જેનાથી તમે ચિડાવ તેવા લોકોને પ્રેમ કરવાની ઘણી વાતો થાય છે. તમે એવા લોકોને પ્રેમ કરી શકતા નથી જેનાથી તમે ચિડાવ છો. તમે બસ તેમને પ્રેમ કરવાનો ઢોંગ કરી શકો છો. તેમને પ્રેમ કરવાનો ઢોંગ કરવાને બદલે બસ એ જુઓ કે તેનાથી તમે ચિડાવ છો અને જુઓ કે તમે કેમ ચિડાવ છો? તમે તેમનાથી બસ એટલા માટે ચિડાવ છો, કેમ કે તમે તેમની પાસેથી જે અપેક્ષા કરો છો તેવા નથી; તેઓ તેવા નથી જેમ તમે ઈચ્છો છો.
તો પોતાને છેતરશો નહીં. બસ જુઓ કે આ ચીડ થઈ રહી છે, કેમ કે તમે પહેલેથી જ નક્કી કરી લીધું છે કે શું સાચું છે અને શું ખોટું છે. જો તેઓ અલગ રીતે વર્તે છે, તો તેનાથી પહેલાં તમે ચિડાશો, પછી તમે ગુસ્સે થશો, પછી તમે તેમને નફરત કરશો. આ બધી કુદરતી પ્રક્રિયાઓ છે. તે બસ એટલા માટે થાય છે, કેમ કે તમે અપેક્ષા કરો છો કે દુનિયાની બધી વ્યક્તિ તમારા જેવી હોય. જો દુનિયામાં બધા તમારા જેવા હોત, તો શું તમે અહીં રહી શકો? તમારા પોતાના ઘરમાં, જો તમારા જેવી બીજી વ્યક્તિ હોત, તો તમારા માટે તે ઘરમાં રહેવું શક્ય ન હોત.
તે ખૂબ જ સારી વાત છે કે દુનિયામાં દરેક વ્યક્તિ તેઓ જેવા છે તેવા છે. આ સમગ્ર માનવ વસ્તીમાંથી જો તમે કોઈ પણ માણસને લો, તો તે વ્યક્તિ એકદમ અનન્ય છે! તેમના જેવો બીજો કોઈ માણસ આ પૃથ્વી પર ક્યાંય નથી. આવો કોઈ વ્યક્તિ ન તો ક્યારેય થયો છે ન તો ક્યારેય થશે. આ એકદમ અનન્ય માણસ છે. જો તમે જાણો છો કે આના જેવી એક જ વ્યક્તિ છે, કે તેઓ આટલી કીમતી વસ્તુ છે, તો તે તમને કેવી રીતે ચીડવી શકે? તે એકદમ અનન્ય માણસ છે. તેમના જેવો બીજો કોઈ માણસ નથી અને તે તમારા માટે એક ચમત્કાર છે કે તમે આ માણસને જાણો છો, જે એકદમ અનન્ય છે. જો તમે આ જુઓ તો ચિડાવાનો સવાલ જ ક્યાં છે?
જો તમે તમારી આંખો ખોલો અને જીવનને જુઓ, તો કોઈ તમને કેવી રીતે ચીડવી શકે? જો તમે જીવન પ્રત્યે આંધળા હોવ તો જ તમે ચિડાઈ જશો. તમે પ્રેમથી છલકાઈ ઊઠો તેનો એકમાત્ર રસ્તો એ જ છે કે તમે સૃષ્ટિમાં દરેકે દરેક વસ્તુની વિશિષ્ટતા જુઓ.