મોક્ષદાયીની ગંગાનું સ્વર્ગ પરથી પૃથ્વી પર અવતરણનું પાવન પર્વ એટલે ગંગા દશહરા (દશેરા). ગંગા ભારતીય સંસ્કૃતિના ગૌરવનું પ્રતીક અને કુદરતની મૂલ્યવાન સંપદા પણ છે. પતિત પાવની ગંગાનું મૂલ્ય શબ્દોમાં જેટલું આંકીએ તેટલું ઓછું છે. પૃથ્વી પર અવતરિત થઈને સૌને સુખ, સમૃદ્ધિ અને શીતળતા આપનાર ગંગા માત્ર પૃથ્વીને હરિયાળી નથી કરતી, પણ ધાર્મિક દૃષ્ટિએ પણ તેની મહત્તા અનેરી છે. ગંગાજીની મહત્તાનું પ્રમાણ વાલ્મીકિનાં કાવ્ય, બુદ્ધ-મહાવીરના વિહાર અને કબીરજીની વાણી, તુલસીજીની રચના વગેરેમાં જોવા મળે છે.
જીવમાત્રના કલ્યાણ હેતુ સ્વર્ગ પરથી પૃથ્વી પર ગંગાનું અવતર થયું. ગંગાનું આપણી ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક દૃષ્ટિએ અનેરું મહત્ત્વ છે. તુલસીદાસે ગંગા નદીના કિનારે જ એક કુટિર બાંધીને રામચરિત માનસની રચના કરી હતી. તુલસીદાસજીના ગંગાપ્રેમને લીધે જ બનારસના ગંગાઘાટને તુલસીદાસ ઘાટ કહેવામાં આવે છે. ભર્તૃહરિ, આદિ શંકરાચાર્ય, કવિ રહીમે પણ ગંગાનું ગુણગાન કર્યું છે. કવિ કાલિદાસે લખ્યું છે કે, `ગંગા વિના હિમાલયની કલ્પના જ ન કરી શકાય.’ રઘુવંશમમાં નદીના અલૌકિક સૌંદર્ય પર સાત ઉપમા આપી છે. બાણભટ્ટે પણ ગંગા નદીની યશગાથા ગાઈ છે. શ્રીમદ ભગવદ્ પુરાણ, મહાભારત, રામાયણ વગેરે મહાન ગ્રંથોમાં પણ ગંગાનો મહિમા ગાવામાં આવ્યો છે.
ગંગા અવતરણની કથા
ગંગા અવતરણનો ઉદેશ જ માનવજાતના ઉદ્વાર માટે થયો હતો. અયોધ્યાના રાજા સગરે એકવાર અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું હતું અને ઘોડાને ભમ્રણ કરવા માટે છોડી દીધો. ઘોડાની રક્ષા કરવા માટે તેમણે તેમના ૬0 હજાર પુત્રોને પણ સાથે મોકલ્યા ત્યારે ઈન્દ્રદેવે એક ષડ્યંત્ર રચ્યું અને તેમણે સગરના અશ્વમેધના ઘોડાને પકડાવીને કપિલમુનિના આશ્રમમાં બાંધી દીધો. ત્યારે સાઠ હજાર પુત્રો અશ્વને શોધતાં શોધતાં કપિલમુનિના આશ્રમમાં પહોંચે છે. રાજા ઈન્દ્રએ આ ૬0 હજાર પુત્રોને બાળીને ભષ્મ કરી નાખ્યા ત્યારે સગર રાજાએ તેમના પૌત્ર અશુંમાનને અશ્વની અને પુત્રોની ભાળ મેળવવા માટે મોકલ્યો. તે અશ્વની શોધમાં કપિલમુનિના આશ્રમમાં પહોંચી ગયો અને તેણે પોતાના અશ્વમેધના ઘોડાને ત્યાં ચરતો જોયો. તેણે સગર રાજાના પુત્રો વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે તેઓ તો બળીને ભષ્મ થઈ ગયા છે. કપિલ મુનિએ કહ્યું કે પતિત પાવની મોક્ષદાયિની ગંગા જ આ ૬0 હજાર પુત્રોનો ઉદ્વાર કરી શકશે.
અંશુમાને ગંગાને ધરતી પર ઉતારવા માટે આકરું તપ શરૂ કર્યું, પણ ગંગામાતા પ્રસન્ન ન થયાં. ત્યારબાદ તેમના પુત્ર દિલીપે તપ કર્યું તો પણ ગંગામાતા પ્રસન્ન ન થયા. ત્યારબાદ દિલીપના ધર્માત્મા પુત્ર ભગીરથે ગંગામાતાને રીઝવવા માટે આકરું તપ કર્યું અને ગંગામાતા પ્રસન્ન થયાં, પરંતુ ગંગાનો પ્રવાહ એટલો વેગીલો હતો કે જો પૃથ્વી પર પ્રવાહને ઝીલનાર કોઈ ન હોય તો ગંગા પૃથ્વીનું પડ તોડીને પાતાળમાં સમાઈ જાય અને પછી તે માનવજાતની ઉદ્વારક ન બની શકે. ત્યારે ભગીરથે ભગવાન શંકરને ગંગાને પોતાની જટામાં ઝીલવા માટે તપ કરીને પ્રસન્ન કર્યા અને શંકર ભગવાને જટામાં ગંગાને ઝીલી, તેથી શિવને ગંગાધરાય કે ગંગેશ્વર પણ કહેવાય છે. ગંગા સ્વર્ગલોકથી ઊતરી હોવાથી તેને પાપમાંથી મુક્તિ અપાવનાર અને મોક્ષદાયિની કહેવામાં આવે છે, તેથી ગંગા નદીમાં સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે. તેમાં પણ ગંગા દશહરના પર્વ પર તો ગંગાના સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. આ પર્વ પર લાખોની સંખ્યામાં ભાવિકો ગંગા નદીમાં ડૂબકી લગાવે છે અને મોક્ષની યાચના કરે છે.
કેવી રીતે કરશો ગંગામાતાનું પૂજન?
સ્વચ્છ, પવિત્ર કપડાં ધારણ કરીને સંકલ્પ સાથે દસ વખત ગંગામા કે અન્ય પવિત્ર નદીમાં ડૂબકી લગાવો. પછી પિતૃતર્પણ કરો અને ઘી લગાવેલ કાળા તલ નદીના જળમાં અર્પણ કરો. ત્યારબાદ માટી કે ધાતુની બનેલી ગંગામાતાની મૂર્તિનું ષોડશોપચારે પૂજન કરો. ત્યારબાદ સૂર્ય, શિવ, બ્રહ્મા, રાજા ભગીરથનું પણ ષોડશોપચારે પૂજન કરો. પૂજામાં જે પણ સામગ્રી લો તેનો આંક દસ રાખવો. આ રીતે દસ દીપક, દસ ફૂલ, દસ નૈવેદ્ય, દસ પાન, દસ બ્રાહ્મણને દાન આપો. તેમાં પણ જ્યોતિષશાસ્ત્ર મુજબ સોળ મુઠ્ઠી તલ દાનમાં આપવાથી વધારે લાભ થાય છે. તદુપરાંત લોટમાંથી કે માટીમાંથી માછલી બનાવીને તેને જળમાં પ્રવાહિત કરી દેવાનું પણ વિધાન છે. પૂજા કર્યા બાદ દીપકને પણ જળમાં પ્રવાહિત કરી દો. ધર્મગ્રંથો અનુસાર ગંગાદશેરાના દિવસે જે વ્યક્તિ વિધિવિધાન સાથે અને ભાવપૂર્વક ગંગામાતાનું પૂજન કરે છે તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને મોક્ષના અધિકારી બને છે. મનુષ્યને મુક્તિ આપનાર ગંગા અતુલ્ય અને અણમોલ છે.
નમામિ ગંગે તવ પાદપંકજં
સુરાસુરૈવેન્દિત દિવ્યરુપમ્।
ભુક્તિં ય મુક્તિં ય દદાસિ નિત્યં
ભાવાનુસારેણ સદા નરાણામ્॥
અર્થાત્, હે માતા ગંગે! દેવતાઓ અને રાક્ષસોથી વંદિત આપનાં દિવ્ય ચરણકમળોમાં નમસ્કાર કરું છું, જે મનુષ્યોને નિત્ય તેના ભાવનાસુર ભક્તિ અને મુક્તિ પ્રદાન કરે છે.
ગંગાજી દેવનદી છે. તે મનુષ્ય માત્રના કલ્યાણ માટે ધરતી પર આવી. ધરતી પર તેનું અવતરણ જ્યેષ્ઠ શુક્લપક્ષની દશમના રોજ થયું, તેથી આ તિથિ તેમના નામ પર ગંગા દશહરાના નામથી જાણીતી બની.
દશમી શુક્લપક્ષે તુ જ્યેષ્ઠ માસે બુધેડ હતિ।
અવતીર્ણા યત: સ્વર્ગાદહસ્તક્ષૈં ચ સરિદ્વારા॥
આ તિથિના દિવસે જો સોમવાર અને હસ્ત નક્ષત્ર હોય તો તે તિથિ સઘળાં પાપોનું હરણ કરનારી હોય છે.
જ્યેષ્ઠ શુક્લ દશમ્યાં તુ ભવેત્સૌમ્યદિનં યદિ।
જ્ઞેયા હસ્તક્ષૈં સંયુક્તા સર્વપાપહરા તિથિ:॥
જ્યેષ્ઠ શુક્લ દશમી સંવત્સરનું મુખ કહેવામાં આવે છે. આ દિવસે સ્નાન અને દાનનું મહત્ત્વ વિશેષ છે.
જ્યેષ્ઠસ્ય શુક્લા દશમી સંવત્સર મુખા સ્મૃતા।
તસ્યાં સ્નાનં પ્રફુર્વિત દાનં મૈવ વિશેષત:॥
આ તિથિના દિવસે ગંગાસ્નાન અને શ્રી ગંગાજીના પૂજનથી દસ પ્રકારનાં પાપો (ત્રણ કાપિક, ચાર વાચિક તથા ત્રણ માનસિક)નો નાશ થાય છે. માટે જ તેને દશહરા કહેવામાં આવે છે.
જ્યેષ્ઠે માસિ સિતે પક્ષે દશમી હસ્ત સંયુતા।
હસ્તે દશ પાપાનિ તસ્માદ્ દશહરા સ્મૃતા॥ (બ્રહ્મપુરાણ)
આ દિવસે ગંગાજીમાં અથવા સામર્થ્ય ન હોય તો નજીકની કોઈ નદી અથવા સરોવરના જળમાં સ્નાન કરી અભયમુદ્રાયુક્ત મકરવાહિની ગંગાજીનું ધ્યાન કરવું અને નીચેના મંત્ર થકી આવાહનાદિ ષોડશોપચારે પૂજન કરવું.
ૐ નમ: શિવયૈ નારાયણ્યૈ દશહરાયૈ ગંગાયૈ નમ:।
આ મંત્રમાં `નમ:’ ના સ્થાને `સ્વાહા’ શબ્દનો ઉપયોગ કરીને હવન પણ કરી શકાય. તે પછી પાંચ પુષ્પાંજલિ અર્પણ કરીને ગંગાજીના ઉત્પત્તિસ્થાન હિમાલય અને તેને પૃથ્વી પર લાવનાર ભગીરથના નામમંત્રથી પૂનજ કરવું જોઈએ. પૂજામાં દસ પ્રકારનાં પુષ્પ, દશાંગ ધૂપ, હસ્તદીપક, દસ પ્રકારનાં નૈવેદ્ય, દસ તાંબુલ અને દસ ફળ હોવાં જોઈએ. બ્રાહ્મણોને દક્ષિણા આપવી જોઈએ. દાનમાં જવ અને તલની સોળ-સોળ મુઠ્ઠી આપવી.
ભગવતી ગંગાજી સર્વ પાપહારિણી છે, તેથી દસ પ્રકારનાં પાપોની નિવૃત્તિ માટે સઘળી વસ્તુઓ દસની સંખ્યામાં જ આપવી જોઈએ. સ્નાન કરતી વખતે દસ વખત ડૂબકી મારવી જોઈએ. આ દિવસે ગંગાવતરણની કથા સાંભળવાનું પણ એક માહાત્મ્ય છે.