ઈરાનના પેશદાદિયન રાજવંશ સાથે સંબંધ ધરાવનારા રાજા તેહમુરાજના પુત્ર જમશેદજીએ નવરોજની શરૂઆત કરાવી હતી. એવું માનવામાં આવે છે કે જમશેદજી એક મહાન રાજા હતા અને તેમની રાજાશાહીમાં પ્રજાનું વિશેષ ધ્યાન રાખવામાં આવતું હતું. જોકે, તે સમયે ઘડિયાળ જેવી સમય જાણવાની કોઈ વ્યવસ્થા નહોતી. તેવા સમયે જમશેદજીએ તે સમયના મહાન ખગોળશાસ્ત્રીઓ અને ગણિતજ્ઞોની મદદથી એક નવા કેલેન્ડર `તકીમ-એ-નવરોજ-એ-શહેરિયારી’ની શરૂઆત કરી હતી. આ કેલેન્ડરને આધાર બનાવીને તેમણે નિર્ણય લીધો કે વસંતઋતુમાં જ્યારે રાત અને દિવસ સમાન હશે, ત્યારે જ આપણું નવું વર્ષ ગણાશે. આ રીતે દર વર્ષે 21 માર્ચના રોજ પારસીઓ દ્વારા નવું વર્ષ મનાવવાની પરંપરા શરૂ થઈ, જેને જમશેદી નવરોજ કહેવામાં આવે છે.
એવું પણ કહેવાય છે કે આશરે ત્રણ હજાર વર્ષ પહેલાં જે દિવસે ઈરાનમાં શાહ જમશેદ સિંહાસન પર બિરાજ્યા એ દિવસને નવો દિવસ અથવા નવરોજ કહેવામાં આવ્યો અને ત્યારથી આ દિવસને જરથુષ્ટ્ર વંશના લોકો નવા વર્ષનો પહેલો દિવસ મનાવવા લાગ્યા. નવરોજ તહેવાર વિશ્વના ઘણા દેશો જેમ કે, ઈરાન, ઈરાક, બહરીન, લેબેનોન, પાકિસ્તાન, તઝાકિસ્તાન અને ભારતમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે.
નવરોજના દિવસે પારસી પરિવાર પોતાના ઉપાસના સ્થળ અગિયારીમાં જાય છે. ઉપાસના સ્થળના પૂજારી ધન્યવાદ આપનારી પ્રાર્થના કરાવે છે, જેને જશ્ન કહેવામાં આવે છે. ત્યારબાદ લોકો પવિત્ર અગ્નિને ચંદનનાં લાકડાં ચડાવે છે. પ્રાર્થના કર્યા બાદ પારસી લોકો એકબીજાને સાલમુબારક કહે છે. પારસી લોકો નવા વર્ષની ઉજવણી માટે વિવિધ જાતની વાનગીઓ બનાવે છે. જેમ કે, મીઠો ભાત, પુલાવ, સેવૈયા વગેરે આ દિવસે ઘરે આવનારા મહેમાનોનું સ્વાગત તેઓ ગુલાબજળ છાંટીને કરે છે.
પરંપરા અને સાતનો અંક
પહેલાં નવરોજને 15 દિવસ સુધી મનાવવાની પરંપરા હતી, પરંતુ હવે તેને માત્ર બે દિવસ સુધી જ મનાવવામાં આવે છે. સમયની સાથે-સાથે પારસીઓએ પોતાની જાતને ઢાળી છે. જમશેદી નવરોજના દિવસે પારસી લોકો પોતાના ઘરમાં એક સફેદ વસ્ત્ર મૂકીને તેમાં સાત એવી વસ્તુઓ મૂકે છે, જેના નામની શરૂઆત ફારસી ભાષાના સીન એટલે કે સ અક્ષરથી થતી હોય. તેને `હફત સિન’ અથવા `સાત સ’ કહેવામાં આવે છે. પારસી લોકો માટે સાતના એકનું વિશેષ મહત્ત્વ છે. સ અક્ષરને વધારે મહત્ત્વ કદાચ એટલા માટે આપવામાં આવ્યું હશે, કારણ કે ફારસી શબ્દ `સેપનદન’ની શરૂઆત પણ `સ’ અક્ષરથી જ થાય છે. સેપનદન શબ્દનો અર્થ થાય છે પવિત્ર. સાતના અંકને પવિત્ર માનવા પાછળનું મૂળ કારણ એ પણ છે કે આ ધર્મમાં દેવદૂતોની કુલ સંખ્યા સાત છે, તેથી પહેલાં સાત પ્રકારનાં ફૂલો, સાત પ્રકારનાં ફળો અને ફળ આપનારાં સાત પ્રકારનાં વૃક્ષોની ડાળીઓને એકઠી કરીને કુલ 21 વસ્તુઓને સફેદ વસ્ત્ર પર સજાવીને રાખવાની પરંપરા છે. પારસીઓની પ્રાર્થના `યથા અહૂ વૈરો’માં કુલ 21 અક્ષર છે, તેથી તેમના માટે આ અંકને પણ પવિત્ર માનવામાં આવે છે. આ સિવાય સફેદ વસ્ત્ર પર
જરથુષ્ટ્રની તસવીર, મીણબત્તી, દર્પણ, અગરબત્તી, ફળ, ફૂલ, ખાંડ, સિક્કા વગેરે પણ રાખવામાં આવે છે. નવરોજના તહેવાર માટે પારસીઓ પોતાના ઘરની સાફસફાઈ કરે છે અને સારી રીતે શણગારે છે