શનિવારે સાંજે 5 વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયો. આના થોડા કલાક પછી, પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જમ્મુ-કાશ્મીરના અખનૂર, પૂંછ, નૌશેરા, શ્રીનગર, આરએસપુરા, સાંબા, ઉધમપુરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.
જમ્મુમાં વૈષ્ણો દેવી મંદિરની ઉપરના પર્વત પર એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું. આ સિવાય શંકરાચાર્ય મંદિર પાસે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. પંજાબના અમૃતસરમાં સરહદ નજીક અનેક વિસ્ફોટો સંભળાયા.
ઉધમપુરમાં ડ્રોન હુમલો
રાજૌરીમાં તોપમારો કરવામાં આવ્યો. ઉધમપુરમાં ડ્રોન હુમલો થયો હતો. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું – આ કેવા પ્રકારનો યુદ્ધવિરામ છે? શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે. શ્રીનગરમાં 70 થી 80 વિસ્ફોટ થયા છે. આના કારણે જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન-પંજાબમાં ફરીથી બ્લેકઆઉટ થઈ ગયું છે.
જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન-પંજાબમાં ફરી બ્લેકઆઉટ
યુદ્ધવિરામની જાહેરાત પછી, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના સરહદી જિલ્લાઓમાં બ્લેકઆઉટ રદ્દ કરવામાં આવ્યા. પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર બાદ ફરીથી બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. સરહદી જિલ્લાઓમાં વીજળી કાપી નાખવામાં આવી છે. લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી છે.
યુદ્ધવિરામ અંગે ટ્રમ્પે કર્યું હતું ટ્વિટ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી, મને તમને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણપણે હુમલાઓ બંધ કરવા સંમત થયા છે.” હું બંને દેશોને એક સામાન્ય સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું.