દરેક મનુષ્યનાં શારીરિક લક્ષણો તથા અંગોના પ્રકાર દ્વારા પણ ભવિષ્ય જાણી શકાય છે. સ્ત્રીઓનાં અંગ લણક્ષો પરથી જાણીએ કે તે સુખી થશે કે દુ:ખી.
પાદતલ લક્ષણ
જે સ્ત્રીના પાદતલ એટલે કે પગનાં તળિયાં ચીકણાં, મુલાયમ, પુષ્ટ, લાલ, પરસેવા રહિત હોય તે સ્ત્રી જીવનમાં સૌથી વધારે સુખ ભોગવે છે અને માન-સન્માન તથા ધનની કમી તેના જીવનમાં ક્યારેય નથી હોતી.
જે સ્ત્રીના પગનાં તળિયાંમાં શંખ, ચક્ર, કમળ વગેરે ચિહ્ન હોય તે સ્ત્રી ખાસ કરીને કોઈ મોટા નેતા, વેપારી કે ઉચ્ચ અધિકારીની પત્ની હોવાનું ગૌરવ મેળવે છે. તે રાજકારણમાં પણ નામના મેળવે છે. જેની એડીમાં ત્રિકોણનું ચિહ્ન હોય તે ચતુર અને બીજાને બહુ જલદી સમજી જનારી હોય છે. જો એડીમાં સર્પાકાર રેખા હોય તો તેને મુશ્કેલીઓના સમયે અદૃશ્ય શક્તિની મદદ મળી રહે છે.
પગનો અંગૂઠો
ઊંચો, માંસલ તથા ગોળ લાલિમાવાળો અંગૂઠો સ્ત્રીઓ માટે ખૂબ જ સુખાકારી આપનારો હોય છે. જે સ્ત્રીના પગનો અંગૂઠો વધારે લાંબો હોય તેમને જીવનમાં વધારે કષ્ટો તથા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ભુજાઓ
સ્ત્રીની ભુજાઓ માંસલ, નસો તથા રોમ રહિત સીધી હોય તો તે શુભ હોય છે. મોટી ભુજાઓ રોમયુક્ત હોય તેમને હંમેશાં કષ્ટોનો સામનો કરવો પડે છે અને પારિવારિક જીવન અશાંત રહે છે. જેની ભુજાઓમાં નસોનો ઉભાર વધારે હોય તેમને લ્યૂકોરિયા એટલે કે સફેદ પાણીની ફરિયાદ વધારે રહે છે.
ઘૂંટી કે ઘૂંટણ
જે સ્ત્રીની ઘૂંટી ગોળાકાર હોય તે ભાગ્યશાળી હોય છે. માંસ રહિત, સુકાયેલા ઘૂંટણવાળી સ્ત્રીઓને મુશ્કેલીઓ હંમેશાં ઘેરતી રહે છે.
જાંઘ
જે સ્ત્રીની જાંઘ રોમ રહિત (વાળ ન હોય), ગોળ, ચીકણી, નસવિહીન હોય તે જીવનમાં વધારે સુખ ભોગવે છે. સુકાયેલી જાંઘોવાળી સ્ત્રીઓ અનેક બીમારીઓ તથા મુશ્કેલીઓનો સામનો કરે છે.
નાભિ
સ્ત્રીની નાભિ ઊંડી અને અંદરથી ઊઠેલી ન હોય તો તે અનેક પ્રકારનાં સુખ ભોગવે છે.
કાખ
જે સ્ત્રીની કાખ એટલે કે બગલ રુવાંટીવાળી, ઊંચી, ચીકણી, માંસલ હોય તેને શુભ માનવામાં આવે છે. તેનાથી ઊલટું નસોવાળી તથા ખરબચડી કાખ ઉત્તમ માનવામાં આવતી નથી.
જીભ
સ્ત્રી જાતકની જીભ લાલ તથા કોમળ હોય તે વધારે સુખ ભોગવે છે. જીભ સંપૂર્ણપણે સફેદ રંગની લાગતી હોય તેવી સ્ત્રીઓએ હંમેશાં સાવધાન રહેવું જોઈએ. મોટી અને પહોળી જીભવાળી સ્ત્રીઓ પ્રમાણમાં વધારે આળસુ હોય છે.
નેત્ર
જે સ્ત્રીનાં નેત્ર (આંખો) હરણ જેવાં હોય અને ગાયના દૂધ સમાન સફેદ અને અંતમાં લાલાશ પડતાં હોય તે ખૂબ જ શુભ હોય છે. જેનાં નેત્ર મોટાં તથા સુંદર આકારનાં હોય તેઓ વધારે સહનશીલ હોય છે. જેનાં નેત્ર જળથી ભરેલાં હોય તે માનસિક, શારીરિક મુશ્કેલીઓ અને ધનનો અભાવ અનુભવે છે.
શરીર પરના તલનું ફળ
ભ્રમરોની વચ્ચે અથવા લલાટમાં તલનું હોવું શુભ માનવામાં આવે છે.
હૃદય પર તલ સૌભાગ્યદાયક હોય છે.
ડાબા ગાલ પર લાલ મસો હોય તેમને હંમેશાં મીઠા પદાર્થોનું સેવન કરવાની ઈચ્છા થતી રહે છે.
સ્ત્રીની નાભિની નીચે તલ કે મસો હોય તો તેને શુભ માનવામાં આવે છે.
જે સ્ત્રીના ગાલ, હોઠ, કાન, નાક અથવા ગળા પર મસો હોય તે હંમેશાં ભૌતિક સુખ ભોગવે છે.
જે સ્ત્રીના નાકના અગ્ર ભાગમાં લાલ મસાનું ચિહ્ન કે તલ હોય તે ખૂબ જ પ્રભાવશાળી તથા ધનવાન બને છે.
ઘૂંટી પર મસો કે તલ હોય તે સ્ત્રીને હંમેશાં ધનનો અભાવ રહે છે.