાન આપી દીધું.
શુક્રાચાર્ય એક સારા ગુરુ હતા અને રાજનીતિજ્ઞ હતા. તેમની મદદથી રાજા બલિએ ત્રણેય લોક જીતી લીધા. ઇન્દ્રદેવને પરાજિત કરીને ઇન્દ્રલોક ઉપર પણ કબજો જમાવ્યો હતો. બાદમાં શુક્રાચાર્યએ કહ્યું કે જો તારે આ ત્રણેય લોકના સ્વામી બનીને રહેવું હોય તો અશ્વમેધ યજ્ઞ કરવો પડશે, જેથી તું કાયમને માટે ત્રણેય લોકનો રાજા બનીને રહી શકે. આ વાતથી ઇન્દ્રદેવ ઘણા જ હેરાન થઇ ગયા હતા.
દેવમાતા અદિતિએ પોતાના પતિ કશ્યપને પ્રાર્થના કરી કે દેવો પુનઃ પદ અને પ્રતિષ્ઠા મેળવે તેવો ઉપાય બતાવો. ત્યારે ઋષિ કશ્યપે કહ્યું કે ભગવાનનું શરણ સર્વ દુઃખ હરણ છે. ત્યારે માતા અદિતિએ બાર દિવસનું પયોવ્રત કર્યું. વિષ્ણુ ભગવાનની આરાધના કરી અને ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે તેમણે વરદાન માંગ્યું કે તમે મારા પુત્રના રૂપમાં અવતાર લો અને ધરતી પર જઇને બલિ રાજાનો વધ કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે બલિ રાજા તો ખૂબ ઉદાર છે. શા કારણે તમે તેનો નાશ ઇચ્છો છો? ત્યારે દેવમાતાએ કહ્યું કે બલિ સજ્જન છે, પરંતુ મારા પુત્ર ઇન્દ્રનું સિંહાસન સદાય માટે છીનવાઇ જશે. એક માતા તરીકે હું પુત્રની ભલાઇ ઇચ્છુ છું. ત્યારે ભગવાને તેમને આશીર્વાદ આપ્યા.
અદિતિ અને ઋષિ કશ્યપને ત્યાં ભગવાન વામનનો જન્મ થયો. વામન બાળપણથી સર્જનાત્મક શક્તિ ધરાવનાર અને સાહસિક, પ્રભાવશાળી, અતિ બુદ્ધિશાળી હતા. તેમને લોકજાગૃતિ નિર્માણ કરી. સંસ્કૃતિના વિચારોને લઇને ઘેર ઘેર ગયા. વ્યાપક થયા એટલે વામનમાં વિરાટ બન્યા. પ્રત્યેકમાં રહેલા ભગવાનને જાગૃત કર્યા. લોકોમાં ભગવાન ઉપર પ્રેમ વધવા લાગ્યો. લોકો તેજસ્વી અને દિવ્ય જીવન જીવવા લાગ્યા.
આ સમય દરમિયાન મહાબલિએ 99 અશ્વમેધ યજ્ઞો પૂરા કરી દીધા હતા. માત્ર એક યજ્ઞ કર્યા બાદ તેને દેવોના ઇન્દ્રનો મુકુટ પહેરાવી દેવાનો હતો. ત્યાં જ દરબારમાં નારાયણ વામન સ્વરૂપે પહોંચી ગયા. બલિએ વિનમ્ર થઇને તે બાળકને સિંહાસન પર બેસવા કહ્યું. મહાબલિએ કહ્યું કે મુનિવર આજના દિવસે હું કોઇ પણ વ્યક્તિને કોઇ પણ દક્ષિણા આપી શકું છું. આપ ચાહો તે મારી પાસે માંગી શકો છો. ત્યારે દાનવાચાર્ય શુક્રાચાર્ય વામન અવતારધારી ભગવાન વિષ્ણુને ઓળખી ગયા. બલિરાજા તેમની છલનાનો ભોગ બનશે એવી આશંકાએ બલિરાજાને દાન કરતો અટકાવવાનો તેમનો પ્રયત્ન નિષ્ફળ જતાં દાન આપતા બલિરાજા ઝારીમાંથી દાન સંકલ્પ માટે પાણી લેવાનો પ્રયત્ન કરે તે પહેલાં તેના નાળચામાં પ્રવેશી જળ આવતું અટકાવવાનો પ્રયત્ન શુક્રાચાર્યે કર્યો, પણ વામને દર્ભ-શલાકાથી એ અંતરાય દૂર કરવા જતાં શુક્રાચાર્યનું એક નેત્ર ફૂટી ગયું અને બહાર આવી ગયા. શુક્રાચાર્યના પ્રયત્નો બલિરાજાની દાનવીરતા અને વામનની પ્રયુક્તિ સામે નિષ્ફળ નીવડ્યા.
ભગવાન વામને કહ્યું કે મહારાજ મને ત્રણ પગલાં જમીન જોઇએ છે. ત્યારે બલિએ કહ્યું કે હા, તમે ત્રણ પગલાં જમીન માપીને લઇ લો. આટલું કહેતાંની સાથે બટુકનું કદ એટલું તો વધ્યું કે બલિને તેમના પગ જ દેખાતા હતા. પહેલા પગલામાં તો સમગ્ર પૃથ્વી આવી ગઇ. બીજા પગલામાં આખું આકાશ માપી લીધું. મહાબલિ આ જોઇને સ્તબ્ધ રહી ગયો. બટુકે કહ્યું કે તમે મને ત્રણ પગલાં જમીન આપવાની કહી હતી અને બે પગલાંમાં તો આકાશ અને ધરતી મપાઇ ગયાં છે, હવે તમે કહો હું ત્રીજો પગ ક્યાં મૂકું? મહાબલિએ કહ્યું કે પ્રભુ હું વચનભંગ કરનારા લોકોમાંથી નથી. તમે ત્રીજો પગ મારા માથા પર મૂકો. ભગવાને હસીને ત્રીજો પગ બલિના માથા પર મૂક્યો અને તેનાથી બલિ રાજા હંમેશ માટે પાતાળલોકમાં જતા રહ્યા. મહાબલિનો વૈભવ ત્રણેય લોકમાંથી સમાપ્ત થયો. પાતાળમાં જતા બલિને વામને કહ્યું કે હું તારું ત્યાં પોષણ કરીશ. તારા પુત્ર-પૌત્રોનું રક્ષણ કરીશ. તું ત્યાં સુખેથી રહેજે. બલિરાજાએ ત્રણેય લોકનું આધિપત્ય ગુમાવ્યું, પણ દેવશયની એકાદશીથી દેવપ્રબોધિની એકાદશી પર્યંત બલિરાજા પાસે રહેવાનું ભગવાન વિષ્ણુએ તેની ભક્તિ અને દાનવીરતાથી પ્રસન્ન થઈને સ્વીકાર્યું હતું. આ પૌરાણિક કથા છે.
કહેવાય છે કે બલિરાજાએ તેમની ભક્તિના બળે ભગવાન પાસે રાત-દિવસ તેમની સામે રહેવાનું વચન માંગી લીધું. ભગવાન પણ વચન આપીને બંધાઇ ગયા અને બલિરાજા પાસે જ રહી ગયા. વિષ્ણુ ભગવાન પરત ના આવતાં માતા લક્ષ્મીજી પરેશાન થઇ ગયાં. ત્યારે નાદરજીએ ભગવાનને પાછા લાવવાનો રસ્તો બતાવ્યો. નારદજીએ બતાવ્યા અનુસાર માતા લક્ષ્મીજીએ બલિને રાખડી બાંધી અને ઉપહાર અને આશીર્વાદના બદલામાં ભગવાન વિષ્ણુને માંગી લીધા.
આખા જગતને નૈતિક અને સાત્ત્વિક બનાવી જગતનું સાંસ્કૃતિક અને નૈતિક પુનરુત્થાન કરી વામન ભગવાને અવતાર કાર્ય પૂર્ણ કર્યું.