રાજાનો દરબાર ભરાયો હતો. શિયાળાના દિવસોમાં ખૂબ ઠંડી હોવાથી દરબાર ખુલ્લી જગ્યામાં તડકામાં ભરાયો હતો, જેથી લોકોને હૂંફ મળી રહે. મહારાજના સિંહાસનની પાસે પંડિતો, દીવાનો અને બીજા મંત્રીગણ દરબારમાં બેઠા હતા.
રાજાના પરિવારના સદસ્યો પણ હાજર હતા. તે જ વખતે એક માણસ આવ્યો અને દરબારમાં પ્રવેશ માગ્યો. પ્રવેશ મળી ગયા પછી તેણે કહ્યું કે મારી પાસે બે વસ્તુઓ છે. જેને લઈને હું દરેક રાજ્યમાં જાઉં છું અને મારી વાત રજૂ કરું છું. કોઈ મારી વસ્તુને પારખી શકતું નથી, બધા જ હારી જાય છે અને હું વિજેતા બનીને ફરી રહ્યો છું. હવે તમારા નગરમાં આવ્યો છું.
રાજાએ તેને બોલાવ્યો અને કહ્યું, `શું વાત છે અને તારી પાસે કેવી વસ્તુ છે?’ તેણે રાજા સમક્ષ બે વસ્તુઓ મૂકી દીધી. બંનેનો આકાર, રૂપ, રંગ, પ્રકાશ બધું જ એકસરખું હતું.આ જોઈ રાજાએ કહ્યું, `ભાઈ, આ બંને વસ્તુઓ તો એક જ છે.’ ત્યારે પેલા માણસે કહ્યું કે, `હા, બંને લાગે છે તો એક, પરંતુ બંને અલગ અલગ છે. આમાંથી એક ખૂબ જ કીમતી હીરો છે અને એક નગણ્ય કાચનો ટુકડો, પરંતુ બંનેનાં રૂપ સરખાં છે.’
આજ સુધી કોઈ પારખી શક્યું નથી કે આમાંથી કયો હીરો છે અને કયો કાચ? તમે પારખી બતાવો કે કયો કાચ છે અને કયો હીરો છે. જો પરખ સાચી પડે તો હું હારી જઈશ અને આ કીમતી હીરો હું તમારા રાજ્યની તિજોરીમાં જમા કરાવી દઈશ. જો કોઈ પારખી ન શકે તો આ હીરાની જેટલી કિંમત છે તેટલી ધનરાશિ તમારે મને આપવી પડશે. આ પ્રમાણેની શરતે હું ઘણાં રાજ્યોને જીતી ચૂક્યો છું.
રાજાએ કહ્યું, `ભાઈ, હું તો નહીં પારખી શકું.’ દીવાનો અને મંત્રીઓએ પણ મગજ દોડાવ્યું અને કહ્યું, અમે પણ જણાવી શકીએ તેમ નથી, કારણ કે બંને ચીજ એકસમાન છે. કોઈ જ હિંમત ન કરી શક્યા. અહીં હારવાનો કોઈ પ્રશ્ન ન હતો, કારણ કે રાજા પાસે ખૂબ ધન હતું. જોકે, હારવાથી રાજની પ્રતિષ્ઠા ઘવાય તેમ હતી. તેની બાધને ચિંતા હતી. કોઈ ઓળખી ન શક્યું અને પાછળ ભીડમાં થોડીક હલચલ થઈ.
એક આંધળો વ્યક્તિ લાકડીના ટેકે ટેકે વચ્ચે આવ્યો. તેણે કહ્યું, `મને મહારાજ પાસે લઈ જાઓ. મેં બધી જ વાત સાંભળી છે અને આ વસ્તુઓને પારખવાની મને તક આપો.’
તે રાજા પાસે પહોંચ્યો અને પ્રાર્થના કરી કે હું જન્મથી અંધ છું છતાં પણ મને એક તક મળવી જોઈએ, જેથી હું મારી બુદ્ધિને એકવાર પારખી શકું. શક્ય છે કે હું સફળ થઈ જાઉં અને આમ પણ તમે હાર્યા જ છો.
રાજાને લાગ્યું કે આ વ્યક્તિને એક તક આપવી જોઈએ. એ આંધળી વ્યક્તિના હાથમાં બને વસ્તુ મૂકવામાં આવી. આ માણસે થોડીક જ વારમાં કહી દીધું કે કયો હીરો છે અને કયો કાચ છે. જે માણસે શરત મૂકી હતી અને આટલાં રાજ્યો જીતીને આવ્યો હતો તે નતમસ્તક થઈ ગયો.
આપ સાચા છો. મારા વચન અનુસાર આ હીરો હું તમારા રાજ્યની તિજોરીમાં જમા કરાવી દઈશ. રાજા સહિત બધા જ પ્રસન્ન થયા અને જે માણસ હીરો લઈને આવ્યો હતો તે પણ ખૂબ જ ખુશ થયો, કારણ કે ભલે તે હાર્યો, પરંતુ આખરે હીરો પારખનાર કોઈ તો મળ્યો!
આ ઘટના પછી રાજા તથા અન્ય લોકો તે આંધળી વ્યક્તિ સામે એક જ જિજ્ઞાસાથી જોઈ રહ્યા અને તેમને જાણવું હતું કે અંધ વ્યક્તિએ હીરા અને કાચને કેવી રીતે ઓળખી બતાવ્યો. અંધ વ્યક્તિએ કહ્યું સામાન્ય વાત છે. આપણે બધા તડકામાં બેઠા છીએ. મેં બંનેનો સ્પર્શ કર્યો. જે ઠંડો રહ્યો તે હીરો હતો અને જે ગરમ થઈ ગયો તે કાચ, કારણ કે કાચ તડકામાં જલદી ગરમ થઈ જાય છે. અંધ વ્યક્તિની કોઠાસૂઝ જોઈને બેઠેલા બધા દંગ રહી ગયા, કારણ કે અંધ વ્યક્તિની વાતમાં દમ હતો. રાજાએ તેને માન-સન્માન આપ્યું અને પોતાની રાજ્યની આબરૂ બચાવવા બદલ આભાર પણ માન્યો.
આ કથા દ્વારા કહેવાનું તાત્પર્ય છે એ છે કોઈ પણ વસ્તુની સત્યતાને પારખવા માટે માત્ર બે આંખો પૂરતી નથી, પરંતુ મનની આંખ પણ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિના ગુણ-અવગુણ પારખવા માટે પણ તે જરૂરી છે. એક સમયે આંખો થાપ ખાઈ શકે, પરંતુ મન ક્યારેય થાપ ખાતું નથી. એટલે જ તો સભામાં હાજર આંખે દેખતા લોકો હીરાને જોવા છતાં ન પારખી શક્યા, જ્યારે એક અંધ વ્યક્તિએ હીરાને પોતાના મનની આંખો વડે ઓળખી લીધો. જો જીવનને સાર્થક કરવું હોય તો પ્રભુનું સાચું શરણું શોધીને ભક્તિમાં લાગી જાઓ.