પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 4 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાની ડુબકી લગાવી દીધી છે. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 29 જાન્યુઆરીએ મૌની અમાસના અવસર પર 8થી 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવવા આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થામાં વધુ સુધારો કરવાના નિર્દેશો આપ્યા છે.
મૌની અમાસના અવસર પર 8-10 કરોડ લોકો આવવાની અપેક્ષા: CM યોગી આદિત્યનાથ
બુધવારે સરકારી સ્તરના વરિષ્ઠ અધિકારીઓ સાથે છેલ્લા 3 દિવસની પરિસ્થિતિની સમીક્ષા કરતી વખતે તેમણે કહ્યું કે પોષ પૂર્ણિમા અને મકરસંક્રાંતિના બે મુખ્ય સ્નાન તહેવારો પર 6 કરોડથી વધુ લોકોએ ત્રિવેણી સ્નાનનો પવિત્ર લાભ મેળવ્યો છે. તેમણે કહ્યું કે 29 જાન્યુઆરીએ મૌની અમાસના અવસર પર 8-10 કરોડ લોકો આવવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં, વ્યવસ્થામાં વધુ સુધારો કરવાની જરૂર છે. તેમણે નિર્દેશ આપ્યો કે રેલવે સાથે વાતચીત કરીને મહાકુંભ વિશેષ ટ્રેનોની સમયસર અવરજવર સુનિશ્ચિત કરવામાં આવે. નિયમિત અને ખાસ ટ્રેનો સતત ચલાવવામાં આવે. ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, તેમની વિવિધ પ્રકારની સુવિધાઓની સંખ્યા વધારવી જોઈએ.
અનેક અધિકારીઓ બેઠકમાં રહ્યા હાજર
મુખ્યમંત્રીએ મેળા વિસ્તારમાં મોબાઈલ નેટવર્કને વધુ સુધારવાની જરૂરિયાત તરફ પણ ધ્યાન દોર્યું અને બસો, શટલ બસો અને ઈલેક્ટ્રિક બસોના સતત સંચાલન પર પણ ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે શૌચાલયોની નિયમિત સફાઈ થવી જોઈએ, ઘાટો પર બેરિકેડ લગાવવા જોઈએ અને તમામ ક્ષેત્રોમાં 24×7 વીજળી અને પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. આ બેઠકમાં મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, ગૃહ અને માહિતી અગ્ર સચિવ, શહેરી વિકાસ અગ્ર સચિવ, પાવર કોર્પોરેશનના અધ્યક્ષ અને માહિતી નિયામક સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા.