એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણનો આત્મા સુવર્ણનો હતો. તપ અને સાધનાથી તેમણે અપાર શક્તિ પ્રાપ્ત કરી હતી. જેનો ઉપયોગ તેમણે માનવનાં કલ્યાણ અર્થે કર્યો, પરંતુ કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ એ છે કે તેમણે પોતાના જીવનની એક એક પળ માનવજીવનને સમર્પિત કરી તથા તેમના માટે ઉદાહરણ પૂરું પાડનારી પ્રેરણાશક્તિ બનાવી.
તેમના જીવનના બધા જ પ્રસંગો પ્રેરણાનું નિરંતર વહેતું ઝરણું છે. આ ઝરણામાંથી લીધેલ એક બિંદુ સ્વરૂપ એક પ્રેરણાપ્રસંગ છે તે છે `દુર્વાસામુનિનું જમણ.’
એકવાર દુર્વાસામુનિ છ માસના ઉપવાસ કરતા ફરતાં ફરતાં યમુના નદીને કિનારે આવ્યા. તેમને જમાડી ઉપવાસ છોડવાનું શ્રેય શ્રીકૃષ્ણ ભગવાનને સાંપડ્યું હતું. એકવાર તેમની ગહન વિચારમાં ડૂબેલી મુખમુદ્રાને જોઈને રુકિમણીએ ચિંતાનું કારણ પૂછ્યું. શ્રીકૃષ્ણએ યમુનાકિનારે આવેલ દુર્વાસામુનિને જમાડવાની ઈચ્છા વ્યક્તિ કરી. રુકિમણી થોડી જ વારમાં ભોજનની વ્યવસ્થા કરીને પાછા ફર્યા. ભોજનનો થાળ જોયા પછી ભગવાન તો વિચારમગ્ન જ હતા.
રુકિમણી બોલ્યા, `ભગવાન બત્રીસ પ્રકારનાં ભોજન તૈયાર છે.’ પણ ભગવાનને ભોજન બનાવવાની નહીં, પણ ભોજન યમુના નદીને પેલે પાર લઈ જવાની ચિંતા હતી, કારણ કે યમુનામાં તો યૌવનનાં ઉછાળા કરી રહ્યાં હતાં. ત્યારે સુવર્ણનો આત્મા ધરાવતા શ્રીકૃષ્ણને રુકિમણીએ ઉપાય સૂઝવ્યો. આ ઉપાય મુજબ શ્રીકૃષ્ણ ભગવાને યમુના નદીને કિનારે જઈને કહ્યું કે, `હે યમુના મા! જો શ્રીકૃષ્ણ તન, મન અને વચનથી બ્રહ્મચારી હોય તો પેલે પાર જવાનો રસ્તો આપો.’ પૂરયૌવનમાં વહેતા યમુનાજીએ શાંત થઈને રસ્તો આપ્યો અને દુર્વાસામુનિ પાસે ગયા. તેમની સેવા કરી ચરણામૃત લઈને જમાડ્યા.છ માસના ઉપવાસી એવા દુર્વાસામુનિ પેટ ભરીને જમ્યા, પણ તેમણે જોયું કે આ શું? શ્રીકૃષ્ણના ચહેરા પર બ્રાહ્મણને જમાડ્યાનો સંતોષ કે આનંદ નહીં, પણ ચિંતા છે. તેમણે ચિંતાનું કારણ પૂછ્યું તો ભગવાને કહ્યું કે નદી કેવી રીતે પાર કરવી ને રાજમહેલ કેવી રીતે પહોંચવું? ત્યારે દુર્વાસામુનિએ અટ્ટહાસ્ય કર્યું ને કહ્યું કે, સંસારના તારણહારને રસ્તો નથી જડતો. કંઈ નહીં હું રસ્તો બતાવું છે.
તમે યમુનાજીને કહો કે, હે યમુનામાં જો દુર્વાસામુનિ તન, મન અને વચનથી ઉપવાસી હોય તો સામે કિનારે જવાનો રસ્તો આપો. યમુના માએ રસ્તો આપ્યો અને શ્રીકૃષ્ણ ભગવાન રાજમહેલ પહોંચ્યા. શ્રીકૃષ્ણના જીવનની આ કથા સંસારીને બ્રહ્મચારી રહેવાનું અને દુર્વાસામુનિ જેમ ભરપેટ ભોજન જમીને પણ તનથી નહીં, પરંતુ મનથી ઉપવાસી રહેવાનું સૂચવે છે. આ ઘટનાથી મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે, કોણ કહે છે કે સંસારી ભક્ત નથી બની શક્તો. માનવીની સાચી કસોટી સંસારમાં જ થાય છે, હિમાલયની તળેટીમાં નહીં.
સોળ હજાર રાણીઓ અને આઠ પટરાણીઓના રાજા શ્રીકૃષ્ણ બ્રહ્મચારી અને બત્રીસ પ્રકારનું ભોજન સ્વાહા કરનાર દુર્વાસામુનિ ઉપવાસી. આમ તો અજુગતું લાગે પણ માનવી પોતાના જીવનનાં સમગ્ર કર્મો ઈશ્વરને સમર્પણ કરીને ઈન્દ્રિયો પર કાબૂ મેળવે તેવી એક શક્તિ અંતરના એક ખૂણામાં પડેલી છે. જરૂર છે તેને માત્ર જાગૃત કરવાની. આપણાં ધર્મશાસ્ત્રોએ તો ઘણા નીતિ-નિયમોનું પાલન કરવાનું કહ્યું છે, પરંતુ તેમાંના કોઈ એકનું તન, મન, ધન અને વચનથી પાલન કરીએ તો આપણા આજના માનવસમાજને એક નહીં, પણ અનેક સુવર્ણ આત્મા ધરાવતા માનવીનાં પ્રત્યક્ષ દર્શન થાય.