ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન ‘ગગનયાન’ વિશે નવી જાણકારી અંગે દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ISROના અધ્યક્ષ વી નારાયણને જણાવ્યું કે પ્રથમ માનવરહિત મિશન ગગનયાન પ્રોજેક્ટ આ વર્ષના અંતમાં શરૂ થવાની શક્યતા છે, ત્યારબાદ 2026માં આ પ્રકારે વધુ બે મિશન લોન્ચ કરવામાં આવશે.
માનવરહિત મિશનના ભાગ રૂપે અર્ધ-માનવ રોબોટ ‘વ્યોમમિત્ર’ મોકલાશે
ત્યારે પ્રથમ માનવરહિત ગગનયાન મિશનનું લોન્ચિંગ 2027ના પહેલા ક્વાર્ટર સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. ISRO અવકાશયાત્રીઓને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મોકલતા પહેલા માનવરહિત મિશનના ભાગ રૂપે અર્ધ-માનવ રોબોટ ‘વ્યોમમિત્ર’ મોકલાશે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન ગગનયાન મિશનની જાહેરાત કરી હતી. આ હાંસલ કરવા માટે 2022નું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું.
મિશનનો 90 ટકા ભાગ પૂર્ણ: નારાયણન
ISROના અધ્યક્ષ નારાયણને કહ્યું, ‘આ ખૂબ જ જટીલ પ્રક્રિયા છે. આ પહેલીવાર છે જ્યારે અમે આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. હું કહેવા ઈચ્છું છું કે આ પ્રોજેક્ટનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને અમે અંતિમ તબક્કામાં છીએ. જો પ્રોજેક્ટ સફળ થશે તો ભારત રશિયા, અમેરિકા અને ચીન પછી સ્વતંત્ર રીતે માનવીને અવકાશમાં મોકલનાર ચોથો દેશ બનશે. તેમણે કહ્યું કે ડિસેમ્બરમાં PSLV રોકેટ દ્વારા લોન્ચ કરાયેલા બે ઉપગ્રહો સહિત સ્પેસ ડોકીંગ પ્રયોગો સફળ રહ્યા છે અને ISRO સ્પેડેક્સ-2ની યોજના બનાવી રહ્યું છે.
કોવિડને કારણે પણ પ્રોજેક્ટમાં સમય લાગ્યો: ઈસરો ચીફ
ISROના વડાએ વધુમાં કહ્યું ‘આ પ્રોજેક્ટ ઘણી વખત વિલંબિત થયો છે, આંશિક રીતે કોવિડ રોગચાળાને કારણે જેણે અવકાશયાત્રીઓની તાલીમને અસર કરી હતી અને મિશન માટે જરૂરી મહત્વપૂર્ણ ટેકનીકોમાં નિપુણતા મેળવવાની જટીલતાઓને કારણે.’ ક્રૂ મિશન 2025માં અપેક્ષિત હતું અને પછીથી 2026 માટે સુનિશ્ચિત થયેલ હતું. હવે તેને 2027ના પ્રથમ ક્વાર્ટર સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. ગગનયાન મિશન માટે માનવ-રેટેડ લોન્ચ વ્હીકલ વિકસાવવા ઉપરાંત, ISROના વૈજ્ઞાનિકોએ મિશન માટે પર્યાવરણીય નિયંત્રણ અને જીવન સહાયક પ્રણાલી (ECLSS) પણ ડિઝાઈન કરી છે, જેમાં અવકાશયાત્રીઓને પૃથ્વીથી લગભગ 400 કિમી ઉપર નીચા-પૃથ્વી ભ્રમણકક્ષામાં થોડા દિવસો માટે લઈ જવા અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો સમાવેશ થાય છે. તે અવકાશયાનમાં કેબિન દબાણ, તાપમાન, હવાની ગુણવત્તા અને વ્યક્તિગત સ્વચ્છતા વ્યવસ્થાપન પ્રણાલી જાળવવામાં મદદ કરશે.