શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે રવિવારે જણાવ્યું હતું કે ધાર્મિક પર્યટનમાં તેજી વચ્ચે ટ્રસ્ટે છેલ્લા 5 વર્ષમાં સરકારને લગભગ 400 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. તેમણે કહ્યું કે આ રકમ 5 ફેબ્રુઆરી, 2020થી 5 ફેબ્રુઆરી, 2025ની વચ્ચે ચૂકવવામાં આવી છે. આમાંથી, 270 કરોડ રૂપિયા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) તરીકે ચૂકવવામાં આવ્યા છે, જ્યારે બાકીના 130 કરોડ રૂપિયા વિવિધ અન્ય કર શ્રેણીઓ હેઠળ ચૂકવવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું છે.
પ્રવાસીઓની સંખ્યામાં 10 ગણો વધારો થયો
તેમણે કહ્યું કે અયોધ્યામાં ભક્તો અને પ્રવાસીઓની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે, જેના કારણે તે એક મુખ્ય ધાર્મિક પર્યટન સ્થળ બન્યું છે અને સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઉભી થઈ છે. તેમણે કહ્યું કે મહાકુંભ દરમિયાન 1.26 કરોડ ભક્તો અયોધ્યા આવ્યા હતા. રાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટના નાણાકીય રેકોર્ડનું નિયમિતપણે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)ના અધિકારીઓ દ્વારા ઓડિટ કરવામાં આવે છે.
મંદિરોએ કરી મોટી રકમની કમાણી
જમ્મુના કટરા સ્થિત વૈષ્ણો દેવી નામના એક અન્ય સમૃદ્ધ મંદિરે નાણાકીય વર્ષ 2024માં 683 કરોડ રૂપિયાની કમાણી કરી, જેમાંથી 255 કરોડ રૂપિયા કરમુક્ત પ્રસાદમાંથી આવ્યા અને 133.3 કરોડ રૂપિયા વ્યાજમાંથી આવ્યા. ટીટીડીના કિસ્સામાં તેની 4,800 કરોડ રૂપિયાની આવકના ત્રીજા ભાગથી વધુ હિસ્સો હુન્ડી કલેક્શનમાંથી આવ્યો હતો. નાણાકીય વર્ષ 2021થી 5 વર્ષમાં GSTની દ્રષ્ટિએ કર જવાબદારી લગભગ રૂપિયા 130 કરોડ રહી છે.
મંદિરો કેટલું કમાય છે?
મંદિરોના વિગતવાર હિસાબ ઉપલબ્ધ નથી, પરંતુ ભારતના 2 સૌથી મોટા મંદિર ટ્રસ્ટોની આવક છેલ્લા 7 વર્ષમાં બમણી થઈ ગઈ છે. તિરુપતિ ટ્રસ્ટની વેબસાઈટ અનુસાર, નાણાકીય વર્ષ 2017માં તેનું બજેટ રૂપિયા 2,678 કરોડ હતું, જે નાણાકીય વર્ષ 2025માં વધીને રૂપિયા 5,145 કરોડ થયું છે. વૈષ્ણો દેવી ટ્રસ્ટની આવક નાણાકીય વર્ષ 2017માં 380 કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2024માં 683 કરોડ રૂપિયા થઈ ગઈ છે.