બાંગ્લાદેશમાં શેખ હસીના સામે થયેલા બળવા બાદ મોહમ્મદ યૂનુસ વચગાળાની સરકારના પ્રમુખ બન્યા છે. તેઓએ વર્ષ 2026માં ચૂંટણી યોજવા માટે જાહેરાત કરી છે. તો આ તરફ, ચીન અને પાકિસ્તાન તેમને સત્તામાં જોવા માંગે છે. તેથી આ બન્ને દેશો તેમનું સમર્થન પણ કરી રહ્યા છે. કારણ કે જો મોહમ્મદ યૂનુસ સત્તામાં રહેશે તો ચીન અને પાકિસ્તાનને ફાયદો થશે.
બાંગ્લાદેશમાં બદલાઇ સમગ્ર રાજનીતિ
ગયા વર્ષે બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ થયેલા બળવાએ સમગ્ર રાજનીતિ બદલી નાખી છે. શેખ હસીના પોતાનો દેશ છોડીને ભારત આવી ગઇ છે. તો વચગાળાની સરકારના પ્રમુખ તરીકે મોહમ્મદ યૂનુસે કમાન સંભાળી છે. એક સમય હતો જ્યારે તેઓ ગરીબાનો મસીહા તરીકે કામ કરતા હતા. પરંતુ આજે મોહમ્મદ યૂનુસ રાજનીતિમાં કેન્દ્ર સ્થાને છે. અર્થશાસ્ત્રી કરતા તેઓ સત્તા લાલચુના રૂપમાં વધુ દેખાઇ રહ્યા છે. તેઓએ કોઇ ચૂંટણી નથી લડી. પરંતુ તેમની પાસે પ્રમુખ તરીકેની સમગ્ર સત્તાઓ છે. હાલના સમયમાં મોહમ્મદ યૂનુસ પાકિસ્તાન અને ચીનની યાત્રાઓ કરી રહ્યા છે. તેથી તેઓ આ બન્ને દેશના પ્રિય વ્યક્તિ બન્યા છે. પાકિસ્તાન અને ચીન ભારતના દુશ્મન છે. એવા સમયે બાંગ્લાદેશનું તેમના દેશમાં પ્રવાસ કરવો એ ભારત માટે વધુ ચિંતાનો વિષય બન્યો છે.
બાંગ્લાદેશમાં BRIનું રોકાણ
ચીન માટે બાંગ્લાદેશ તેની દક્ષિણ-એશિયાની રણનીતિમાં એક મહત્વનું પાસું છે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ એટલે BRIના માધ્યમથી ચીને બાંગ્લાદેશમાં રોકાણ કર્યુ છે. જેમાં બંદરો, રેલ્વે સ્ટેશનો અને પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. મોહમ્મદ યૂનુસ પાસે હાલ સમગ્ર સત્તાઓ છે. જે રીતે ચૂંટણી યોજવામાં વિલંબ થઇ રહ્યો છે તેને જોતા ચીન હાલ પુરતુ શાંતિ રાખીને બેઠુ છે કે તેણે કરેલા રોકાણ હમણા સુરક્ષિત છે.
પાકિસ્તાનની કેમ વધી રુચિ?
જ્યાં પાકિસ્તાન પોતે કંગાળ છે. ત્યાં તે બાંગ્લાદેશમાં રોકાણ નથી કરી શકતુ. પરંતુ પાડોશી દેશ ઇચ્છે છે કે, મોહમ્મદ યૂનુસ સત્તામાં બની રહે. કારણ કે તેઓ કટ્ટરપંથી વિચારધારાના સમર્થક છે. અને જો મોહમ્મદ યૂનુસ સત્તામાં રહે છે તો પાકિસ્તાન બાંગ્લાદેશને ભારત વિરુદ્ધ ઉપયોગ કરી શકે છે. શેખ હસીનાના સમયમાં બાંગ્લાદેશે ભારત સાથે સંબંધો મજબૂત કર્યા છે. શેખ હસીનાએ આતંકી પ્રવૃત્તિઓ અને ISIને પોતાના દેશથી દુર રાખી હતી. પરંતુ હવે મોહમ્મદ યૂનુસના સમયમાં પાકિસ્તાન બાંગ્લાદેશને ભારતથી સમગ્ર મુદ્દે દુર કરી દેશે. અને પાકિસ્તાન માટે એક પાસું એ પણ સારુ રહેશે કે બાંગ્લાદેશમાં ભારત વિરુદ્ધનો કોઇ વ્યક્તિ સત્તામાં છે.