- ગર્ભગૃહમાં ભગવાન શ્રી રંગનાથસ્વામી સાત મુખવાળા શેષનાગ દ્વારા બનાવાયેલી આકર્ષક પથારીમાં સૂતેલા જોવા મળે છે
ભારતભરમાં એવાં ઘણાં પ્રાચીન મંદિરો આવેલાં છે જેનું શિલ્પકામ અને ભવ્યતા આજે પણ અકબંધ જોવા મળે છે. ભારતનાં મોટાભાગનાં મંદિરોનું શિલ્પકામ ભક્તોને આકર્ષી લે છે. ભારતમાં હિન્દુ દેવી-દેવતાનાં ઘણાં પ્રસિદ્ધ મંદિરો આવે છે, જેના દર્શનાર્થે માત્ર ભારતભરમાંથી જ નહીં, પરંતુ વિદેશોમાંથી પણ શ્રદ્ધાળુઓ અને પર્યટકો આવે છે. ભારતમાં ભગવાન શિવ, માતા લક્ષ્મી સિવાય ભગવાન વિષ્ણુનાં મુખ્ય મંદિરો પણ આવેલાં છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ભગવાન વિષ્ણુનાં મંદિરો ખૂબ જ ઓછા છે, આ મંદિરોમાં શ્રી રંગનાથસ્વામી મંદિરનો સમાવેશ થાય છે, જે કર્ણાટકમાં આવેલું છે. આ મંદિર મૈસૂરથી અંદાજે 16 કિમી.ના અંતરે કાવેરી નદી દ્વારા બનેલા ટાપુ પર આવેલું છે. શ્રી રંગનાથસ્વામી મંદિરના નામ પરથી જ આ વિસ્તારનું નામ શ્રીરંગપટ્ટના પડ્યું છે. આ મંદિર માંડ્યા જિલ્લામાં આવેલું છે, જેને પહેલાં શ્રીરંગપુરી નામથી પણ ઓળખવામાં આવતું હતું.
અહીં ભગવાન વિષ્ણુની પૂજા શ્રી રંગનાથસ્વામીના સ્વરૂપમાં કરવામાં આવે છે. કાવેરી નદીના તટ પર આવેલું આ મંદિર ભગવાન વિષ્ણુનું ધામ માનવામાં આવે છે.
શ્રી રંગનાથસ્વામી મંદિરનો ઇતિહાસ
આ મંદિરનો સમાવેશ ભારતનાં પ્રાચીનતમ મંદિરોમાં થાય છે. આ મંદિરના ગર્ભગૃહને ઈ.સ. 817માં એક નર્તકી હંબીએ બનાવડાવ્યું હતું. ત્યારબાદ ઈ.સ. 894માં ગંગ વંશના શાસન દરમિયાન રાજા થિરુમલાયરાજીએ તેના વિશાળ નિર્માણ માટે વિશેષ સહયોગ આપ્યો હતો. જ્યારે ઈ.સ. 1117માં અહીં રામાનુજાચાર્ય આવ્યા હતા ત્યારે હોયસલા સામ્રાજ્યમાં બિટ્ટદેવ નામના એક જૈન શાસક હતા. તેઓ શ્રી રામાનુજાચાર્ય દ્વારા વાદવિવાદમાં પરાજિત થયા હતા. આ ઘટના બાદ બિટ્ટદેવે વૈષ્ણવાદનો સ્વીકાર કર્યો હતો અને તેમને વિષ્ણુવર્ધન નામથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. તેઓ પ્રભુના મોટા ભક્ત પણ હતા.
રાજા વિષ્ણુવર્ધન નામ ધારણ કર્યા બાદ તેમણે શ્રી રામાનુજાચાર્યને અઢળક ધન અને આઠ ગામોની ભૂમિ ભેટ તરીકે આપી હતી. શ્રી રામાનુજાચાર્યએ પ્રભુની સેવાને સંચાલિત કરવા માટે કેટલાક પદાધિકારીઓની નિમણૂક પણ કરી હતી.
ઈ.સ. 1610થી 1699 સુધી શ્રી રંગપટ્ટના મૈસૂર રાજ્યની રાજધાની હતી. તે સમયે અહીં રાજા કૃષ્ણરાજ વાધારે હૈદર અલીની પોતાના સેનાપતિ તરીકેની નિમણૂક કરી હતી. હૈદર અલી પણ ભગવાન રંગનાથના મોટા ભક્ત હતા. તેમણે પણ મંદિરના જિર્ણોદ્ધારમાં પોતાનું વિશેષ યોગદાન આપ્યું હતું.
શ્રી રંગનાથસ્વામી મંદિરનું શિલ્પકામ
આ મંદિર વૈષ્ણવ લોકોનું મુખ્ય પ્રમુખ તીર્થસ્થળ છે. મંદિરનું પ્રવેશદ્વાર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે. મંદિરના ગોપુરમ(મંદિરનો ઉપરનો ભાગ)માં ખૂબ જ સુંદર કારીગરી કરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં પહોંચવા માટે સ્ટીલના પાઇપથી બનાવેલા રસ્તાથી જવું પડે છે. આ તરફ ગર્ભગૃહમાં ભગવાન શ્રી રંગનાથસ્વામી સાત મુખવાળા શેષનાગ દ્વારા બનાવાયેલી આકર્ષક પથારીમાં સૂતેલા જોવા મળે છે. તેમની પાસે માતા લક્ષ્મીજી બિરાજમાન છે. આ મંદિરના પરિસરમાં ભગવાન નરસિંહ, ગોપાલકૃષ્ણ ઉપરાંત હનુમાનજી અને અન્ય દેવી-દેવતાઓનાં નાનાં-નાનાં મંદિરો પણ આવેલાં છે.
મંદિરમાં જોવા મળતી અદ્ભુત શૈલી
દ્રવિડિયન શૈલીમાં નિર્મિત શ્રી રંગનાથસ્વામી મંદિર હોયસાલા અને વિજયનગર વાસ્તુકલાના અદ્ભુત નમૂનાસમાન છે. મંદિરની કિલ્લામય દીવાલો અને જટિલ નકશીકામવાળું ગોપુરમ મન મોહી લે એવું છે. અહીં ભગવાન વિષ્ણુના 24 અવતારોના નકશીકામ સાથે ચાર આકર્ષક સ્તંભ છે. આ ચાર સ્તંભને ચતુરવિમષ્ટિ તરીકે પણ ઓળખવામાં આવે છે. નોંધનીય છે કે હોયસાલા વંશના શાસકો નકશીકામમાં પારંગત હતા અને તેમનું નકશીકામ ઊડીને આંખે વળગે એવું હતું. આ મંદિરની અંદરની દીવાલોમાં ભવ્ય મૂર્તિકલા પણ જોવા મળે છે. ઉપરાંત હિન્દુ પૌરાણિક કથાઓને પણ અહીં દર્શાવવામાં આવી છે.
પ્રચલિત કથા
પાપોથી પોતાની જાતને મુક્તિ અપાવવા માટે ઘણા લોકો કાવેરી નદીમાં સ્નાન કરે છે. એક માન્યતા પ્રમાણે ગંગા નદી પણ અહીં આવીને પોતાનાં પાપોમાંથી છુટકારો મેળવતી હતી. જેણે તેમને શોષી હતી. અલબત્ત, કાવેરી નદી તમામનાં પાપોથી ઘેરાયેલી હતી. તેમની પાસે એકમાત્ર શરણ ભગવાન શ્રી વિષ્ણુ હતા. કાવેરીએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે શ્રી રંગપટ્ટનમાં આકરી તપસ્યા કરી અને જ્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા ત્યારે કાવેરીને ત્રણ વચનો આપ્યાં હતાં. આ ત્રણ વચન આ પ્રમાણે હતાં –
1 કાવેરી નદી ગંગા નદીની સરખામણીમાં વધુ પવિત્ર હશે.
2 શ્રી રંગપટ્ટન તીર્થસ્થળ બની જશે.
3 ભગવાન વિષ્ણુ ભક્તોને આશીર્વાદ આપવા અને ભક્તોની ઇચ્છાપૂર્તિ માટે ભગવાન વિષ્ણુ શ્રી રંગનાથના સ્વરૂપમાં અહીં પ્રગટ થશે.
ઉપરોક્ત ત્રણ વચનો મેળવીને કાવેરીએ શ્રી વિષ્ણની પૂજા કરી હતી. ત્યારે ભગવાન ખુદ જ સુંદર દેવતાના રૂપમાં પ્રગટ થયા જે આદિત્ય નાગ પર વિશ્રામ કરી રહ્યા હતા. આ સાંભળતાની સાથે જ માતા લક્ષ્મીજી, જે ભગવાન વિષ્ણુનાં પત્ની છે, તેઓ કાવેરીની સાથે ભગવાનનાં દર્શન કરવા માટે આવ્યાં. ત્યારબાદ માતા લક્ષ્મી પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને ભગવાનની પૂજા-અર્ચના કર્યા બાદ પોતાને પ્રભુના દક્ષિણ પૂર્વની તરફ પ્રગટ કરી લે છે.
શ્રી રંગનાથસ્વામી મંદિરના મુખ્ય તહેવારો
શ્રી રંગનાથસ્વામી મંદિરનો મુખ્ય તહેવાર કોટરોત્સવ છે, જેને ધાર્મિકતાથી અને હર્ષોલ્લાસથી ઊજવવામાં આવે છે. જેમાં ભગવાન શ્રી રંગનાથ સ્વામીને શૃંગાર કરવામાં આવે છે. ઉપરાંત ભવ્યાતિભવ્ય શણગાર પણ કરવામાં આવે છે. આ તહેવારને માણવા ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે.
કેવી રીતે પહોંચશો?
જો તમે હવાઈમાર્ગ દ્વારા આવવા માંગતા હો તો આ સ્થળથી નજીકનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કેંપેગોવડા છે. તમે ત્યાંથી ખાનગી વાહન કે બસ દ્વારા પણ આવી શકો છો. જ્યારે તમે રેલમાર્ગથી આવવા માંગતા હો તો નજીકનું રેલવે સ્ટેશન શ્રીરંગપટ્ટના છે જે રાજ્યનાં અન્ય મોટાં શહેરો અને અન્ય રાજ્યોને પણ સાંકળી લે છે. જો તમે સડકમાર્ગેથી આવવા માંગતા હો તો શ્રીરંગપટ્ટના માટે મુખ્ય શહેરોથી ઘણીબધી બસો નિયમિત આવાગમન કરે છે.