– ક્રુડતેલમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી નીચા ઉતર્યા : અમદાવાદ સોનામાં વધ્યા ભાવથી ધીમો ઘટાડો
– કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ વધ્યા
Updated: Oct 22nd, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વબજારના સમાચાર વધ્યા મથાળે બેતરફી વધઘટ બતાવતા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૧૯૭૮થી ૧૯૭૯ વાળા ઉછળી ઉંચામાં એક તબક્કે ૨૦૦૦ ડોલરની નજીક પહોંચી ૧૯૯૭થી ૧૯૯૮ ડોલર થયા પછી ભાવ ફરી ગબડી સપ્તાહના અંતે છેલ્લે ૧૯૮૧થી ૧૯૮૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૨૩.૧૫થી ૨૩.૧૬ વાળા ઉંચામાં ૨૩.૬૯થી ૨૩.૭૦ થઈ છેલ્લે ભાવ ૨૩.૩૭થી ૨૩.૩૮ ડોલર બોલાઈ રહ્યા હતા.
વિશ્વબજાર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતા દેશના ઝવેરીબજારોમાં તહેવારો ટાંણે ભાવ ઉછળતાં જોવા મળ્યા હતા.
અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જોકે વધ્યા પછી રૂ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૬૨૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૨૭૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦ ઉછળી રૂ.૭૪૦૦૦ કુદાવી ભાવ રૂ.૭૪૫૦૦ બોલાતા થયા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૧૨ વાળા વધી રૂ.૮૩.૧૯થી રૂ.૮૩.૨૦ બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૮૯૮થી ૮૯૯ વાળા ૯૦૮ થઈ છેલ્લે ભાવ ૮૯૯થી ૯૦૦ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઔંશદીઠ ૧૧૦૪થી ૧૧૦૫ વાળા ઉંચામાં ૧૧૨૧ તથા નીચામાં ભાવ ૧૧૦૦ થઈ છેલ્લે ભાવ ૧૧૦૧થી ૧૧૦૨ ડોલર રહ્યા હતા.
વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી નીચા ઉતર્યા હતા. બ્રેન્ટક્રુડના ભાવ બેરલના ૯૩.૩૧ વાળા નીચામાં ૯૧.૬૬ થઈ છેલ્લે ભાવ ૯૨.૧૬ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રુડના ભાવ ૯૦.૩૦ વાળા નીચામાં ૮૭.૫૩ થઈ છેલ્લે ભાવ ૮૮.૦૮ ડોલર રહ્યા હતા.
વિશ્વબજારમાં વેનેન્ઝુએલા ક્રુડતેલની સપ્લાય વધવાની શક્યતા તથા નવી માગના અભાવે ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૦૪૫૦ વાળા રૂ.૬૦૫૨૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૬૦૬૯૩ વાળા રૂ.૬૦૮૪૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૧૯૯૧ વાળા રૂ.૭૨૪૫૦ રહ્યા હતા.