શનિદેવનું સ્વરૂપ શનૈશ્વરની શરીર-ક્રાંતિ ઈન્દ્ર નીલમણિ સમાન છે. તેમના શિરે સ્વર્ણમુકુટ, ગળામાં માળા તથા શરીર પર નીલા રંગનાં વસ્ત્ર સુશોભિત છે. શનિ ગિદ્ધ કે કાગડા પર સવાર રહે છે. તેઓ હાથમાં ધનુષ, બાણ, ત્રિશૂળ અને વરમુદ્રા ધારણ કરે છે.
શનિદેશ શા માટે શીશ નીચું રાખે છે?
શનિની દૃષ્ટિમાં જે ક્રૂરતા છે તે તેમની પત્નીના શાપને કારણે છે. બ્રહ્મપુરાણ અનુસાર બાળપણથી જ શનિદેવતા ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તેઓ શ્રીકૃષ્ણના અનુરાગમાં જ નિમગ્ન રહેતા હતા. તેઓ વયસ્ક થયા ત્યારે તેમના પિતાએ ચિત્રરથ નામની કન્યા સાથે તેમના વિવાહ કર્યા. તેમની પત્ની સતી-સાધ્વી અને પરમ તેજસ્વિની હતી. એક રાત્રે તેઓ ઋતુસ્નાન કરીને પુત્રપ્રાપ્તિની ઈચ્છા સાથે તેમની પાસે પહોંચી, પરંતુ શનિ શ્રીકૃષ્ણના ધ્યાનમાં મગ્ન હતા. તેમને બાહ્ય સંસારનું તે સમયે ભાન જ ન હતું. પત્ની પ્રતીક્ષા કરીને થાકી ગઈ. તેમનો ઋતુકાળ નિષ્ફળ થઈ ગયો. આથી તેમણે ક્રોધિત થઈને પોતાના પતિ શનિને શાપ આપ્યો કે આજથી તમે જેના પર દૃષ્ટિ કરશો તે નષ્ટ થઈ જશે. ધ્યાનભંગ થયા પછી તેમણે પોતાની પત્નીને ઘણાં મનાવ્યાં. પત્નીને પણ પોતાની ભૂલ પર પસ્તાવો થયો, પરંતુ શાપનો પ્રતિકાર કરવાની શક્તિ તેમનામાં ન હતી. ત્યારથી શનિદેવતા પોતાનું શીશ નીચે રાખવા લાગ્યા, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે તેમના દ્વારા કોઈનુ પણ અનિષ્ટ થાય. આમ, શનિદેવ ક્રૂર નહીં પરંતુ સંત દેવ છે.
હનુમાન ભક્તને શનિ સતાવતા નથી
બજરંગબલીએ શનિ મહારાજને કષ્ટોમાંથી મુક્ત કરાવ્યા હતા અને તેમની રક્ષા કરી હતી. આથી શનિદેવતાએ એવું વચન આપ્યું કે હનુમાનજીની ઉપાસના કરનારને તેઓ ક્યારેય કષ્ટ નહીં આપે, પરંતુ કષ્ટોને દૂર કરીને તેમની રક્ષા કરશે. શનિ અથવા સાડાસાતીને કારણે ભોગવવાં પડતાં કષ્ટોના નિવારણ માટે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. બજરંગબલીની પૂજા અને આરાધના કરવાથી શનિદેવનો પ્રકોપ શાંત થાય છે.
શનિ ગ્રહની શાંતિના ઉપાય
શનિની શાંતિ માટે મહામૃત્યુજંય મંત્રનો જાપ કરવો જોઈએ. નીલમ ધારણ કરવાથી પણ શનિનો પ્રકોપ શાંત થાય છે.
કર્મકાંડી બ્રાહ્મણને કાળા તલ, અડદ, ભેંસ, લોઢું, તેલ, કાળાં વસ્ત્ર, નીલમ, કાળી ગાય, જૂતાં, કસ્તૂરી અને સુવર્ણનું દાન કરવું જોઈએ.
શનિદેવના મંદિરમાં તેલ અને પીપળાનાં પાનની માળા ચઢાવવી. કાળા કૂતરાને તેલ ચોપડીને રોટલી ખવડાવવી. કાળાં કપડાં, કાળા તલ, કાળા અડદ, સરસવ તેલ, લોઢાના ટુકડા વગેરેનું શનિવારના દિવસે દાન કરવું.
શનિની ઉપાસના
શનિની ઉપાસના કરવા માટે નીચે આપેલ મંત્રનો નિયમિત નિશ્ચિત સંખ્યામાં જપ કરવો જોઈએ. જપનો સમય સંધ્યાકાળ તથા કુલ જપસંખ્યા 23000 હોવી જોઈએ.
સામાન્ય મંત્ર
ૐ શં શનૈશ્વરાય નમ:।
શનિ ગ્રહની વિશેષતા
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ જો રોહિણી-શકટનું ભેદન કરી દે તો પૃથ્વી પર બાર વર્ષ દુષ્કાળ પડે અને પ્રાણીઓના બચવાની શક્યતાઓ ઘટી જાય. શનિ જ્યારે રોહિણીને ભેદીને આગળ વધે ત્યારે આવો યોગ આવે છે.
આવો જ યોગ મહારાજ દશરથના સમયમાં આવ્યો હતો. જ્યારે જ્યોતિષીઓએ મહારાજ દશરથને જણાવ્યું હતું કે જો શનિનો યોગ આવી જશે તો પ્રજા અન્ન-જળ વગર તડપી તડપીને મરી જશે. પ્રજાને આ કષ્ટથી બચાવવા માટે મહારાજ દશરથ પોતાના રથ પર સવાર થઈને નક્ષત્રમંડળમાં પહોંચ્યા. સૌથી પહેલાં મહારાજ દશરથે શનિદેવતાને પ્રણામ કર્યા અને પછી તેઓએ ક્ષત્રિય ધર્મ અનુસાર તેમની સાથે યુદ્ધ કરતી વખતે સંહારાસ્ત્રનું સંધાન કર્યું. શનિદેવતા મહારાજની કર્તવ્યનિષ્ઠાથી પ્રસન્ન થયા અને તેમને વરદાન માગવા કહ્યું. મહારાજ દશરથે વરદાન માગ્યું કે જ્યાં સુધી સૂર્ય, નક્ષત્ર વગેરે વિદ્યમાન છે ત્યાં સુધી તમે શકટ ભેદશો નહીં. શનિદેવે વરદાન આપીને સંતુષ્ટ કર્યા.
ગુજરાતમાં શનિદેવનું જન્મસ્થાન
ગુજરાતમાં પોરબંદરથી 27 કિમી દૂર જામનગર રોડ પર આવેલ ભાગવદર ગામના અંદરના ભાગે છ કિલોમીટર દૂર આવેલ હાથલા ગામને શનિ મહારાજનું જન્મસ્થળ માનવામાં આવે છે. જ્યારે નર્મદાના કાંઠે વડોદરા અને રાજપીપળા વચ્ચે શિનોરવા નવા બ્રીજવાળા માર્ગે નાની-મોટી પનોતીનું પૌરાણિક મંદિર આવેલું છે, જે ખૂબ જ પ્રચલિત છે. – પ્રશાંત પટેલ
શનિધામ શિંગણાપુર
ભારતમાં સૂર્યપુત્ર શ્રી શનિદેવનાં મંદિરો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન વગેરે સ્થળોએ આવેલાં છે. તેમાંથી સૌથી મુખ્ય મંદિર છે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલ શિંગણાપુરનું શનિમંદિર. આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ચૂકેલા આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયાં સ્થિત શનિદેવની પાષાણ પ્રતિમા કોઈ પણ જાતના છત્ર અથવા ગુંબજ વિના ખુલ્લા આકાશ નીચે એક સંગેમરમર (આરસપહાણ)ના ચબૂતરા પર બિરાજમાન છે. શિંગણાપુરના આ ચમત્કારી શનિમંદિરમાં સ્થિત શનિદેવની પ્રતિમા લગભગ પાંચ ફૂટ નવ ઈંચ ઊંચી તથા એક ફૂટ છ ઈંચ પહોળી છે. દેશ-વિદેશથી શનિભક્તો એટલે કે શ્રદ્ધાળુઓ આવીને શનિદેવની આ દુર્લભ પ્રતિમાનાં દર્શનનો લાભ ઉઠાવે છે. જોકે, આ મંદિરમાં સ્ત્રીઓનું શનિપ્રતિમા નજીક જવું વર્જ્ય છે. આથી સ્ત્રીઓ દૂરથી જ શનિદેવનાં દર્શન કરે છે. સવાર હોય કે સાંજ, ઠંડી હોય કે ગરમી શનિપ્રતિમા નજીક જવા માટે પુરુષોએ સ્નાન કરીને પીતામ્બર ધોતી ધારણ કરવી જરૂરી છે, કારણ કે આમ કર્યા વગર તેમને સ્પર્શ કરી શકાતો નથી.
શિંગણાપુરની ખાસિયત
શિંગણાપુરના મોટાભાગનાં ઘરોમાં બારી-દરવાજા અને તિજોરી જોવા મળતાં નથી. દરવાજાની જગ્યાએ જોવા મળે તો પણ ખાલી પડદા. આવું એટલા માટે કે ત્યાં ચોરી થતી નથી. એવું કહેવાય છે કે જે પણ ચોરી કરે છે તેને શનિ મહારાજ સ્વયં સજા આપે છે. આથી ગામના લોકો પર શનિદેવની કૃપા છે અને ચોરીનો કોઈ જાતનો ભય જ નથી, તો પછી બારી-દરવાજા કે તિજોરીનું શું કામ?