એક ગામના પાદરે નદીતટ પર આવેલ શિવાલયની બાજુમાં એક જોગી અવધૂત વિદ્વાન સાધુ મહાત્મા કુટિરમાં રહેતા હતા. સવાર-સાંજ ભગવાન શિવની ભક્તિ કરતા અને રાત્રે ગ્રામજનોને ધર્મનો ઉપદેશ આપતા. આજુબાજુનાં ગામના કેટકેટલાય લોકો તેમનાં અમૃતવચનો સાંભળવા ને માર્ગદર્શન માટે આવતા.
બપોરની વેળા હતી. સાધુ કુટિરમાં રોટલા ઘડી રહ્યા હતા. તે જ વખતે એક નિરુત્સાહી યુવક આવી પહોંચ્યો અને યોગીનાં ચરણોમાં પડી રડવા લાગ્યો. તેની આંખોમાં વિરહની આગ હતી. મનમાં કંઈક પામવાની અતૂટ ઝંખના હતી. સાધુ એ યુવકના ચહેરાની વિચલિત રેખાઓ પરથી તેની મૂંઝવણ સમજી ગયા છતાં તેના કપાળમાં હાથ ફેરવતાં અચરજભર્યા ભાવે પૂછ્યું: `બેટા! કેમ રડી રહ્યો છે?’ પેલા યુવકે કહ્યું, `હે મહાજ્ઞાની! છેલ્લાં ચાર-ચાર વર્ષથી એક કામ કરું છું, પણ મને સફળતા મળતી નથી. હવે મને આશા રહી નથી. મને સર્વત્ર અંધકાર પથરાયેલો દેખાય છે. મને કશું સૂઝતું નથી. મારામાં કામ કરવાની શક્તિ રહી નથી. હું તમારી ચર્ચા સાંભળી અહીં આવ્યો છું. હે પથદર્શક! એવો માર્ગ બતાવો કે હું મારા કામમાં ચિત્ત એકાગ્ર કરી શકું. યુવકને શાંત પાડતાં સાધુએ કહ્યું:
`સાંભળ! તેં મહેનત કરી હશે તેમ હું માની શકું છું. તારી આંખનાં આંસુ તું કામમાં નિષ્ફળ નીવડ્યો તેના પસ્તાવા રૂપે વહી રહ્યાં છે કે કોઈના વિરહમાં? શું તું પરિણીત છે કે અપરિણીત? સાચું કહેજે.’
યુવકે કહ્યું, `હું પરિણીત નથી. હું એક છોકરીને બચપણથી પ્રેમ કરું છું, પણ તેના પિતા અમારાં લગ્ન માટે તૈયાર નથી. તે ધનવાન ખાનદાનની કન્યા છે. તેના પિતા કહે છે કે હું જો પ્રસિદ્ધ-પૈસા મેળવીશ તો જ તેની દીકરી મારી સાથે પરણાવશે. હું ભાગીને લગ્ન કરવા માંગતો નથી, કારણ કે તેમાં મારાં મા-બાપને તરછોડવાં પડે છે અને તેવું અધમ કૃત્ય કરવા માટે હું સક્ષમ નથી. હું તેને મારી પ્રસિદ્ધિ અને મહેનતથી પામવા ઈચ્છું છું. બસ, આ જ મારા હૃદયનું દર્દ છે.’
સાધુને યુવકની વાણીમાં સચ્ચાઈ દેખાઈ. તેનાં હૃદયનાં આંસુ સત્યની સાક્ષી પૂરતાં હતાં. ધર્મજ્ઞાનીએ કહ્યું, `હે શિષ્ય! તું જરૂર એક દિવ્ય મહામાનવ બનીશ. સાંભળ! પુરુષાર્થ, પ્રેમ અને પ્રતીક્ષા તથા હૈયામાં રામરટણ – આ ચારેયનો સંપૂર્ણપણે સંગમ થશે ત્યારે સફળતા તારાં કદમ ચૂમશે. મૃત્યુ બાદ પણ તને યશ-કીર્તિ અપાવશે. તેં માત્ર પુરુષાર્થ જ કર્યો છે અને તે પણ તારા પ્રેમના સ્વાર્થ ખાતર. સ્વાર્થ ખાતર કામ કરનાર મનુષ્યો કોઈ દિવસ જલદી સફળતા મેળવી શકતા નથી. તું તારા કામને તારી પ્રેમિકા બનાવી દે. તારા કામને પણ તારી પ્રેયસી જેટલો જ પ્રેમ કર અને પુરુષાર્થને છોડતો નહીં. તારું કામ તને પ્રેમ કરવા લાગશે અને જેમ તારી પ્રિયતમા તને છોડવા માગતી નથી તેમ તારું કામ તને છોડશે નહીં અને તેમ છતાં કદાચ સફળતા ના મળે તો પ્રતીક્ષા કર! કારણ કે સમયથી પહેલાં કદી કોઈને કશું મળતું નથી. મળે છે જરૂર પણ પ્રતીક્ષા તો કરવી જ પડે છે અને આ બધાં કર્તવ્યની વચ્ચે સમય મળે ત્યારે રામનું રટણ મનમાં કરજે, જે તારા આત્માને શાંતિ અર્પણ કરશે. બસ! તું તારા કામને પ્રેમનું જળ આપતો રહે, પુરુષાર્થને છોડીશ નહીં અને પ્રતીક્ષા સામે મીટ માંડી, ભગવાનમાં આસ્થા રાખી, નિ:સ્વાર્થભાવે કામ કર. કાળા માથાનો માનવી જ અશક્યને શક્ય બનાવે છે. બીજો કોઈ નહીં. તે સનાતન સત્ય છે.’ યુવક એકચિત્તે સંતને સાંભળી રહ્યો હતો. મહાત્માની અમૃતવાણીએ તેના જીવનમાં નવા પ્રાણ ફૂંક્યા. તેની ગાઢ અસર પેલા યુવક પર થઈ. યુવકે આછું સ્મિત વેરતાં કહ્યું, `હે તપસ્વી! આપશ્રીનો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. તમોએ મારા જીવનનો ઉદ્વાર કર્યો છે.’ યુવક સાધુનો નતમસ્તકે આભાર માની ચાલતો થયો.