દુ:ખ આઘાતનું પરિણામ છે. જે મન શાંત છે, જેણે જીવનની રોજિંદી ઘટમાળને સ્વીકારી લીધી છે તેને તે ક્ષણભર માટે હલબલાવી નાંખે છે. કંઈક એવું બને છે જેમ કે કોઈનું મૃત્યુ, કામ ધંધો ગુમાવવો વગેરેથી મન અશાંત થઈ જાય છે, પરંતુ આવું અશાંત મન શું કરે છે? તે ફરી શાંત થવા મથે છે; તે બીજી કોઈ માન્યતાનો આશરો લે છે, વધારે સુરક્ષિત નોકરી કે કામ શોધે છે, નવા સંબંધો બાંધે છે. ફરી જીવનનું મોજું ધસમસતું આવે છે આમ ચાલ્યા કરે છે. આ પ્રજ્ઞાપૂર્વકનો માર્ગ ન ગણાય, બરાબર?
બાહ્ય કે આંતરિક કોઈ પણ અદમ્ય આવેગ મદદ ન કરી શકે, શું તે કરી શકે? બધા જ આવેગ, ભલે તે ગમે તેટલા અવર્ણ્ય હોય, તે અજ્ઞાનમાંથી ઉદ્ભવે છે, તે બદલો કે સજાના ભયની ઈચ્છામાંથી ઉત્પન્ન થાય છે, આ પિંજરાની પ્રકૃતિને સમગ્રપણે સમજવી એટલે જ તેનાથી મુક્ત થવું. કોઈ વ્યક્તિ, પદ્ધતિ, માન્યતા તમને તેનાથી મુક્ત કરી ન શકે. તેનું ખરેખરું સત્ય એ જ તેનાથી મુક્ત કરતું પરિબળ છે, પરંતુ કોઈ તમને સમજાવે અને તમે સમજો તેમ નહીં, તેને જાતે જ જોવું અને સમજવું પડે.
દુ:ખનો અંત
તમે રસ્તા પર ચાલો તો તમને પ્રકૃતિનો વૈભવ જોવા મળશે, લીલાંછમ ખેતરોનું અસાધારણ સૌંદર્ય અને ખુલ્લા આકાશની ભવ્યતા જોવા મળશે, પરંતુ એ બધું હોવા છતાં મનમાં દુ:ખનો એક ભાવ છે. બાળક ધારણ કરેલી સ્ત્રીની મનોવ્યથા હોય છે, જ્યારે તમે કંઈક થવાની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હો અને તે ન થાય તેમાં દુ:ખ છે. રાષ્ટ્ર ધ્વસ્ત થતો જાય તેમાં દુ:ખ છે અને ભ્રષ્ટાચારનું પણ દુ:ખ છે, કેવળ સમૂહમાં થતા ભ્રષ્ટાચારનું દુ:ખ છે એવું નથી, વ્યક્તિગત સ્તરે પણ સડો છે. તમારા પોતાના ઘરમાં પણ દુ:ખ છે, જો તમે ધ્યાનથી જુઓ તો ઘર ચલાવી ન શકવાનું દુ:ખ, તમારી પોતાની તુચ્છતા કે અસમર્થતાનું દુ:ખ અને ઘણાં અજાણ્યાં દુ:ખો છે.
જીવનમાં હાસ્ય નથી. હાસ્ય સુંદર બાબત છે, કારણ વગર હસવું, આપણા હૃદયમાં કોઈ કારણ વગર આનંદ હોય, બદલામાં કંઈ મેળવવાની આશા વગર પ્રેમ કરવો એ સુંદર બાબત છે, પરંતુ આપણે આવું નિર્ભેળ હાસ્ય આપણી અંદર અનુભવતા નથી. આપણે દુ:ખના બોજ નીચે દબાઈ ગયા છીએ. આપણું જીવન દુર્દશા અને સંઘર્ષની પ્રક્રિયા બની ગઈ છે. અવિરત વિખૂટું પડી જતું અને મોટાભાગે આપણે આપણા સમગ્ર અસ્તિત્વથી પ્રેમ કરવો એટલે શું તે ક્યારેય જાણવા પામતા નથી. આપણે ઉકેલ શોધવા માંગીએ છીએ, કોઈ સાધન, કોઈ પદ્ધતિ કે જેથી જીવનના આ બોજને દૂર કરી શકાય અને આથી જ આપણે વાસ્તવમાં ક્યારેય દુ:ખને જોતા જ નથી. આપણે દંતકથા જેવી કાલ્પનિક વસ્તુઓ દ્વારા, મનમાં ધરાવતા હોઈએ એવી પ્રતિમા દ્વારા કે અટકળ કરીને છટકી જવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે આ બોજને ટાળવાનો, દુ:ખના તે બોજથી દૂર રહેવાનો કોઈ ઉપાય મળશે એવી આશા રાખીએ છીએ. દુ:ખનો અંત છે, પરંતુ કોઈ રીત કે પદ્ધતિથી દુ:ખનો અંત આવતો નથી. જે છે તેની સમજણ હોય ત્યારે દુ:ખ રહેતું નથી.