સભાનતામાં કાંઈક બનવાનું નથી હોતું, લાભ લઈ લેવાને કોઈ અંત હોતો નથી. ત્યાં હોય છે પસંદગી વગરનું અને નિંદા કર્યા વગરનું મૌન નિરીક્ષણ કે જેમાંથી સમજણ આવે છે. આ પ્રક્રિયામાં વિચાર અને લાગણી પોતાને ત્યારે જ પ્રગટ કરે કે જ્યારે કાંઈ પ્રાપ્ત કરવાનું કે સ્વીકારવાનું ન હોય ત્યારે વિશાળ થતી જતી સભાનતા આવે છે,
ત્યારે સઘળાં અપ્રગટ પડળો અને તેમનું રહસ્ય નજર સમક્ષ પ્રકટ થાય છે. આ સભાનતા જેની કલ્પના ન કરી શકાય કે સૂત્રબદ્ધ ન કરી શકાય તેવું સર્જનાત્મક ખાલીપણું પ્રકટ કરે છે. આ વ્યાપક બનતી સભાનતા અને સર્જનાત્મક ખાલીપણું મળીને એક સમગ્ર, પૂરી ક્રિયા બને છે, તેના અલગ તબક્કા નથી. જ્યારે તમે કોઈ સમસ્યાનું નિંદા કર્યા વગર કે નિર્ણય કર્યા વગર શાંતિથી નિરીક્ષણ કરતા હો ત્યારે ત્યાં એક શાંત નિષ્ક્રિય સભાનતા ઉદ્ભવે છે. આ શાંત સભાનતામાં સમસ્યાની સમજ આવે છે અને તેનો અંત આવે છે. સભાનતામાં સંવેદનશીલતા વધારે તીવ્ર થતી હોય છે. તેમાં નકારાત્મક સર્વોચ્ચ સ્વરૂપે હોય છે. જ્યારે મન સૂત્રો બનાવતું હોય, ધારણા કરતું હોય ત્યારે ત્યાં કોઈ સર્જન ન થઈ શકે. જ્યારે મન શાંત અને ખાલી હોય, જ્યારે તે કોઈ સમસ્યા ઊભી ન કરતું હોય ત્યારે જ એ જાગ્રત શાંતિમાં સર્જન થાય છે. સર્જન કેવળ નકારમાં જ ઉદ્ભવી શકે, આ નકાર હકારાત્મક શબ્દનો વિરોધી શબ્દ નથી. `કાંઈ ન હોવું’ એ `કાંઈક હોવા’ની વિરોધી વાત નથી. સમસ્યા ત્યારે જ ઊભી થાય છે કે જ્યારે પરિણામ માટે શોધ કરવામાં આવે છે. જ્યારે પરિણામ માટેની આ શોધ અટકે ત્યારે સમસ્યા નથી રહેતી.
જે પૂરેપૂરું સમજાઈ ગયું હોય તે પોતાનું પુનરાવર્તન નહીં કરે
સ્વ-સભાનતામાં કોઈ કબૂલાત કરવાની જરૂર નથી, કેમ કે સ્વ-સભાનતા એક એવો અરીસો પ્રગટ કરે છે કે જેમાં બધી બાબતોનું વિકૃત થયા વગરનું પ્રતિબિંબ પડે છે. તેમાં દરેક વિચાર અને લાગણી દર્શિત થાય છે, કારણ કે સભાનતાના તે પરદા પર નિરીક્ષણ હોય છે, જે તેનો અભ્યાસ કરે અને તેને સમજે, પરંતુ જ્યારે તેમાં નિંદા કરવાનું, સ્વીકારવાનું, નિર્ણય કરવાનું કે ઓળખ કરવાનું હોય ત્યારે સમજણનો આ પ્રવાહ રૂંધાઈ જાય છે. પીડા અને દુ:ખે સર્જેલાં અસંતુષ્ટ હિતો જે શિસ્ત લાવે છે તે મુજબની કોઈ ફરજના ભાગરૂપે કે લાદવામાં આવેલી બાબતના ભાગરૂપે નહીં, પરંતુ આ અરીસામાં વિચારોનું જેટલું વધારે નિરીક્ષણ કરવામાં આવે અને તેને જેટલા વધારે સમજવામાં આવે તેટલી જ સભાનતાની ઉત્કટતા વધારે રહે છે અને તેનાથી આવતી સમજણ પણ તેટલી જ વધારે ઉચ્ચ હોય છે.
જો આપણે કોઈ વસ્તુની ગતિનો અભ્યાસ કરતા હોઈએ તો જો તે ધીમેથી ચાલતી હોય તો તેને આપણે સમજી શકીએ, ઝડપથી ચાલતા કોઈ યંત્રને ધીમું પાડી તેની ગતિ સમજી શકાય. એ જ રીતે, વિચાર-લાગણીઓનો અભ્યાસ તો જ કરી શકાય અને તો જ તેને સમજી શકાય કે જો મન ધીમે ધીમે આગળ વધવા સમર્થ હોય; પરંતુ એકવાર તેની આ ક્ષમતા જાગ્રત થઈ જાય, ત્યાર બાદ તે એકદમ ઝડપથી આગળ વધી શકે અને એ ક્ષમતા જ મનને અને તેની ગતિને અત્યંત શાંત બનાવે છે.