બેંકિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મંગળવારે એટલે કે આજે એક મોટો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ બેંકે વિજયવાડા સ્થિત બેંકનું લાઈસન્સ રદ કર્યું છે. આ બેંકમાં મૂડી સંબંધિત સમસ્યાઓની ઓળખ કરવામાં આવી હતી, ત્યારબાદ એવી શક્યતા જોવામાં આવી હતી કે બેંક તેના ગ્રાહકોને પૈસા ચૂકવી શકશે નહીં, તેથી તેનું લાઈસન્સ રદ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આજથી બેંકનો બિઝનેસ બંધ રાખવાની સૂચના
સેન્ટ્રલ બેંક આરબીઆઈએ દુર્ગા કો-ઓપરેટિવ અર્બન બેંકનું લાઈસન્સ રદ કરી દીધુ છે. બેંક પાસે પર્યાપ્ત મૂડીનો અભાવ હતો અને ભવિષ્યમાં કમાણીની સંભાવના પણ ઓછી હોવાના લીધે બેંકનું લાઈસન્સ રદ કરવાનો નિર્ણય RBI દ્વારા લેવામાં આવ્યો છે. 12 નવેમ્બર, 2024થી બેંકને બિઝનેસ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.
કેટલા ગ્રાહકોને થશે નુકસાન?
આરબીઆઈના આદેશ મુજબ બેંકનું લાઈસન્સ રદ થવાથી તેના લગભગ 4 ટકા ગ્રાહકોને નુકસાન થઈ શકે છે. જોકે, સારા સમાચાર એ છે કે આ નિર્ણયથી 95.8 ટકા ગ્રાહકોને આ નિર્ણયની કોઈ અસર થશે નહીં. તેઓ તેમના પૈસા બેંકમાં સંપૂર્ણ જમા કરાવશે. તેમની ડિપોઝિટ પરત કરવાનું કામ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) દ્વારા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે દેશના લોકોને બેંકોમાં તેમની કુલ 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર વીમા સુરક્ષા મળે છે.
RBIએ પોતાના આદેશમાં આંધ્ર પ્રદેશના સહકારી કમિશ્નર અને સહકારી મંડળીના રજિસ્ટ્રારને બેંક બંધ કરવા વિનંતી કરી છે. એટલું જ નહીં, આ સંસ્થાઓને બેંક બંધ કરવા માટે લિક્વિડેશન ઓફિસરની નિમણૂક કરવાનું પણ કહી દેવામાં આવ્યું છે.
બેંક બંધ થવાની હતી સંભાવના
ઉલ્લેખનીય છે કે આ બેંક બંધ થવાની સંભાવના પહેલાથી જ વ્યકત કરવામાં આવી હતી. તેથી, DICGCએ 31 ઓગસ્ટ, 2024 સુધીમાં કુલ વીમાકૃત થાપણોમાંથી રૂપિયા 9.84 કરોડ ચૂકવ્યા હતા. દુર્ગા કોઓપરેટિવ અર્બન બેંકનું લાઈસન્સ રદ કરવા અંગે આરબીઆઈએ કહ્યું કે બેંક બેંકિંગ રેગ્યુલેશન એક્ટ-1949ના નિયમોનું પાલન કરી શકતી નથી. આથી તેણે પોતાની સત્તાનો ઉપયોગ કરીને બેંકનું લાયસન્સ રદ કર્યું છે.