દશેરા તહેવારના સંદર્ભમાં કેટલીક પૌરાણિક વાતો પણ સંકળાયેલી છે. તદાનુસાર જોઈએ તો રાક્ષસ રાજા મહિષાસુર અતિ બળવાન, જે લોકોને ત્રાસ આપતો હતો. આ રાક્ષસ રાજાને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું હતું કે, તેનું મોત થાય જ નહીં.
બધા લોકો ભગવાન શિવજી પાસે ગયા ને બધી વાત કરી, ત્યારે શિવજીએ પોતાના ત્રીજા નેત્રની શક્તિ વડે આદ્યશક્તિ મા જગદંબાને ઉત્પન્ન કર્યાં જેમણે સતત નવ દિવસ સુધી આ અતિ બળવાન માયાવી રાક્ષસ સામે જુદી જુદી રીતે યુદ્ધ કર્યું અને અંતે દસમા દિવસે રાક્ષસ રાજા મહિષાસુરને મારીને લોકોને તેના ત્રાસમાંથી ઉગાર્યા ત્યારે લોકોએ આનંદમાં આવીને આ ઘટનાના સંદર્ભમાં ઉત્સવ મનાવ્યો અને આ વિજયને આસુરીશક્તિ પરના દેવીશક્તિના `મહાવિજય’ તરીકે માની મહાપર્વ ઊજવ્યું જે `વિજયાદશમી’ કે `દશેરા’ તરીકે પ્રચલિત છે.
બીજા એક અર્થ મુજબ જોઇએ તો વિજયાદશમી સદ્પ્રેરણાનું પર્વ છે. માનવીની અંદર રહેલાં દશ આસુરી તત્ત્વો જેવાં ક્રોધ, કામ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, દંભ અને કુદૃષ્ટિ. આ દશ પ્રકારનાં આસુરી તત્ત્વો પર વિજય મેળવવાની એક સદ્પ્રેરણા આ પર્વ આપણને આપે છે. વિજયા દશમીનું આ પ્રેરણાપર્વ માનવ મનમાં છવાયેલી નિરાશાઓની વચ્ચે એક નવી જ આશાઓનો નવસંચાર કરે છે. અન્યાય અને અત્યાચારનું સામ્રાજ્ય ભલે ગમે તેટલું પ્રસ્થાપિત થયું હોય, છતાં પણ ન્યાય અને સદાચારનાં સાત્ત્વિક શાસ્ત્રો દ્વારા તે પરાજિત થવાનું જ છે. વિજય હંમેશાં સત્યનો જ થાય છે. માટે જ વિજયાદશમી સત્યનો વિજય અને અસત્યના અંતનું પણ પર્વ મનાય છે. આ દિવસને અતિ શુભ માનવામાં આવે છે.
આ તહેવાર અધર્મ પર ધર્મનો, અંધકાર પર પ્રકાશનો અને અહંકાર પર સારપનો વિજય છે. તે સત્ય અને ધર્મના વિજયનો ઉત્સવ છે. ગ્રામ્ય સંસ્કૃતિમાં ગામની ભાગોળે આવેલ વીર સપૂતોના પથ્થરના પાળિયાઓની આ દિવસે પૂજા કરી તેલ, સિંદૂર ચઢાવવામાં આવે છે અને એ રીતે પૂજન દ્વારા વીરતાનું સન્માન કરવામાં આવે છે. લોકો પથ્થરના આ પાળિયાઓને પૂજી આત્મબલિદાન આપનારા વીરોનું સ્મરણ કરે છે. આમ, વિજયાદશમી વીરતાના દિવસ તરીકે પણ મનાવાય છે. વીર પુરુષોથી જ સમાજમાં વીરતા પ્રગટે છે અને વીરતા દ્વારા જ સમાજ ભયમુક્ત થાય છે. વીર પુરુષ સર્વત્ર પૂજાય છે. આથી જ પહેલાંના જમાનામાં રાજાઓ પોતાના શસ્ત્રાગારમાં રાખવામાં આવેલાં શસ્ત્રોની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા કરતા હતા. પરંપરાગત અનુસાર આજે પણ ક્ષત્રિયો વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજા કરે છે. કારીગર વર્ગ પોતાની રોજીરોટી માટેનાં ઓજારોની પૂજા કરી પોતાના ઇષ્ટ દેવ પાસે કુશળતાની યાચના કરે છે.
આ મંગલમય દિવસ લોકો માટે શુભ માંગલિક કાર્યોનો શુભારંભ છે. મકાનો, દુકાનો, ઓફિસ કે વ્યાપારી સંકુલોની ઉદ્ઘાટન વિધિ-મંગલ પ્રારંભ આ દિવસે ઠેર ઠેર થતો જોવા મળે છે અને સર્વત્ર આનંદ, ઉમંગ અને ઉલ્લાસથી આ તહેવારને લોકો મનભરીને મનાવે છે. ઘેર ઘેર તોરણો બંધાય છે, મિષ્ટાન્ન પીરસાય છે. ક્યાંક વળી મંગળગીતો ગવાય છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ ઉત્સવ વિવિધ પદ્ધતિથી ઊજવાય છે. ઘણી જગ્યાએ તેની ઉજવણી દસ દસ દિવસ સુધી દિવસ-રાત ચાલે છે. ઉત્તર ભારતની વાત કરીએ તો આ દસ દિવસો દરમિયાન ત્યાં રામલીલાનો ખેલ થાય છે. જેમાં રામાયણની કેટલીક કથાઓનાં દૃશ્યો ભજવાય છે. અંતે રાવણના પૂતળાનું દહન કરી, રામનો વિજય મનાવી આ પુનિત પ્રસંગની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આ એક શક્તિનું પર્વ છે. વિવિધ સ્થળે આ સંદર્ભમાં પ્રદર્શનો પણ યોજવામાં આવે છે, જેનું આયોજન પણ આ પર્વની ઉજવણીના એક ભાગ રૂપે જ થતું જોવા મળે છે.
તો વળી ભારતભરમાં દશેરાના દિવસને રાષ્ટ્રીય તહેવાર જેટલું મહત્ત્વ અપાતું જોવા મળે છે. અંદાજે, 120થી 130 ફૂટ ઊંચા ત્રણ રાક્ષસો રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં કાગળનાં પૂતળાં બનાવી તેને સ્થાનિક જાહેર મેદાનમાં મૂકવામાં આવે છે. આ પૂતળાંઓની અંદર ફટાકડાઓ ભરેલા હોય છે. તેને સળગાવવામાં આવે છે. પૂતળાં સળગે છે અને અંદરના ફટાકડાઓ મોટા અવાજ સાથે ફૂટે છે. આ સિવાય અનેક પ્રકારની પરંપરાઓ જોવા મળે છે.
ગુજરાતમાં પણ અલગ પ્રકારે દશેરા ઊજવાય છે. ક્યાંક રાવણદહન, રામલીલા, યજ્ઞપૂજન, ફટાકડાની આતશબાજીની સાથે સાથે ગરમાગરમ ફાફડા અને રસ ઝરતી જલેબી આરોગવાની પરંપરા અનોખી છે. ભારતના કેટલાક પ્રદેશોમાં દશેરાએ કૃષિનો ઉત્સવ પણ માનવામાં આવે છે. આ સમયમાં નવું અન્ન પાકીને તૈયાર થઈ જાય છે. ખેડૂત ખુશ થઈને અન્નની હવી આપે છે. દશેરાના સમય દરમ્યાન વર્ષાઋતુ સમાપ્ત થઈ જાય છે અને ધાન્ય કોઠારોમાં રાખી શકાય તેવાં થઈ ગયાં હોવાથી ખેડૂત ઉત્સવ ઊજવે છે.
કહેવાય છે કે ભગવાન શ્રીરામે સીતાજીને મુક્તિ અપાવવા ખેલેલા યુદ્ધ પૂર્વે `શમી’ના વૃક્ષનું આ દિવસે પૂજન કરેલું. પછીથી લંકા પ્રવેશ કર્યો હતો. પાંડવો બાર વર્ષનો ગુપ્તવાસ પૂર્ણ કરી એક વર્ષનો વધુ ગુપ્તવાસ સેવવા વિરાટરાજાને ત્યાં ગયા ત્યારે તેમણે `શમી વૃક્ષ’ પરથી સંતાડેલાં શસ્ત્રો બહાર કાઢી આ દિવસે તેની પૂજા કરેલી. તેમનાં હથિયારોની `શમી’ વૃક્ષે જ રક્ષા કરેલી. આજે લોકો તેમનાં નવાં જૂનાં વાહનોને શણગારી કંકુ-અક્ષત-પુષ્પ અને પુષ્પમાળા થકી તેનું પૂજન કરી જાણે કે શક્તિ સ્વરૂપે યંત્રની પૂજા કરે છે.
`દશેરા’ એટલે વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા કરવી તે. સાથે સાથે આપણા મનમાં બેઠેલા શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, આશા, તૃષ્ણા, અહંકાર, ઇર્ષા અને મત્સર પર પણ વિજય મેળવી એ જ સાચા અર્થમાં રાવણનો સંહાર કર્યો કહેવાય અને સાચા અર્થમાં દશેરા ઊજવ્યા કહેવાય, પરંતુ આ દશ શત્રુઓ સામે સંગ્રામમાં લડવા માટે કયું આયુધ જોઇશે? તો તેને નાશ કરવા માટે ધી2જરૂપી ઢાલ અને જ્ઞાનરૂપી તલવારની જરૂર છે. ધીરજ અને સંકલ્પ વિકલ્પ જ્ઞાને કરી સંકલ્પ-વિકલ્પ રૂપી ઘાટ સંકલ્પોનો નાશ કરીને ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન કરવાનું છે અને ભગવાનનું અખંડ ચિંતવન થાય તો કોઇ દોષ આપણને પરાભવ ના કરી શકે અને ભગવાનની મૂર્તિમાં આપણી વૃત્તિ રહે અને અનહદ અપાર સુખની પ્રાપ્તિ થાય ત્યારે જ આપણો વિજય થયો કહેવાય અને વિજયાદશમી-દશેરાની ઉજવણી સાર્થક થઇ કહેવાય.
બંગાળનો અવનવો સિંદૂર ખેલા ઉત્સવ
પશ્ચિમ બંગાળની દુર્ગાપૂજા તો જગવિખ્યાત છે. અહીં એવી માન્યતા છે કે મા દુર્ગા મહિષાસુરનો વધ કરીને આસો સુદ એકમે સપરિવાર ધરતી પર આવે છે અને આસો સુદ દશમ તિથિએ માતા પૃથ્વી પરથી વિદાય લઈને પોતાના લોકમાં પરત ફરે છે. નવરાત્રિના દસ દિવસ બંગાળમાં મોટા-મોટા પંડાલોમાં માતા દુર્ગા, સરસ્વતી, લક્ષ્મી, ગણેશ અને કાર્તિકેયની સ્થાપના કરીને પૂજા, અર્ચના કરવામાં આવે છે. દશેરાના દિવસે પૂજા કર્યા પછી પુરુષો એકબીજાને ગળે મળીને દશેરાની શુભકામનાઓ આપે છે, જેને `કોલાકુલી’ કહેવામાં આવે છે. જ્યારે મહિલાઓ દુર્ગામાને સિંદૂર અર્પણ કરીને પોતાના સૌભાગ્યની સલામતીની કામના કરે છે. ત્યારબાદ મહિલાઓ એકબીજાને સિંદૂર લગાવે છે. તેને સિંદૂર ખેલ કહેવામાં આવે છે, તેથી જ બંગાળના દશેરાને સિંદૂર ખેલા દશેરા કહે છે. સિંદૂર ખેલા બાદ વાજતે ગાજતે દુર્ગામાતાનું વિસર્જન કરવામાં આવે છે.
મૈસૂરના રાજાશાહી ઠાઠ સાથે દશેરા
દક્ષિણ ભારતના મૈસૂરનો દશેરા ઉત્સવ દેશવિદેશમાં પ્રખ્યાત છે. કુલ્લુ દશેરાની જેમ જ મૈસૂરનો દશેરા પણ શ્રીરામ અને રાવણના યુદ્ધ સાથે સંબંધિત નથી. મૈસૂરનો દશેરા ચામુંડેશ્વરી દેવી જેમને ભગવતી દુર્ગાનું રૂપ માનવામાં આવે છે તેમની ભક્તિ અને આરાધના સાથે જોડાયેલો છે. અહીંના લોકોની એવી માન્યતા છે કે દેવી ચામુંડેશ્વરીએ મહિષાસુરનો વધ કર્યો, જેથી આસુરી તત્ત્વ પર દૈવીશક્તિનો વિજય થયો. આ વિજયની ઉજવણી દશેરાના દિવસે કરવામાં આવે છે. દશેરાના પર્વ પર મૈસૂરમાં ચામુંડેશ્વરી દેવી બિરાજે છે એવા ચામુંડી પહાડને શણગારવામાં આવે છે. દસ દિવસ સુધી ચાલનારા વિજયાદશમીના ઉત્સવની શરૂઆત ચામુંડેશ્વરી માતાની વિશેષ પૂજા, અર્ચનાથી થાય છે. વાડેયાર રાજવંશના શાસક કૃષ્ણરાજ વાડેયારે મૈસૂરમાં દશેરા ઉત્સવની શરૂઆત કરી હતી. મૈસૂરમાં દશેરા ઉત્સવના છેલ્લા દિવસે સજાવેલા હાથીઓ પર શોભાયાત્રા નીકળે છે, જેમનું નેતૃત્વ કરનારા વિશેષ હાથીની પીઠ પર ચામુંડેશ્વરી દેવીની પ્રતિમા રાખવામાં આવી હોય છે.
કુલ્લુમાં સાત દિવસનો અનેરો દશેરા ઉત્સવ
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દશેરા એક દિવસ નહીં, પણ આખા સાત દિવસ સુધી મનાવવામાં આવે છે. અહીંની અનોખી વાત એ છે કે કુલ્લુના દશેરાનો સંબંધ રામાયણ સાથે નથી, પરંતુ રાજા જગતસિંહ સાથે છે. એક એવી કથા પ્રચલિત છે કે રાજા જગતસિંહ એક વાર મણિકર્ણ તીર્થની યાત્રા પર નીકળ્યા હતા. માર્ગમાં તેમને જાણવા મળ્યું કે એક બ્રાહ્મણ પાસે કીમતી રત્ન છે. રાજાએ બ્રાહ્મણ પાસેથી તે રત્ન મેળવવા માટે બળનો પ્રયોગ કર્યો. રાજાના આવા વ્યવહારથી બ્રાહ્મણ દુઃખી થયો અને રાજાને શાપ આપ્યો. ત્યારબાદ પરિવાર સાથે બ્રાહ્મણે આત્મહત્યા કરી લીધી. બ્રાહ્મણના શાપથી રાજાનું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે બગડવા લાગ્યું. રાજાને શાપમુક્ત કરવા માટે એક સાધુએ તેમને રઘુનાથજીની મૂર્તિની સ્થાપના કરવાની સલાહ આપી. અયોધ્યામાંથી રઘુનાથજીની મૂર્તિ લાવીને પોતાના રાજ્યમાં સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ રાજાનું સ્વાસ્થ્ય ધીરે-ધીરે સુધરવા લાગ્યું. રાજા જગતસિંહે પોતાનું સમગ્ર રાજ્ય ભગવાન રઘુનાથને સમર્પિત કરી દીધું. તે સમયથી કુલ્લુમાં વિશેષ રીતે દશેરા ઊજવવાની પરંપરા શરૂ થઈ. ઉત્સવ દરમિયાન રઘુનાથજીની જાહેરમાં રથયાત્રા કાઢવામાં આવે છે. અહીં એવી માન્યતા છે કે દશેરા દરમિયાન એક હજાર દેવી-દેવતા ઉજવણીમાં સામેલ થાય છે.