`તારા પિતાના તો કોઇ ઠેકાણાં નથી પછી રોફ શેનો મારે છે?’ ઘટના એવી છે એક બુદ્ધિશાળી બાળક મિત્રો સાથે રમતો હતો. એ સમયે એની સાથે રમવાવાળા બીજા મિત્રની સાથે ઝઘડો થયો એમાં એણે આવું સંભળાવેલું. ઘટનાને લગભગ પચીસોથી વધારે વર્ષોનાં વહાણાં વાઇ ગયાં છે.
એ સમયે એક મા દીકરાની સાથે એના પિતાના ઘરમાં રહેતી હતી. માતાનું નામ નંદા હતું. એના પિતા ભદ્શેઠ હતા અને દીકરાનું નામ અભય હતું.
એના મિત્રએ જ્યારે એને આવી વાત કરી ત્યારે એને ઘણું ખરાબ લાગ્યું. મિત્રને તો એનો જવાબ આપી દીધેલો, પણ મનનો મમરાટ ઓછો ના થયો!
એ સીધો પહોંચ્યો પોતાની માતા પાસે. કોઇ પણ જાતના પ્રસ્તાવ વગર જ એણે માતાને પૂછ્યું, `મા, મારા પિતાજી ક્યાં છે?’
મા મોંઢી ગઇ. આ દીકરો દસ વરસનો થયો, પણ આજ સુધી ક્યારેય એણે આવું પૂછ્યું નથી. આજે જ શા માટે દીકરાએ આવો પ્રશ્ન કર્યો? એણે કહ્યું ભદ્શેઠ તારા પિતા જ છે ને.
ના ના, એ મારા પિતા નથી. એ તો તારા પિતા છે. મારા તો નાના છે. પિતા ક્યાં છે?
છોકરાને સમજાવવાની કોશિશ કરી, પણ આ કંઇ સમજે એવો હતો? માતા નંદાએ દીકરાને સમજાવવાની નિષ્ફળ કોશિશ કરી, પણ છેવટે એના આંસુના બંધ છૂટી ગયા. આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. પેલો અભય આભો બની ગયો. એણે પોતાની માતાને કહ્યું ચિંતા ના કરીશ. તારે રડવાનું કોઇ કારણ નથી. હું તારો દીકરો છું પછી તારે શા માટે કોઇ ચિંતા કરવી પડે?
નંદાએ પોતાના વહાલા દીકરાને પ્રેમથી વહાલ કરીને કહ્યું, `દીકરા, તારા જેવો દીકરો પામીને મારે શું ચિંતા કરવાની હોય?’
તું તારા પિતાની વાત કરે છે? તો સાંભળ. એક દિવસ તારા નાનાની દુકાનના ઓરડે એક માણસ આવ્યો. તારા નાના ભદ્શેઠે એને દુકાનમાં રાખ્યો. એના વહેવાર અને વર્તન જોઇને એની સાથે લગ્ન કરાવ્યાં. એ ક્યાંના હતા? કોણ હતા? એમણે કોઇ પરિચય આપ્યો નહીં અને એક દિવસ એ કંઇ પણ કહ્યા સિવાય અહીંથી રવાના થઇ ગયા. અમને કંઇ ખબર પણ પડવા દીધી નહીં.
એમણે કોઇ નિશાની આપી હોય કે એવું કંઇ છે ખરું?
એ આ રીતે અમને છોડીને જતા રહેશે એવી કોઇ કલ્પના પણ ન હતી ને એટલા માટે અમને કંઇ પણ પૂછવાની જરૂર જ જણાઇ ન હતી. એક દિવસ રાતે થોડા મોડા આવેલા અને સવારે તો એ ક્યારે રવાના થઇ ગયા એ પણ સમજ ન પડી. સવારે એમની શોધ કરી ક્યાંય ન મળ્યા. છેવટે એક દિવસ ઉપર નજર પડી. ત્યાં કશુંક લખેલું હતું, પણ એનો અર્થ સમજાયો નહીં.
અભય કહે છે કે લખાણ શું હતું? મારે એ જાણવું છે. એ લખાણમાં જ એમનો પરિચય હશે.
નંદા કહે છે, અર્થ સમજવાની અમે ઘણી મહેનત કરી, પણ કંઇ વળ્યું નહીં. છતાં તું પણ પ્રયત્ન કરી જો, કદાચ તને સમજ પડે પણ ખરી. “રાજગૃહી પાલિ ગામ ગોવાલિ ઘવલે ટોડે ઘર કંહીઇ”
અભયકુમારે બરાબર વાંચ્યું. પછી વિચાર કર્યો. અચાનક એને સ્કુરણા થઇ આ તો બીજા કોઇ નહીં, પણ રાજગૃહી નગરના રાજા જ હોવા જોઇએ. મા, મારા પિતાનું સરનામું મને મળી ગયું છે, ચાલ આપણે રાજગૃહી જઇએ.
અભયનો ઉત્સાહ અમાપ છે. એ કહે છે, મા હવે તારે દુ:ખી થવાની જરૂર નથી. મને મારા પિતા સામે જ દેખાય છે. આટલું સ્પષ્ટ તો એ લખીને ગયા છે. પછી બીજી ચિંતા કરવાનો અર્થ ક્યાં છે? અભયે માને તૈયાર કરી દીધી. દડમજલ કરતા આગળ વધે છે. ત્રણ મહિના પછી એક દિવસ રાજગૃહીના ગોંદરે પહોંચે છે. માને એક સુરક્ષિત સ્થાને બેસાડે છે. પોતે ગામમાં ગયો. ગામની શોભા જોતો આગળ વધી રહ્યો છે.
આવા સમયે એક ઓર ઘટના બની. રાજાએ એક જાહેરાત કરેલી એક કૂવામાં રાજાની સોનાની વીંટી પડી ગયેલી. એણે જાહેર કરેલું અંદર ઊતર્યા વગર વીંટીને કાઢી આપે એને રાજ્યનો મુખ્યમંત્રી બનાવીશ. નગરજનો કૂવાની આસપાસ ભેગા થઇ ગયા છે. તુક્કા દોડાવે છે આમ કરો તો નીકળે. બીજો કહે, ના, આમ નહીં આ કરો, પણ કોઇની વાત સંતોષકારક લાગતી નથી.
અભયે વિચાર કર્યો વીંટીને કાઢવા શું કરવું જોઇએ? એ વિચાર કરતો હતો એ સમયે એક ગાયે પોદળો કર્યો. અભયના મગજમાં તરત લાઇટ થઇ. હા, બરાબર છે આમ જ કરાય. એણે એ પોદળો ઉપાડીને બરાબર વીંટીની ઉપર નાખ્યો. છાણના કારણે વીંટી દેખાતી નહોતી. બધા કહે આ શું કરો છે? હવે તો એ દેખાતી જ બંધ થઇ. તમને જે દેખાતી નથી એ મને મારા હાથમાં જ દેખાય છે. લોકો તો હસવા લાગ્યા. આ કોઇ શેખચલ્લી જેવો માણસ દેખાય છે.
એણે છાણ સુકાવા દીધું. બે દિવસમાં બરાબર સુકાઇ ગયું. પછી એણે અંદર પાણી ભરવાનું ચાલુ કર્યું. નજીકના તળાવમાંથી નહેર બનાવીને કૂવામાં પાણી ભરવા માંડ્યું. પેલું છાણ સુકાઇ ગયેલું હતું. પાણીના પ્રવાહના કારણે જમીનથી છૂટું પડ્યું. ઉપર સુધી આવી ગયું. છાણા સાથે ચોંટેલી વીંટી કાઢીને રાજાને આપી. રાજાએ એને મંત્રી બનાવવાની વાત કરી. સાવ નાની ઉંમર લગભગ દસ-બાર વર્ષની એ સમયે ઉંમર હશે. રાજાએ એનો પરિચય પૂછ્યો.
ભાઇ ક્યાંથી આવે છે?
બેનાતરથી. સાવ ટૂંકો જવાબ આપ્યો અને રાજાનો ચહેરો જોવા લાગ્યો.
એણે કહ્યું, મારા નાનાનું નામ ભદ્શેઠ અને માતાનું નામ નંદા.
શું નામ કહ્યું? નંદા? તું નંદાનો દીકરો છે? ક્યાં છે નંદા? આટલું કહેતાં તો રાજાએ અભયને પોતાના બાહુપાસમાં જકડી લીધો. મારા દીકરા, તું આટલા વરસ ક્યાં હતો? તારી માતા ક્યાં છે?
મારી માતા આપને મળવા અત્યંત ઉત્સુક છે, પણ મગધ સમ્રાટ મહારાજા શ્રોણિકની મહારાણી શું એમ દરિદ્રની જેમ આવશે?
મહારાજા શ્રોણિક નંદાને લેવા જાય છે. સસ્વાગત હાથી ઉપર બેસાડીને રાજગૃહી નગરીમાં પ્રવેશ કરાવે છે. નગરજનો રાજાના કુંવરને અને મહારાણીને જોઇને પ્રસન્ન થાય છે. અભયકુમાર રાજગૃહીનો મહામંત્રી બને છે. અસાધ્ય ગણાતાં મહત્ત્વનાં કાર્યો અભયકુમાર ચપટી વગાડતાંની સાથે કરી બતાવતા.
ચેટકરાજ પોતાની પુત્રીને શ્રોણિક રાજા સાથે પરણાવવા માગતા ન હતા. છતાં પણ એમની દીકરી એવી મેલણાને શ્રોણિક રાજાની પત્ની બનાવી યુદ્ધ કરવા આવેલા મંડપ્રદ્યોતને અભયકુમારે પોતાની બુદ્ધિથી વગર યુદ્ધે રવાના કર્યા હતા. આવા તો ઘણાં બધાં કાર્યો કરીને રાજા અને પ્રજાના મનમાં સ્થાન મેળવી લીધું હતું.
એક દિવસ ભગવાન મહાવીર પ્રભુ રાજગૃહી નગરીની બહાર ઉદ્યાનમાં પધાર્યા છે. મહારાજા શ્રોણિક વગેરે નગરના નાગરિકો ભગવાનનાં દર્શન, વંદન કરવા ગયેલા. અભયકુમાર પણ માતા નંદાને લઈને આવેલો. ભગવાનના પ્રવચનનો સાર તો એક જ હોય. સંસારમાં કંઇ સાર નથી. સંસારમાં કંઇ પણ સુખનો અનુભવ થાય છે એ વાસ્તવિક અને ચિરસ્થાયી નથી, કારણ કે આ બધાં સુખોના અનુભવ માટે શરીરની આવશ્યકતા હોય છે. જ્યારે આમાં સુખનો અનુભવ માત્ર આત્મા સ્વયં કરી શકે છે અને તે અનંત હોય છે. આવા સુખના અનુભવ માટે માણસે પ્રયત્ન કરવો જોઇએ.
અભયકુમારના અંતરમાં આ વાત ઊતરી ગઇ. આપણાં બધાં સુખો આભાસી છે. હવે આમાં સુખ માટે પ્રયત્ન કરવો જોઇએ. એમણે મહારાજા શ્રોણિકને હાથ જોડીને પ્રાર્થના કરી. આપને હું કરબદ્ધ પ્રાર્થના કરું છું કે આપ મને ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવાની અનુમતિ આપો. બહુ બધી વિનંતી કરી ત્યારે એમણે કહ્યું, “તું જા, તારું મોઢું મને બતાવીશ નહીં. આવું જ્યારે કહું ત્યારે તારે દીક્ષા લેવી.” રાજાને એમ કે હું આવું કહીશ નહીં અને આ દીક્ષા લેશે નહીં.
પણ આ તો અભયકુમાર હતો. બુદ્ધિનો ભંડાર. સામેના માણસને ક્યાં, ક્યારે અને કેવી રીતે ભૂલમાં નાંખવો એ એને ખબર હતી.
એક દિવસ શ્રોણિક અને મેલણા આવી રહ્યાં હતાં. એક વૃક્ષની નીચે એક મહાત્મા ખુલ્લામાં ધ્યાન કરી રહ્યા હતા. વાતાવરણમાં અસહ્ય ઠંડી હતી. એમને નમસ્કાર કર્યા. એ જ દિવસે રાત્રે સરસ મજાની કામળી ઓઢીને રાજા-રાણી સૂતાં હતાં. મેલણા રાણીનો હાથ ધાબળાની બહાર ગયો. ઠંડીમાં ઠરી ગયો. તરત હાથને અંદર લઇ લીધો, પણ એમના મોંમાંથી શબ્દો સરી પડ્યા, `એમનું શું થતું હશે?’
રાજાએ આ શબ્દો સાંભળ્યા અને વિચારવા લાગ્યો કે, પેલો સાધુ આમનો પૂર્વ પરિચિત હોવો જોઇએ. આ તો કેવી રીતે ચાલે? સવારે અભયને બોલાવીને આજ્ઞા કરી, મેલણાને ઠેકાણે પાડી દે.’ રાજાને મેલણા માટે કેવી આસક્તિ છે એની એને ખબર હતી. એણે મેલણાને જંગલમાં છુપાવી દીધાં.
રાજા ભગવાનનાં દર્શન કરવા ગયાં. એ સમયે કોઇ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન બોલ્યા, ચેટકરાજાની બધી દીકરીઓ મહાસતી છે.’
ભગવાનની વાતમાં શંકા થાય જ નહીં. એ પાછા આવી રહ્યા હતા. રસ્તામાં અભય મળ્યો. એને પૂછ્યું મારી આજ્ઞાનું પાલન કર્યું?
એણે કહ્યું, આપની આજ્ઞાનું પાલન થઇ ગયું છે. હવે રાજાને અભયકુમાર ઉપર ગુસ્સો થાય છે. મેલણાને મારી નાખી? જા, હવે તું મને તારું મોઢું બતાવીશ નહીં. બસ, એને તો આટલું જોઇતું હતું. એ જ સમયે એ ભગવાન પાસે પહોંચી ગયો. દીક્ષા લીધી. સરસ સંયમ જીવનનું પાલન કરીને દેવલોકમાં ગયા. આપણને મળેલી બુદ્ધિનો સદુપયોગ કરીએ તો આપણું સાચા અર્થમાં કલ્યાણ થાય