ભારતભરમાં ભગવાન શંકરનાં કેટલાંક એવાં પ્રાચીન-અર્વાચીન મંદિરો આવેલાં છે, જે આજે પણ સારી હાલતમાં છે. તો આ પૈકીનાં કેટલાંક મંદિરોમાં આજે પણ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભારતના સુપ્રસિદ્ધ ભગવાન મહાદેવનાં મંદિરોમાં `કંદારિયા મહાદેવ મંદિર’નો પણ સમાવેશ થાય છે.
ઈ.સ. 1025-1050માં નિર્માણ પામેલું આ મંદિર પોતાની ભવ્યાતિભવ્ય વાસ્તુકલા અને સુંદરતા માટે જાણીતું છે. કંદારિયાનો અર્થ ગુફા થાય છે તેમજ તે ભગવાન શિવનું પણ એક નામ છે. આ મંદિર ભગવાન શિવજીને સમર્પિત હોવાથી તેને કંદારિયા મહાદેવ તરીકે વિશેષ ઓળખવામાં આવે છે. કંદારિયાનું આ મંદિર મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં આવેલું છે.
કંદારિયા મહાદેવનો ઈતિહાસ
કંદારિયા મહાદેવ મંદિર મધ્યકાલીન યુગનું સૌથી સંરક્ષિત મંદિર છે. આ મંદિર ખજૂરાહોના પરિસરમાં આવેલાં મંદિરોના પશ્ચિમી સમૂહના સૌથી મોટા મંદિર તરીકે ઓળખાય છે, જેનું નિર્માણ ઈ.સ. 10૨5-1050માં ચંદેલ વંશના રાજા વિદ્યાધર દ્વારા કરવામાં આવ્યું હતું. ખજૂરાહોનાં મંદિરો પૈકી આ મંદિર ખૂબ જ મોટું-ઊંચું અને દૂરથી જ સુંદર દેખાતું હોવાથી તેને `ચતુર્ભુજ’ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. નોંધનીય છે કે, કંદારિયા મહાદેવ મંદિરની ભવ્યતા અને કલાત્મકતાને લીધે તેને યુનેસ્કો વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
કંદારિયા મહાદેવની વિશેષ સંરચના
ખજૂરાહોના મંદિરમાં કંદારિયા મહાદેવના મંદિરની ઊંચાઇ 31 મીટર છે, જે અહીં આવેલાં અન્ય મંદિરો કરતાં ઊંચી છે.
આ મંદિરનું પરિસર 60 ચોરસ કિ.મી. (2.3 વર્ગ મીલ)ના ક્ષેત્ર સુધી ફેલાયેલું છે.
આ મંદિરના પરિસરમાં કંદારિયા મતંગેશ્વર અને વિશ્વનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે. આ મંદિરો પણ કલાત્મક અને આકર્ષક છે.
આ મંદિરના ગર્ભગૃહમાં જે ભગવાન મહાદેવનું શિવલિંગ છે તે આરસપહાણમાંથી બનાવવામાં આવ્યું છે.
કંદારિયા મંદિરનું નિર્માણ 13 ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું છે, તેથી તે મંદિર વધુ આકર્ષક અને વિશાળ લાગે છે.
આ મંદિરના નિર્માણમાં રાજપૂતોના વશંનો મુખ્ય ફાળો રહેલો છે.
કંદારિયા મંદિરમાં ઊજવવામાંઆવતા ઉત્સવો
નવા વર્ષની શરૂઆતના બીજા મહિનામાં એટલે કે ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના પહેલા, બીજા સપ્તાહમાં અહીં એક ઉત્સવ ઊજવવામાં આવે છે. જેમાં સમગ્ર ભારતમાંથી સર્વશ્રેષ્ઠ શાસ્ત્રીય નર્તક ખજૂરાહો સમૂહનાં મંદિરોના ઓપન એર કોરિડોરમાં પોતાની પ્રસ્તુતિ પ્રસ્તુત કરે છે. આ શાસ્ત્રીય નૃત્યમાં કથક, ભરતનાટ્યમ, કુચીપુડી, ઓડિસી, મણિપુરી જેવાં લોકપ્રિય નૃત્યોનો સમાવેશ થાય છે. આ ફેસ્ટિવલને બાદ કરતાં અહીં શિવરાત્રિ પણ ધામધૂમથી અને ઉત્સાહભેર ઊજવવામાં આવે છે. ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આ મંદિરમાં શિવજીનાં દર્શન કરવા માટે આવે છે. આ સિવાય પણ અહીં મોટાભાગના ધાર્મિક તહેવારો જેવા કે હોળી, દશેરા અને દિવાળી ઊજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે.
કંદારિયા મંદિરની આસપાસનાં મંદિરો
લક્ષ્મી અને વરાહ મંદિર
આ બંને મંદિરો પ્રમાણમાં નાનાં છે, પરંતુ ખૂબ જ આકર્ષક અને મોહક છે. આ બંને મંદિરો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. શ્રદ્ધાળુઓ કંદારિયા મહાદેવની પૂજા-અર્ચના કર્યા બાદ આ બંને નાનાં મંદિરોમાં પણ પૂજા-અર્ચના કરે છે અને ભગવાનના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે.
લક્ષ્મણ મંદિર
આ મંદિર પણ ખૂબ જ પ્રસિદ્ધ છે, જેને ખાસ પ્રકારના પથ્થરો વડે બનાવવામાં આવ્યું છે. આ પથ્થરો ખૂબ જ જૂના છે. ખજૂરાહોનાં તમામ મંદિરો પૈકી આ મંદિર સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર પણ કહેવાય છે.
ચોસઠ યોગિની મંદિર અને જવારી મંદિર
મધ્ય પ્રદેશ રાજ્યનાં મંદિરોના સમૂહના દક્ષિણી-પશ્વિમી ભાગમાં આવેલું ચોસઠ યોગિની મંદિર કુલ 64 યોગિનીઓને સમર્પિત છે, જે દેવીની અભિવ્યક્તિ છે. તેમજ જવારી મંદિર પણ ખૂબ જ કલાત્મક અને ધ્યાન ખેંચનારું છે. આ મંદિરની ડિઝાઈન ખૂબ જ જટિલ હોવાથી સૌથી વધુ ધ્યાન ખેંચે છે. આ મંદિર પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરની બીજી ખાસિયતો એ છે કે, તેમાં કોતરવામાં આવેલી મૂર્તિઓનું નકશીકામ ઊડીને આંખે વળગે તેવું છે. અલબત્ત, મૂર્તિઓના વળાંક અને તેની બારીકાઈ કોઇ પણ વ્યક્તિને વારંવાર જોવા માટે આકર્ષિત કરે છે.
વિશ્વનાથ – નંદિ મંદિર
એક રીતે આ મંદિરને કંદારિયા મહાદેવના મંદિર સાથે સાંકળવામાં આવે છે. આ મંદિર પણ ભગવાન શિવને સર્મપિત છે. આ મંદિર ઊંચાઇમાં નાનું છે તેમ છતાં આકર્ષનારું છે.
કંદારિયા મહાદેવ ખૂલવાનો અને બંધ થવાનો સમય
આમ તો આ મંદિર બારેમાસ ખુલ્લું જ રહે છે, પરંતુ મંદિરમાં દર્શનાર્થી માટેનો સમય નિર્ધારિત રાખવામાં આવ્યો છે. કંદારિયા મંદિર સવારે પાંચ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને સાંજે ચાર વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
કંદારિયા મહાદેવનાં દર્શન માટેનો યોગ્ય સમય
ભગવાન મહાદેવનાં દર્શન માટેનો યોગ્ય સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી માસ સુધીનો ગણવામાં આવે છે. જોકે, તમારે જો અહીં દર્શનાર્થે આવવું હોય તો કોઇ પણ સમયે આવી શકો છો. અહીં તમે ઠંડીની ઋતુમાં આવી શકો છો, જેથી કંદારિયા મંદિર અને આસપાસનાં મંદિરો જોવામાં અનુકૂળતા રહે છે. જ્યારે ઉનાળામાં અહીં સખત ગરમી પડતી હોવાથી અગવડતા પડતી હોય છે.
કેવી રીતે પહોંચશો?
ખજૂરાહો મંદિર સડક માર્ગ અને વિમાન માર્ગ દ્વારા મુખ્ય શહેરોથી જોડાયેલું છે. જો તમે વિમાન માર્ગે અહીં આવવા માંગતા હોવ તો નજીકનું એરપોર્ટ ખજૂરાહો એરપોર્ટ છે. એરપોર્ટ ઊતર્યા બાદ અહીંથી તમને સરકારી પરિવહનનાં વાહનો કે અન્ય પ્રાઇવેટ વાહનો સરળતાથી મળી રહે છે. જો તમે ટ્રેન મારફતે અહીં આવવા માંગતા હોવ તો નજીકનું ખજૂરાહો રેલવે સ્ટેશન મુખ્ય શહેરથી પાંચ કિ.મી.ના જ અંતરે છે. જો તમે સડક માર્ગે અહીં આવવા માંગતા હોવ તો ખજૂરાહો માટેની ઘણી સરકારી પરિવહનની બસો અને અન્ય ખાનગી બસ, ટેક્સી પણ અહીં ઉપલબ્ધ છે. ખજૂરાહો આવવા મધ્ય પ્રદેશની આસપાસનાં રાજ્યોની ઘણી સરકારી બસો અને પ્રાઇવેટ વાહનો અહીંનાં પ્રમુખ શહેરો સાથે જોડાયેલાં છે.