શ્રવણ પરીક્ષિત શરૂ કર્યું, કીર્તન સ્મરણ કર્યું
પ્રહલાદ શ્રી સેવન પૂજન પૃથુ વંદન અક્રૂર આહલાદ
આવંદનામાં તમામ શ્રેષ્ઠ ભક્તોનો સમાવેશ થાય છે. અક્રૂરજી તેમાં ભગવાન શ્રીકૃષ્ણના શ્રેષ્ઠ ભક્ત હતા તેમજ કૃષ્ણભક્તિમાં પોતાનું જીવન વ્યતીત કર્યું હતું.અક્રૂરજી વાસુદેવના મિત્ર અને પિતરાઈ ભાઈ હતા. અક્રૂરજી પિતાનું નામ શ્વફલક હતું. તેઓ યદુવંશી હતા અને કુટુંબ સંબંધે વાસુદેવજીના પિતરાઈ ભાઈ હતા, તેથી તેઓ કૃષ્ણના કાકા કહેવાયા. બીજા બધા યદુવંશીઓ તો કંસના ભયથી મથુરા છોડી ચાલ્યા ગયા હતા,
પરંતુ અક્રૂરજી પોતાની બુદ્ધિના બળે કંસના દરબારી બનીને રહ્યા હતા. તેમણે કંસનો વિશ્વાસ સંપાદન કર્યો હતો.ભગવાન શ્રીકૃષ્ણની અલૌકિક બાળલીલાઓ સાંભળીને તેઓ તેમના ભક્ત બની બેઠા હતા. તેઓ મનથી સદા કૃષ્ણનું ધ્યાન ધરતા અને મનોમન વંદન કરતા હતા. કંસને મથુરામાં રહેતા ભગવાનની તમામ લીલાની જાણ રહેતી. ભગવાને પૂતનાને મારી, તૃણાવર્તને માર્યો, અધાસુર, અરિષ્ટાસુર, કેશી અને વ્યોમાસુર જેવા રાક્ષસોને માર્યા. કંસને શંકા ગઈ કે કદાચ દેવકીનો આઠમો પુત્ર કૃષ્ણ જ હશે અને આ શંકાને દેવર્ષિ નારદે પૂર્ણ સમર્થન આપ્યું.
આ જાણી કંસને ખૂબ ક્રોધ ચઢ્યો. તેણે મનોમન કૃષ્ણ અને બલરામનો સંહાર કરવાનું નક્કી કર્યું. કંસ સમજી ગયો કે કૃષ્ણ-બલરામને ગોકુળમાં અને તે પણ કપટથી છાની રીતે મારવાનું શક્ય નથી, તેથી તેમને કોઈ પણ રીતે મથુરામાં બોલાવીને વધ કરવો પડશે. આવું વિચારીને તેણે એ બંને ભાઈઓને મથુરામાં બોલાવી તેમનો વધ કરવાનું ષડ્યંત્ર રચ્યું.
કંસે મથુરામાં ધનુર્યજ્ઞનું આયોજન કર્યું. તે પ્રસંગે ભાગ લેવા માટે કંસ અક્રૂરજીને કૃષ્ણ-બલરામને લેવા માટે મોકલે છે અને પોતાના કાળને સ્વયં નોતરે છે. અક્રૂરજી તો કૃષ્ણ-બલરામના ભક્ત હતા. અક્રૂરજી કંસના ઈરાદા જાણે છે, પરંતુ કૃષ્ણદર્શનની લાલસાથી તેઓ ગોકુળ જવા માટે તૈયાર થાય છે.
અક્રૂરજી ગોકુળ જવા પૂર્વની રાત્રિ પૂરી થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. રાત ક્યારે પૂરી થાય અને પોતે ક્યારે ગોકુળ તરફ પ્રયાણ કરે તેનું ચિંતન કરે છે. કૃષ્ણદર્શન માટે તેઓ અધીરા બની ગયા છે. સૂર્યોદય થાય છે. તેઓ કંસ દ્વારા આપેલો સોનાનો રથ લઈને ગોકુળ તરફ હાંકે છે અને રથ મથુરા નગરીની બહાર નીકળ્યો.
આખા રસ્તે તેઓ કૃષ્ણના જ વિચાર કરે છે. તેઓ મનોમન હર્ષિત થાય છે. પોતાને ભાગ્યશાળી સમજે છે. ગોકુળ આવવાની પ્રતીક્ષા કરે છે. તેમના મનમાં પોતે કૃષ્ણનો દાસ હોવાનું અભિમાન જાગે છે. અભિમાન એ દુર્ગુણ છે. અભિમાન શા માટે? કોના માટે? પરમ તત્ત્વોને પ્રાપ્ત કરવું હોય તો મિથ્યા અભિમાનનો ત્યાગ કરવો જ પડે, પરંતુ પ્રભુભક્તિનું અભિમાન અમૃતસમાન હોય છે. તેઓ વિચારે છે કે લૌકિક સંબંધે હું વાસુદેવનો ભાઈ છું તેથી હું કૃષ્ણનો કાકા કહેવાઉં. માટે કૃષ્ણ મને નામથી તો નહીં જ બોલાવે. તેઓ મને કાકા કહેશે અને મારો જન્મ સફળ થશે.
ગોકુળ તરફ ગમન કરતા અક્રૂરજીના મનમાં ભગવાનનું સતત ચિંતન ચાલી રહ્યું છે. મનની એકાગ્રતા સધાતા મનની સાથે તન પણ સ્થિર બની ગયું. તેઓ હવે તો દર્શન વિના અધીરા બની ગયા છે. પોતાનો રથ દોડાવે છે અને જુએ છે ગોકુળિયું ગામ. જે ગામની કલ્પના સ્વર્ગમાં પણ ન થઈ શકે.
ગોધૂલિનો સમય છે. અક્રૂરજી ગોંદરે આવી પહોંચ્યા છે. પ્રભુ હમણાં જ એ રસ્તેથી ગાયોને લઈને ગામમાં પધાર્યા છે. તેમનાં ચરણો સ્પષ્ટપણે માર્ગની ધૂળમાં અંકિત થયેલાં દેખાય છે. અક્રૂરજીએ તે જોયાં. તેમણે વિચાર્યું હું કૃષ્ણનો દાસ અને સુવર્ણના રથમાં બેસીને જોઉં, મને તે ન શોભે. અક્રૂરજી તરત જ રથ પરથી નીચે ઊતરે છે અને ભગવાનનાં ચરણચિહ્નનો પાસે ધૂળમાં બેસી જાય છે. તેઓ રસ્તાની ધૂળ આંખે અને માથે ચઢાવે છે. રજનો સ્પર્શ થતાં તો રોમરોમમાં ચેતના જાગ્રત થાય છે. તેઓ વ્રજરજમાં આળોટે છે. અક્રૂરજી આળોટતાં આળોટતાં પાગલ બની ગયા છે.
અક્રૂરજી દંડવત્ કરતાં કરતાં નંદાલય સુધી જાય છે. તેમણે વ્રજ પરિક્રમા પણ કરી ગણાય. વંદન કરતાં ગૌશાળામાં જતાં જ ભગવાનનાં દર્શન થયાં. પ્રભુને જોઈ જેમ દીવાલે ટેકવેલી લાકડી જમીન પર પડે તેમ પ્રભુનાં ચરણોમાં ઢળી પડ્યા. આંખોમાંથી પ્રેમઅશ્રુ વહેવા લાગ્યાં. ભગવાન ભક્તોના ભાવ જાણે છે. તેઓ અંતર્યામી છે. ભગવાને અક્રૂરજીના હૃદયના ભાવોને સન્માન્યા. તેમણે અક્રૂરજીને પોતાના હાથથી ઉઠાડ્યા. તેમના માથે પ્રેમથી હાથ મૂક્યો અને કહ્યું, `કાકા, ભલે પધાર્યા. હું તમારો સત્કાર કરું છું.’ આટલું કહી ભગવાન તેમને ભેટી પડ્યા.
જગત ભલે અક્રૂરજીને કૃષ્ણભક્તિમાં લીન, પાગલ કહે. લોકો પણ જુદાંજુદાં સ્થાને પાગલ બને છે. કોઈ સ્ત્રી પાછળ, કોઈ સત્તા પાછળ, કોઈ પુત્ર પાછળ, પણ ભગવાનની પાછળ પાગલ થયેલી વ્યક્તિ બધાં બંધનોમાંથી મુક્તિ મેળવે છે, જ્યારે બીજી વસ્તુઓમાં પાગલ થયેલી વ્યક્તિ બંધનમાં મુકાય છે, માટે ભક્તિ રે કરવી તેને રાંક થઈને રહેવું જી…