– ચીનની સરખામણીએ ભારતના ઝડપી આર્થિક વિકાસ દરને કારણે વૈશ્વિક વિકાસમાં ભારતના હિસ્સામાં વધારો થશે
– જો કે અર્થતંત્રના કદની દ્રષ્ટિએ ભારત ચીન કરતા હજુ ઘણું પાછળ
Updated: Oct 21st, 2023
મુંબઈ : આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક વિકાસમાં ભારતનો હિસ્સો વધીને ૧૮ ટકા પર આવી જવાની ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. ભારતના અર્થતંત્રના થઈ રહેલા ઝડપી વિકાસને પગલે આ ધારણાં આવી પડી છે.
જો કે અર્થતંત્રના કદની દ્રષ્ટિએ ભારત ચીન કરતા હજુ ઘણું પાછળ
વૈશ્વિક વિકાસમાં ભારતનો હિસ્સો જે હાલમાં ૧૬ ટકા છે તે ૨૦૨૮ સુધીમાં વધી ૧૮ ટકા પર આવી જશે એમ ફન્ડના એશિયા તથા પેસિફિક વિભાગના ડાયરેકટર કૃષ્ણા શ્રીનિવાસને જણાવ્યું હતું.
ચીનની સરખામણીએ ભારતના ઝડપી આર્થિક વિકાસ દરને કારણે વૈશ્વિક વિકાસમાં ભારતના હિસ્સામાં વધારો થશે. જો કે અર્થતંત્રના કદની દ્રષ્ટિએ ભારત ચીન કરતા હજુ ઘણું પાછળ છે. ૨૦૨૮ સુધીમાં ચીનનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ વધી ૨૩.૬૧ ટ્રિલિયન ડોલર પહોંચશે જ્યારે ભારતનો આ આંક ૫.૯૪ ટ્રિલિયન ડોલર રહેશે.
૨૦૨૩ તથા ૨૦૨૪માં વૈશ્વિક વિકાસમાં ભારત તથા ચીનનો સંયુકત હિસ્સો પચાસ ટકા જેટલો હશે. વર્તમાન તથા આગામી વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૩૦ ટકા રહેવા આઈએમએફ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે.
ભારતની આકર્ષક આર્થિક પ્રગતિ છતાં વૈશ્વિક આર્થિક વિકાસના એન્જિન તરીકે નજીકના ભવિષ્યમાં તે ચીનનું સ્થાન મેળવી શકશે તેવી શકયતા જણાતી નથી. પ્રાપ્ત આંકડાઓ આવું સૂચવતા નથી, એમ એચએસબીસી હોલ્ડિંગ્સના એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું.