જ્યારે પણ પ્રાચીન-અર્વાચીન મંદિરોની વાત આવે કે પછી શિલ્પ, સ્થાપત્યોની વાત આવે ત્યારે ખજુરાહોના વાસ્તુ શિલ્પકલાની વાત સૌથી પહેલી હરોળમાં આવે જ છે. ખજુરાહોનાં મંદિરો અને શિલ્પ સ્થાપત્યોને જોવા મોટી સંખ્યામાં દેશ-વિદેશોથી પર્યટકો આવે છે. જોકે, ખૂબ જ ઓછા લોકો જાણે છે કે, આ જ જગ્યાએથી અંદાજિત 100 કિમી. દૂર નચના નામના ગામ, મધ્યપ્રદેશમાં પ-6 શતાબ્દીમાં બનેલું માતા પાર્વતીજીનું મંદિર આવેલું છે. મધ્યપ્રદેશના બુંદેલખંડ ક્ષેત્રમાં પન્ના જિલ્લામાં માતા પાર્વતીજી સહિત બે પ્રાચીન મંદિર આવેલાં છે, જે આજે પણ સૌનું ધ્યાન ખેંચે છે.
ચોથી શતાબ્દીમાં નચના ગામમાં ગુપ્ત વંશનું શાસન રહ્યું હતું. ગુપ્ત શાસકોના સામંત ઉચ્છકલ્પ વંશ અને પરિવ્રાજકોએ અંદાજિત પાંચમી અને છઠ્ઠી શતાબ્દી સુધી આ વિસ્તારમાં શાસન કર્યું હતું. પુરાણોમાં પણ આ વિસ્તારનો ઉલ્લેખ કર્યો હોવાનું મનાય છે. પુરાણોમાં નચના ગામને કંચનકનગર તરીકે ઓળખવામાં આવતું હતું. એક અભ્યાસ પ્રમાણે કંચનક વાકાટક શાસક પ્રવરસેનની રાજધાની હતું. જોકે, આજે પણ આ મંદિર ક્યારે બન્યું હતું તે વિશે અનેક મતમતાંતર જોવા મળે છે, પરંતુ નિષ્ણાતો અને તજ્જ્ઞોના જણાવ્યા પ્રમાણે તેમજ મંદિરની વાસ્તુકલા, કોતરણીને ધ્યાને લઇને અહીં નિર્માણ પામેલું પાર્વતીજીનું મંદિર પાંચમી-છઠ્ઠી શતાબ્દીમાં જ નિર્માણ પામ્યું હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના તત્કાલીન મહાનિર્દેશક એલેક્ઝાન્ડર કનિંઘમના સફળ પ્રયાસોથી ઈ.સ. 188પમાં આ મંદિરો તરફ સૌ કોઇનું ધ્યાન ગયું હતું. તેમણે આ મંદિરો વિશે ઈ.સ. 1885 માં એક સ્પેશિયલ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.
નચનામાં ઘણાં મંદિરો જોવા મળે છે. તે પૈકી સારી અને વ્યવસ્થિત હાલતમાં મુખ્ય બે મંદિરો (1) પાર્વતી મંદિર અને (2) ચતુર્મુખ મંદિર જોવા મળે છે. કનિંઘમના જણાવ્યા પ્રમાણે આ મંદિરની અદ્ભુત કોતરણી અને મૂર્તિઓ ગુપ્તકાળની હોઇ શકે છે. તેમના જણાવ્યા પ્રમાણે જે મંદિરો તેમણે જોયાં હતાં તેમાંથી માતા પાર્વતીજીનું મંદિર સૌ મંદિર કરતાં અલગ તરી આવતું હતું. તેના પર કરવામાં આવેલી કારીગરી-કોતરણી તદ્દન અલગ જ દેખાઇ આવે છે. આ બંને મંદિરો મોટા પત્થરો કોતરીને બનાવ્યાં હોવાનું સ્પષ્ટપણે જણાઇ આવે છે. અલબત્ત, આ મંદિરોમાં જે શૈલી વાપરવામાં આવી છે તે ખૂબ જ જૂની છે અને ગુપ્તકાળના સમયની શૈલી છે. નોંધનીય છે કે, પ્રાચીનકાળમાં બુંદેલખંડ મુખ્ય શહેર તરીકે ઓળખાતું હતું.
નચનામાં આવેલા માતા પાર્વતીજીના મંદિરમાં એક મંડપ અને ગર્ભગૃહ જોવા મળે છે. જોકે, તેની છત એકદમ સપાટ જોવા મળે છે. મંદિરનું પ્રવેશદ્વાર એકદમ આકર્ષક છે અને તેમાં બે નદીઓ એટલે કે માતા ગંગાજી અને દેવી યમુનાજી જોવા મળે છે. આ મંદિરના પ્રવેશદ્વારમાં જે અન્ય માનવ મૂર્તિઓ કંડારવામાં આવી છે તે તે સમયના માનવો હોવાનું મનાય છે. અલબત્ત, મંદિરોમાં જે માનવ મૂર્તિઓ છે તેમાં તેમના જે વાળ દર્શાવ્યા છે તે તે સમયના સિક્કાઓ પર કંડારવામાં આવેલા ગુપ્ત રાજાઓના વાળની જેમ જ છે.
નચનામાં આવેલાં બે મંદિરોમાં માતા પાર્વતીજીના મંદિર સિવાય અન્ય એક મંદિર છે, જેને ચતુર્મુખ મહાદેવ મંદિર કહેવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ અંદાજિત આઠમી-નવમી શતાબ્દીનું હોવાનું માનવામાં આવે છે. ચતુર્મુખ મહાદેવનું મંદિર માતા પાર્વતીજીના મંદિરથી એકદમ અલગ તરી આવે છે. આ મંદિર મોટા ઓટલા પર બનાવવામાં આવ્યું છે. મંદિરના ગર્ભગૃહમાંના લાંબા શિખરમાં કંડારેલી વાસ્તુકલા આશ્ચર્ય પમાડે એવી છે. મૂળ આ બંને મંદિરોના પ્રવેશદ્વારમાં જે નક્કાશી કામ કરવામાં આવ્યું છે તે ખૂબ જ બારીકાઇથી કરવામાં આવ્યું છે.
ચતુર્મુખ મંદિરનું મુખ્ય આકર્ષણ તેમાં રહેલું શિવલિંગ છે. આ શિવલિંગથી જ મંદિરનું નામ ચતુર્મુખ રાખવામાં આવ્યું છે. મંદિરમાં રહેલું શિવલિંગ ચાર ફૂટ ઊંચું છે અને તેની ચારેય દિશામાં ચાર મુખ જોવા મળે છે. જેમાં ઉત્તર મુખ, વામદેવ (જળ) સર્જનનું, પૂર્વ મુખ તત્પરુષ (વાયુ) જાળવણીનું, પશ્ચિમ મુખ સદ્યોજાતા (પૃથ્વી) તેમજ આત્મનિરીક્ષણનું અને દક્ષિણ મુખ અઘોર (અગ્નિ) વિનાશનું પ્રતિનિધિત્વ કરે છે. તેમજ શિવલિંગ શીર્ષને(મુખ કંડાર્યા વિનાનું) ઈશાન (આકાશ)ના રૂપમાં ઓળખાય છે.
આ બંને મંદિરોની દીવાલોમાં કોઇ અભિલેખ જોવા મળતો નથી, પરંતુ નચનાની પાસે એક શિલા મળી આવી છે, જે પાંચમી સદીની હોવાનું માનવામાં આવે છે. જોકે, આ શિલામાં જે અભિલેખ જોવા મળે છે તે અધૂરો છે. આ અભિલેખમાં વ્યાધ્રદેવ નામની વ્યક્તિનો ઉલ્લેખ જોવા મળે છે. નોંધનીય છે કે, વ્યાધ્રદેવ પૃથ્વીસેનનો એક સામંત હતો. આ શિલાને લઇને પણ કેટલાક મતમતાંતરો જોવા મળી રહ્યા છે. કેટલાક તજ્જ્ઞોના જણાવ્યા પ્રમાણે આ શિલામાં જે રાજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વાકાટક રાજવંશના પૃથ્વીસેન પહેલો અને ઉચ્છકલ રાજવંશના વ્યાધર હોવાનું મનાય છે, જે પાંચમી-છઠ્ઠી સદીમાં ભારતના કેટલાક વિસ્તારમાં રાજ કરતા હતા. મૂળ નચનાનો આ વિસ્તાર તે સમયના રાજાઓ માટે મહત્ત્વનો વિસ્તાર હોવાનું મનાય છે.