ભારત અને ચીન વચ્ચે સિનિયર લેવલે ટૂંક સમયમાં જ વાતચીત ફરી શરૂ થઈ શકે છે. મંગળવારે સરકારી સૂત્રોએ જણાવ્યું કે, “ભારત અને ચીન વચ્ચે સિનિયર પ્રતિનિધિઓના સ્તરે વાતચીત થશે. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ભારતના વરિષ્ઠ પ્રતિનિધિ હશે અને તેઓ તેમના ચીની સમકક્ષ સાથે મુલાકાત કરીને ભારત-ચીન વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા માટેના વધુ નિર્ણય લેશે.
ક્યારે થશે સિનિયર પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત?
જેમાં વેપાર અને પર્યાવરણ ભાગીદારી અને સુરક્ષા સહયોગ જેવા અગત્યાના મુદ્દાઓ સામેલ હશે. જો કે ભારત અને ચીનના સિનિયર પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત ક્યારે થશે? તેની અત્યાર સુધી કોઈ સત્તાવાર તારીખ કે શેડ્યુલ સામે આવ્યું નથી. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં આવું બની શકે છે. આ બેઠક એવા સમયે થશે, જ્યારે થોડા સમય પહેલા બંને દેશો વચ્ચે પૂર્વી લદ્દાખમાંથી સૈનિકો હટાવવા માટે કરાર થયો હતો.
શુક્રવારે ડેમચોકમાં પેટ્રોલિંગ શરૂ થયું હતું
ગઈકાલે જ ચીને કહ્યું હતું કે ભારત સાથેના કરારનો અમલ “હાલમાં સારી રીતે” થઈ રહ્યો છે, પરંતુ તેણે ડેપસાંગ અને ડેમચોકનામાં ફરીથી પેટ્રોલિંગ શરૂ કરવા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અગાઉ શનિવારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખના બીજા સંઘર્ષ બિંદુ ડેપસાંગમાં વેરિફિકેશન પેટ્રોલિંગ શરૂ કર્યું છે. પૂર્વી લદ્દાખમાં 2 સંઘર્ષ બિંદુઓ પરથી ભારતીય અને ચીની સૈનિકો પીછેહઠ કર્યાના એક દિવસ બાદ શુક્રવારે ડેમચોકમાં પેટ્રોલિંગ શરૂ થયું હતું.
અનેક મુદ્દાઓનું સમાધાન થવાની આશા
તમને જણાવી દઈએ કે ઘણા અઠવાડિયાની વાતચીત પછી 21 ઓક્ટોબર, 2024ના રોજ ભારત અને ચીન વચ્ચે એક કરાર થયો હતો, જેનાથી વર્ષ 2020માં ઉભા થયેલા મુદ્દાઓનું સમાધાન થવાની અપેક્ષા છે. આ કરાર હેઠળ પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ અને સૈનિકોને છૂટા કરવા માટે સંમત થયા હતા, જેને 4 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા ઘર્ણણને પૂર્ણ કરવામાં મોટી સફળતા માનવામાં આવી હતી. જૂન 2020માં ગલવાન ખીણમાં ભીષણ અથડામણ પછી બંને એશિયાઈ શક્તિઓ વચ્ચેના સંબંધો વણસ્યા હતા.