– નિફટી ૮૨ પોઈન્ટ ઘટી ૧૯૫૪૨ : શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડે બંધ
– : બીએસઈ પર ૨૩૨૫ શેર્સના ભાવ ઘટયા જ્યારે ૧૩૮૦ વધ્યા
Updated: Oct 21st, 2023
મુંબઈ : છેલ્લા પંદર દિવસથી ચાલી રહેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધનો નજીકના ભવિષ્યમાં અંત નહીં જણાતા અને ક્રુડ તેલના ઊંચા ભાવે ભારતીય શેરબજારો પર દબાણ ચાલુ રહ્યું હતું. સપ્તાહ અંતે સતત ત્રીજે દિવસે બેન્ચમાર્ક ઈન્ડેકસ ઘટાડેબંધ રહ્યા હતા. બેન્ચમાર્ક સેન્સેકસ ૨૩૧.૬૨ પોઈન્ટઘટી ૬૫૩૯૭.૬૨ જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ ૮૨.૦૫ પોઈન્ટ ઘટી ૧૯૫૪૨.૬૫ બંધ રહ્યો હતો. માર્કટ બ્રેડથ પણ નબળી રહી હતી. બીએસઈ પર ૨૩૨૫ શેર્સના ભાવ ઘટયા હતા જ્યારે ૧૩૮૦ના ભાવ વધ્યાહતા. ૧૩૧ના ભાવ ફેરફાર વગરના રહ્યા હતા.
અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે ભારત જેવી ઊભરતી બજારોમાંથી વિદેશી ફન્ડોના નાણાં ખેંચાઈ રહ્યા છે. અમેરિકમાં દસ વર્ષની યીલ્ડ વધીને પાંચ ટકા પહોંચી ગઈ છે જે ઈક્વિટી બજારો માટે પડકારરૂપ બની રહ્યું છે. સેન્સેકસ કંપનીઓના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો મિશ્ર આવી રહ્યા છે જેની પણ બજાર પર અસર જોવા મળી રહી છે.
બેન્ક શેરો દબાણ હેઠળ: એસબીઆઈ, ફેડરલ બેન્ક, એક્સિઝ બેન્કમાં ઘટાડો
બેન્કિંગ ક્ષેત્રના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામો મિશ્ર આવી રહ્યા હોવાથી બેન્ક શેરોમાં ઊંચા મથાળે વેચવાલી આવી રહી છે. વિદેશી ફન્ડો પણ બેન્કોમાં પોતાનું હોલ્ડિંગ્સ ઘટાડી રહ્યા હોવાના અહેવાલ હતા. એસબીઆઈ રૂપિયા ૮.૧૦ ઘટી રૂપિયા ૫૬૩.૧૦, બેન્ક ઓફ બરોડા રૂપિયા ૨.૮૫ ઘટી રૂપિયા ૨૦૨.૩૦, ફેડરલ બેન્ક રૂપિયા એક ઘટી રૂપિયા ૧૪૫.૮૫ બંધ રહ્યો હતો. એક્સિન્બેન્ક પણ ૧૧.૦૫ રૂપિયા તૂટી રૂપિયા ૯૮૦.૩૫ બંધ રહ્યો હતો. જો કે કોટક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેન્ક તથા એચડીએફસી બેન્કમાં શેરભાવ ઊંચકાયા હતા.
આઈટી શેરોમાં વેચવાલી ચાલુ રહેતા ઈન્ફોસિસ, એચસીએલ, વિપ્રો ઘટાડે બંધ
સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામોમાં આઈટી કંપનીઓએ આગામી સમય માટે નબળા ગાયડન્સ રજુ કરાતા આઈટી શેરોમાં સતત વેચવાલી ચાલુ રહી હતી. ઈન્ફોસિસ રૂપિયા ૬.૪૦ ઘટી રૂપિયા ૧૪૨૭.૨૫, એચસીએલ ટેક રૂપિયા ૮.૭૫ ઘટી ૧૨૫૮.૬૦, વિપ્રો રૂપિયા ૩.૪૫ ઘટી રૂપિયા ૩૯૧.૮૫ બંધ રહ્યો હતો.
ડીઆઈઆઈની રૂ. ૮.૫૩ કરોડ તથા એફઆઈઆઈની રૂ. ૬૮૭૦ કરોડની ખરીદી
ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ રૂપિયા ૬૮૬૨.૧૯ કરોડના શેરનું વેચાણ કર્યું હતું જ્યારે ૬૮૭૦.૭૨કરોડની ખરીદી કરી હતી આમ ડીઆઈઆઈની રૂપિયા ૮.૫૩ કરોડની નેટ ખરીદી રહી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પણ ઘટતા બજારમાં રૂપિયા ૪૫૬.૨૧ કરોડની નેટ ખરીદી જોવા મળી હતી.