આખાયે સંસારમાં સૌથી પ્રાચીન ગ્રંથ આપણા વેદ છે. વેદ કુલ ચાર છે-ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદ, આ પ્રત્યેક વેદને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જેમાંથી એક ભાગને મંત્ર તથા બીજા ભાગને બ્રાહ્મણ કહેવામાં આવે છે. જે ગ્રંથોમાં મંત્રોનો સંગ્રહ છે તેને સંહિતા તરીકે ઓળખવામાં આવે છે.
બ્રાહ્મણના ત્રણ ઉપભાગ થયા બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. બ્રાહ્મણ ગ્રંથ મનુષ્યના નિત્ય કર્મકાંડ સાથે સંબંધિત છે. તેમાંથી એક ઐતરેય કહેવાય છે. જેમાં ચાલીસ અધ્યાય છે. આ ઐતરેય બ્રાહ્મણનો આવિર્ભાવ કેવી રીતે થયો તે ખૂબ જ રસપ્રદ છે.
માણ્ડુકી નામના એક ઋષિ હતા તેમની પત્નીનું નામ ઈતરા હતું. તેઓ બંને ભગવાનના ભક્ત હતાં તથા અત્યંત પવિત્ર જીવન વ્યતીત કરતાં હતાં. બંને એકબીજાનું ધ્યાન રાખતાં હતાં તથા સુખપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરી રહ્યાં હતાં. તેમને માત્ર નિ:સંતાન હોવાનું દુ:ખ હતું. ઘણો સમય વીત્યા પછી પુત્રપ્રાપ્તિની ઈચ્છાથી બંનેએ કઠોર તપસ્યા કરી તથા ભગવાને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમની ઈચ્છાને પૂરી કરી. તેમના ઘરે એક પુત્રરત્નનો જન્મ થયો, જે ખૂબ જ સુંદર અને આકર્ષક હતો. આ બાળક તેમની મહાન તપસ્યાનું ફળ હતું. જોકે, બાળપણથી જ આ બાળક અલૌકિક તથા ચમત્કારપૂર્ણ ઘટનાઓનો જનક હતો, પરંતુ તે હંમેશાં ચૂપ જ રહેતો હતો. ઘણા સમય પછી તેણે બોલવાનું શરૂ કર્યું. આશ્ચર્યની વાત તો એ હતી કે તે જ્યારે પણ બોલતો ત્યારે વાસુદેવ…વાસુદેવ જ કહેતો. આઠ વર્ષ સુધી તેણે વાસુદેવ સિવાય બીજો કોઈ શબ્દ જ ન ઉચ્ચાર્યો. તે આંખો બંધ કરીને ચૂપચાપ ધ્યાન કર્યા કરતો. તેના ચહેરા પર તેજ વરસતું હતું અને આંખોમાં તીવ્ર ચમક હતી.
આઠ વર્ષે બાળકને યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યો તથા પિતાએ તેને વેદ ભણાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે કશું જ ન ભણ્યો. બસ, માત્ર વાસુદેવ… વાસુદેવ નામનું જ સંકીર્તન કરતો રહેતો. તેના કારણે પિતા હતાશ થઈ ગયા અને તેને મૂર્ખ સમજીને તેની તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું. પરિણામ સ્વરૂપ તેની માતા પક્ષે પણ તેમણે મોં ફેરવી દીધું. થોડાક દિવસો પછી માણ્ડુકી ઋષિએ બીજા વિવાહ કરી લીધા. જેનાથી તેમને અનેક પુત્રો થયા. મોટા થઈને એ બધા જ વેદોના તથા કર્મકાંડના મહાન જ્ઞાતા થયા. ચારે બાજુ તેમની પૂજા થતી હતી. બિચારી પૂર્વપત્ની ઘરમાં જ ઉપેક્ષિત જીવન વ્યતીત કરી રહી હતી. તે તરફ તેમના પુત્ર ઐતરેયનું જરા પણ ધ્યાન નહોતું. તે દરેક સમયે ભગવાન વાસુદેવનું નામ જપતો રહેતો અને એક મંદિરમાં પડ્યો રહેતો.
એક દિવસ માતાને અતિ ક્ષોભ થયો. તેઓ પોતાના પુત્રને મળવા માટે મંદિરમાં જ પહોંચી ગયાં અને કહેવા લાગ્યાં કે તારા હોવાથી મને શું લાભ થયો? તને તો કોઈ પૂછતું જ નથી, પરંતુ મને બધાં જ ઘૃણાની દૃષ્ટિથી જુએ છે. કહે કે આવું જીવન જીવવાનો શો લાભ? માતાની આવી દુ:ખભરી વાણી સાંભળીને ઐતરેયને કંઈક ધ્યાન આવ્યું અને તે બોલ્યોઃ માતા, તમે તો સંસારમાં આસક્ત છો, જ્યારે આ સંસાર અને તેના બધા ભોગ જ નાશવંત છે. માત્ર ભગવાનનું નામ જ સત્ય છે. હું તેનો જ જાપ કરું છું, પરંતુ હવે હું સારી રીતે સમજી ગયો છું કે મારી માતા પ્રત્યે પણ મારું કર્તવ્ય છે. હું હવે તેને પૂર્ણ કરીશ અને તમને એવા પદ પર આસીન કરાવીશ જ્યાં અનેક યજ્ઞો કરીને પણ પહોંચી શકાતું નથી. એ કાળમાં આપણા ઋષિમુનિઓએ દેવશક્તિને શોધી કાઢી હતી. તે તેને પ્રસન્ન તથા સંતુષ્ટ કરીને જગાડતા હતા તથા પોતાની પ્રત્યેક મનોકામનાને તેના દ્વારા પૂરી કરતા હતા. આ શક્તિ સમગ્ર વિધિ-વિધાન દ્વારા યજ્ઞો કરીને પ્રાપ્ત થઈ હતી. ઐતરયે પણ આમ જ કર્યું. તેણે ભગવાન વિષ્ણુની સાચા હૃદયથી પ્રાર્થના કરી જે વેદમાં અંકિત છે તથા તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક વિધિ-વિધાનનો આશ્રય લીધો. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ ગયા અને સાક્ષાત્ પ્રગટ થઈને ઐતરેય અને તેમની માતાને આશીર્વાદ આપ્યા. ભગવાન વિષ્ણુનાં દર્શન કરીને તેઓ પોતાના જીવનને ધન્ય માનવા લાગ્યા. આ તેમના પુત્રની તપસ્યાનું જ ફળ હતું જે માતાને પણ પ્રાપ્ત થયું. ઐતરેય તો જાણે વિહવળ થઈ ગયા. તેની આંખોમાંથી અશ્રુઓની જળધારા વહેવા લાગી. તેમણે ભગવાનને કરબદ્ધ પ્રાર્થના કરી અને પોતાના તથા પોતાની માતા માટે શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય તેવા આશીર્વાદ માગ્યા.
ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમે વેદોનું અધ્યયન નથી કર્યું, પરંતુ મારી કૃપાથી તમે બધા જ વેદોના જ્ઞાતા બની જશો. તમે વેદના એક અજ્ઞાત ભાગની શોધ કરશો, જે તમારા નામ સાથે જોડાઈને ઐતરેય બ્રાહ્મણ કહેવાશે. વિવાહ કરો, ગૃહસ્થી વસાવો તથા બધાં જ કર્મો કરો, પરંતુ તે બધા જ મને સમર્પિત કરી દો. અર્થાત્ એમ વિચારીને કરો કે તે મારો આદેશ છે. તેમાં ક્યારેય આસક્ત ન થશો. એક સ્થાન કે જે કોટિતીર્થના નામે ઓળખાય છે ત્યાં જાઓ. ત્યાં હરિમેધા યજ્ઞ કરી રહ્યા છે. તારા જેવા વિદ્વાનની ત્યાં જવાથી તારાં માતાની ઈચ્છાઓ પણ પૂરી થઈ જશે. આટલું કહીને ઐતરેયના શીશ પર હાથ રાખીને ભગવાન વિષ્ણુ અંતર્ધાન થઈ ગયા.
માતાનું હૃદય પોતાના પુત્રને માટે મમતાને બદલે શ્રદ્ધાથી ઓતપ્રોત થઈ ગયું, કારણ કે તેને લીધે જ તેમને ભગવાનનાં દર્શન થયાં હતાં તથા પોતાની માતાને કારણે જ તેઓ ભગવાનના નામ સિવાય કંઈક બોલ્યા હતા. હવે માતા અને પુત્ર બંને ભગવાનની આજ્ઞાનું પાલન કરીને હરિમેધાના યજ્ઞમાં પહોંચી ગયાં. ત્યાં જઈને ઐતરેયે ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત પ્રાર્થનાનું ગાન કર્યું. તેમને સાંભળીને તથા તેના તેજ અને વિદ્વત્તાથી બધા જ ઉપસ્થિત વિદ્વાન પ્રભાવિત થઈ ગયા. હરિમેધાએ તેમને ઊંચા આસન પર પહોંચાડીને તેમનો પરિચય મેળવ્યો.
ઐતરેયે અહીંયાં જ વેદના નવીન ચાલીસ અધ્યાયનો પાઠ કર્યો, જે હજુ સુધી અજ્ઞાત હતા. ત્યારબાદ તે ઐતરેય નામથી વિખ્યાત થયા. હરિમેધાએ ઐતરેયને સુયોગ્ય વર સમજીને પોતાની પુત્રીના વિવાહ તેની સાથે કરી દીધા. ઐતરેયની માતાની આવો વિદ્વાન તથા તપસ્વી પુત્રને જન્મ આપવા બદલ તેમની પ્રશંસા કરી અને ઐતરેય કરતાં પણ વધારે સન્માન પ્રદાન કર્યું. માતા પોતાના પુત્ર પાસે જે પણ કામના કરતી હતી તે બધી જ તેમને પ્રાપ્ત થઈ ગઈ હતી. હવે તે સુખપૂર્વક પોતાના પુત્ર તથા પુત્રવધૂ સાથે રહેવા લાગ્યાં. આમ, મહર્ષિ ઐતરેયનું નામ સદાયને માટે અમર થઈ ગયું.