વેદો આ ગ્રહ પર સૌથી પ્રાચીન શાસ્ત્રોમાંના એક છે અને છતાં તેમના વિષયોની સામગ્રીમાં સૌથી વ્યાપક છે. વેદો પુસ્તકો નથી અને વેદોની સામગ્રી એવી નથી જે કોઈએ બનાવ્યું હોય, તે કોઈએ બનાવેલી નૈતિક સંહિતા નથી. વેદો બાહ્ય અને આંતરિક બંને શોધોની શ્રેણી છે. તે આ સંસ્કૃતિમાં ભૂતકાળમાં જ્ઞાનનું પુસ્તક હતું.
તે વિવિધ પાસાંઓ ધરાવે છે જેમ કે કેવી રીતે ખાવું? કેવી રીતે બળદગાડી બનાવવી? કેવી રીતે ઘન ઈંધણ સાથે વિમાન બનાવવું? તમારા પડોશી સાથે કેવી રીતે વ્યવહાર કરવો? પરલોકના જીવો સાથે કેવી રીતે વ્યવહાર કરવો? અને તમારી પરમ પ્રકૃતિને કેવી રીતે પ્રાપ્ત કરવી. તો વેદો ખરેખર વાંચવા માટેનાં પુસ્તકો નથી, તેઓ અસ્તિત્વનાં ઘણાં પરિમાણોના એક નકશા જેવા છે.
વેદોનાં વિવિધ પાસાંઓ બસ સ્વરૂપને ધ્વનિમાં રૂપાંતરિત કરે છે, તેઓ એ જ છે. જો તમે કોઈ પણ ધ્વનિને ઓસિલોસ્કોપમાં, એક ધ્વનિ માપન ઉપકરણમાં ફિડ કરો છો, તો ધ્વનિના કંપન, આવૃત્તિ અને એમ્પ્લિટ્યૂડના આધારે, ઓસિલોસ્કોપ એક ચોક્કસ સ્વરૂપ આપશે. આજે, તે એક સાબિત થયેલું સત્ય છે કે દરેક ધ્વનિ સાથે એક સ્વરૂપ જોડાયેલું છે. તે જ રીતે, દરેક સ્વરૂપ સાથે એક ધ્વનિ જોડાયેલો છે. આ સ્વરૂપ અને આ ધ્વનિ વચ્ચેના સંબંધને આપણે મંત્ર તરીકે ઓળખીએ છીએ. સ્વરૂપને યંત્ર કહેવામાં આવે છે અને ધ્વનિને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ સ્વરૂપ અને ધ્વનિનો એકસાથે ઉપયોગ કરવાની તકનીકને તંત્ર કહેવામાં આવે છે.
અસ્તિત્વનાં વિવિધ સ્વરૂપો અને ધ્વનિ વચ્ચેના આ સંબંધ પર મહારત મેળવવામાં આવી હતી. ઋગ્વેદ, સામવેદ અને અથર્વવેદનો મોટો ભાગ આ સંબંધ વિશે છે, અસ્તિત્વને ધ્વનિ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા વિશે છે, જેથી તમે ચોક્કસ ધ્વનિઓનો ઉચ્ચાર કરીને તમારી અંદર અસ્તિત્વને સ્પંદિત કરી શકો. ધ્વનિ પર મહારત મેળવીને, તમે સ્વરૂપ પર પણ મહારત મેળવો છો. આ મંત્રોનું વિજ્ઞાન છે, જે દુર્ભાગ્યે ખૂબ ખરાબ દુરુપયોગ અને ખોટા અર્થઘટનમાં પડી ગયું છે.
આ વિજ્ઞાનો વ્યક્તિલક્ષી વિજ્ઞાનો છે, તેનો અભ્યાસ કોલેજમાં જઈને કરી શકાતો નથી. આ વ્યક્તિલક્ષી ગુણવત્તાને કારણે જ તમામ પ્રકારના ખોટાં અર્થઘટન અને દુરુપયોગ એટલી હદે પ્રવેશ્યા છે કે અત્યારે આખી વસ્તુને કોઈ પ્રકારની અર્થહીન વાત તરીકે નકારવામાં આવી રહી છે. તેને ખૂબ ઊંડી ભાગીદારી અને સમર્પણની જરૂર છે. તમારે તેના માટે તમારું જીવન ઘસવું પડશે, નહીંતર તે તમને મળતું નથી. જો તમે લાયકાત મેળવવા માંગો છો કે તમે તેને વ્યવસાય તરીકે શોધી રહ્યા છો તો તે તમને નહિ મળે. તમારે તમારી જાતને તેને આપવી પડશે. બસ ત્યારે જ તે તમને મળશે.
વૈદિક પ્રણાલીઓએ હંમેશાં માનવ જ્ઞાન વધારવા પર નહીં, પણ માનવ બોધ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યોગમાં અસંખ્ય સાધનો છે જેના દ્વારા વ્યક્તિ તેની પાંચ ઇન્દ્રિયોથી આગળ જઈ શકે છે, જેથી તેનો બોધ ભૌતિકથી પરે આગળ વધે. બસ જ્યારે બોધ ભૌતિકથી આગળ વધે છે, ત્યારે જ સાચી આધ્યાત્મિક પ્રક્રિયા શરૂ થાય છે. આધ્યાત્મિકતા તેના વિશે વાંચવાથી કે તેના વિશે જ્ઞાન ભેગું કરવાથી ઘટિત નહીં થાય. જો તમે જે બધી આધ્યાત્મિકતા ધરાવો છે, તે બસ તમારા મગજમાં નોંધાયેલી સ્મૃતિ છે, તો તે ખરેખર કોઈ મહત્ત્વની નથી, કેમ કે આધ્યાત્મિકતા એક આંતરિક પ્રક્રિયા છે.