`ઉત્ક્રાંતિ’ શબ્દનો અર્થ છે કે કોઈ વસ્તુ ધીમે ધીમે પોતાને ઉચ્ચ સંભાવનામાં રૂપાંતરિત કરે છે. ચાર્લ્સ ડાર્વિને કહ્યું કે તમે બધા વાંદરાં હતાં અને પછી તમારી પૂંછડી પડી ગઈ અને તમે માનવ બની ગયા, તમે વાર્તા જાણો છો? જ્યારે તમે વાંદરાં હતાં, ત્યારે તમે માણસ બનવાનું પસંદ નહોતું કર્યું. બસ પ્રકૃતિએ તમને આગળ ધકેલ્યા. જ્યારે તમે પ્રાણી સ્વભાવમાં હોવ છો, ત્યારે ઉત્ક્રાંતિ આમ પણ થાય જ છે. તમારે ખરેખર તેમાં ભાગ લેવાની જરૂર નથી, પણ એકવાર તમે માનવ બનો છો, એકવાર ચેતનાનું એક નિશ્ચિત સ્તર આવી જાય છે, ત્યારે તમારા માટે કોઈ અજાગરૂક ઉત્ક્રાંતિ બાકી રહેતી નથી. જો જાગરૂક રીતે ઝંખના કરશો, તો જ તે થશે.
જો તમે જરૂરી જાગરૂકતા સાથે તેને જુઓ, તો તમે જોઈ શકશો કે જીવનની પ્રક્રિયા જેને આપણે જીવવાની પ્રક્રિયા કહીએ છીએ, તે પોતે જ એ એક ચોક્કસ ઝંખના છે, સમાવેશ કરવાની, વિકસવાની અને આપણા પરમ સ્વભાવમાં વિકસવાની એક ચોક્કસ ઝંખના છે. અસ્તિત્વનો સ્વભાવ એવો છે કે તે પરમ પરિમાણ સુધી પહોંચવા માંગે છે, તે પરિમાણ જે પણ હોય.
આ માનવીય મુશ્કેલી છે. આ મારી બનાવેલી વસ્તુ નથી. પ્રકૃતિ ચિમ્પાન્ઝીને માનવ બનાવવાની વ્યવસ્થા કરી રહી છે. હું બસ માનવીય ઝંખનાને કંઈક બીજામાં વિકસવા માટે સેવા આપી રહ્યો છું. એ જીવનનો પોતાનો વિચાર છે કે દરેક વસ્તુ વિકસવી જોઈએ. અમે બસ એ વિચારની સેવા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, કેમ કે જો તમે જીવન પ્રક્રિયાની સાથે નહીં ચાલો, તો તમે બસ તેના દ્વારા કચડાઈ જશો. બીજું કંઈ નહીં થાય, કેમ કે તે ખૂબ મોટી શક્તિ છે. એ એવી વસ્તુ નથી જેની સાથે તમે લડો, એ એવી વસ્તુ છે જેની સાથે તમે જાઓ છો. તમે જાણતા નથી કે તે ક્યાંથી શરૂ થાય છે કે ક્યાં સમાપ્ત થાય છે, પણ તે ચાલુ છે. તે સતત અત્યારે જે છે તેનાથી કંઈક વધુ બનવાની ઝંખના કરે છે.
આ શક્તિનું સ્પંદન જ છે જે ડાર્વિને અનુભવ્યું કે દરેક વસ્તુ આગળ વધવાની ઝંખના કરે છે. તેમણે પોતાની રીતે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, જે ઉત્ક્રાંતિનો સિદ્ધાંત બન્યો, પણ મુખ્યત્વે તે તમને જે કહે છે તે એ છે કે જો તમે આખી વસ્તુને જુઓ, એક કોષીય પ્રાણીથી તમારા સુધી, એક મોટી જીવન પ્રક્રિયા તરીકે, તો તે સતત લાખો વર્ષોથી પ્રયત્નશીલ રહી છે. તે એવા બિંદુએ પહોંચી છે જ્યાં તમે સપાટી પર તરો છો. હવે તમે એવા બિંદુએ પહોંચ્યા છો કે જો તમારી પાસે કામ કરતી બુદ્ધિમત્તા હોય, તો હું માનું છું કે તમે આ ક્ષમતાનો ઉપયોગ આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કરશો. તમે બસ પ્રકૃતિમાં થઈ રહેલી ઉત્ક્રાંતિની ઝડપે જ આગળ વધવા માંગતા નથી. આધ્યાત્મિક પ્રક્રિયા બસ જીવનની ઈચ્છાને ઝડપી બનાવવાની વાત કરે છે. આપણે જીવનની ઈચ્છાને અલગ સંભાવનામાં આગળ વધવા માટે ઊર્જા આપી રહ્યા છીએ. જીવ વિજ્ઞાનના શબ્દનો ઉપયોગ કરીએ તો, તમે મ્યુટેટ થવા માંગો છો. જો તમે આ જન્મમાં મુક્તિ જાણવા માંગતા હોવ, તો તમારે ચોક્કસપણે મ્યુટેટ કરવાની જરૂર છે, કારણ કે ઉત્ક્રાંતિ એક લાંબી પ્રક્રિયા છે.
જ્યારે તમે કોઈ ચોક્કસ જગ્યાએ બેસો છો અથવા કોઈ ચોક્કસ ઊર્જાની હાજરીમાં બેસો છો જે તમે છો તેનાથી મોટી સંભાવના લાગે છે, તો તે સમય બસ બેસવાનો છે. તે કંઈક માંગવાનો સમય નથી. જો તમે બસ બેસશો, તો તમને ખૂબ ઝડપથી વિકસવા માટે, એક પરિમાણથી બીજા પરિમાણમાં મ્યુટેટ કરવા માટે જરૂરી પોષણ મળશે. એકવાર તમે કોઈ ચોક્કસ સંભાવનામાં વિકસો, પછી તે પરિમાણમાં જે શક્ય છે તે બધું જ આમેય તમારી સાથે થશે જ. ધ્યાન કરવું, મંદિરમાં જવું અથવા ગુરુ સાથે બેસવું એ માંગવાનો સમય નથી, તે આત્મસાત્ કરવાનો અને તમારી જાતને ઉચ્ચ સંભાવનામાં જવાની છૂટ આપવાનો સમય છે.