મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં 2 જૂથ વચ્ચે મોટી બબાલ થઈ છે. સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે આ બંને જૂથો આમને સામને આવી ગયા છે. થોડી જ વારમાં બંને જૂથો વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો છે. પથ્થરમારા અંગે માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ દળની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે. બંને જૂથો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં ઘણા વાહનોને પણ નુકસાન થયું છે. હાલમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે.
શિવાજી ચોક પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા
જણાવી દઈએ કે સોમવારે સાંજે 7થી 7:30 વાગ્યાની આસપાસ શિવાજી ચોક પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું. આ લોકોએ બપોરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનથી ગુસ્સે હતા. સૂત્રોચ્ચાર શરૂ થતાં જ ત્યાં હાજર બીજા જૂથે પણ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. આ પછી પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.
પથ્થરમારો થતાં પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા
પોલીસ આવી અને બંને વિરોધ કરનારા જૂથોને અલગ કર્યા અને તેમને શિવાજી ચોકથી ચિટનીસ પાર્ક તરફ ભગાડી મુક્યા. જોકે, ચિટનીસ પાર્કની બહાર, ભાલદારપુરા વિસ્તારમાંથી પોલીસ પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો, પરંતુ સતત પથ્થરમારો થતાં પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પથ્થરમારાને કારણે ઘણા વાહનોને નુકસાન થયું છે.