એકવાર એક યુવક સ્વામી રામાનંદજીનું પ્રવચન સાંભળવા માટે જાય છે. પ્રવચન દરમિયાન તે યુવકે સ્વામીજીને પૂછ્યું કે, `પાપનું પ્રાયશ્ચિત્ત કેવી રીતે થઈ શકે છે અને પ્રાયશ્ચિત્ત કરવાથી જીવન કેવી રીતે સફળ બની શકે છે?’
સ્વામીજીએ કહ્યું, `મન, કર્મ, વચનથી પાપ ન કરવાનો સંકલ્પ લો. ભૂતકાળમાં જે પાપ થઈ ગયાં છે તેનું પ્રાયશ્ચિત્ત કરો. તેનાથી મનની શુદ્ધિ થાય છે. ‘ આ સાંભળી યુવકે કહ્યું, `મહારાજ, પ્રાયશ્ચિત્ત કરવાથી શું પાપોમાંથી છુટકારો મેળવી શકાય અને જો હા તો શા માટે?’ સ્વામી રામાનંદ તેને પોતાની સાથે એક નદીની પાસે લઈ ગયા.
નદીકિનારાના એક ખાડામાં ભરાયેલું પાણી દૂષિત થઈ ગયું હતું, જેથી તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી અને તેમાં કીડા પણ તરી રહ્યા હતા. સ્વામીજીએ યુવકને દૂષિત પાણી બતાવીને કહ્યું, `ભાઈ, આ પાણી જોઈ રહ્યા છો, તે શા માટે આટલું દૂષિત થઈ ગયું છે?’ યુવક થોડો સમય પાણી સામે જોઈ રહ્યો અને પછી કહ્યું, `મહારાજ, પ્રવાહ રોકાવાને કારણે પાણી એક જ જગ્યાએ એકઠું થઈને દૂષિત થઈ ગયું છે.’ આ સાંભળી સ્વામીજીએ કહ્યું, `આ દૂષિત થયેલા પાણીની જેમ પાપ એકઠાં થઈ જાય તો તે વ્યક્તિનું અનિષ્ટ કરવા લાગે છે. જે રીતે વરસાદનું પાણી આ દૂષિત થયેલા પાણીને આગળ ધકેલીને નદીને પવિત્ર બનાવી દે છે, તે જ રીતે પ્રાયશ્ચિત્તરૂપી અમૃત એકઠાં થયેલાં પાપોને નષ્ટ કરીને મનને પવિત્ર બનાવી દે છે. જેનાથી મન શુભ તથા સદ્કાર્યો માટે તૈયાર થઈ જાય છે અને વ્યક્તિ એવો પ્રયત્ન કરે છે કે હવેથી નેક કાર્ય જ કરશે, જેથી તે પાપનો ભાગી ન બને.’ સ્વામીજીની વાત સાંભળીને યુવક મન, કર્મ અને વચનથી પાપ ન કરવાનો સંકલ્પ લઈ, સ્વામીજીને પ્રણામ કરીને ત્યાંથી જતો રહ્યો.