નટરાજ શબ્દ એક સંસ્કૃત નામ છે. ભગવાન શિવનું બીજું નામ પણ નટરાજ છે. નટનો અર્થ નૃત્ય, નાટક અને કાર્ય થાય છે તેમજ રાજનો અર્થ રાજા કે સ્વામી થાય છે. નટ અને રાજને જોડતાં નટરાજ બને છે. મૂળ ભગવાન શિવને એટલે કે નટરાજને નૃત્યના ભગવાન કે રાજા તરીકે ઓળખવામાં આવે છે. આપણા ભારતમાં નટરાજનાં મંદિરો ખૂબ જ ઓછાં જોવા મળે છે. અલબત્ત, ભગવાન શિવજીનાં મંદિરો ઘણાં છે, જેમાં શિવલિંગ જોવા મળે છે, પરંતુ તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લાના ચિદમ્બરમમાં આવેલા મંદિરમાં ભગવાન શિવની નટરાજ સ્વરૂપની પ્રતિમા છે, જે મંદિરને વધુ અલૌકિક બનાવે છે. વધુમાં આ મંદિરમાં નટરાજને આકર્ષક આભૂષણોથી સજાવવામાં પણ આવ્યા છે.
આ મંદિર ચેન્નઇથી અંદાજિત માત્ર 2૫0 કિમી. દૂર આવેલું છે.
નટરાજ મંદિર ભારતના ભગવાન શિવજીનાં મુખ્ય મંદિરોમાંથી એક ગણાય છે. આ મંદિરને ચિદમ્બરમ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરને લઇને એવી માન્યતા છે કે, ભગવાન શિવજીએ અહીંયાં આનંદ નૃત્યની પ્રસ્તુતિ કરી હતી.
મંદિરની કલાકૃતિઓ,બનાવટ અને નિર્માણ
નટરાજ મંદિરનું નિર્માણ 10મી શતાબ્દીમાં કરવામાં આવ્યું હતું. જ્યારે ચિદમ્બરમ ચોલ વંશની રાજધાની હતી. ચોલ લોકો ભગવાન શિવજીને નટરાજના રૂપમાં પોતાના પારિવારિક દેવતા માનતા હતા અને તેમની સંપૂર્ણ ભક્તિભાવથી પૂજા-અર્ચના કરતા હતા. સમયાંતરે આ મંદિરમાં થોડા ઘણા સુધારાવધારા કરવામાં આવ્યા હતા. નટરાજ મંદિર અંદાજિત ૪0 એકરમાં ફેલાયેલું જોવા મળે છે. આ મંદિરમાં લગાવવામાં આવેલા મોટાભાગના પથ્થરો અને થાંભલાઓમાં ભગવાન શિવનું અનોખું રૂપ જોવા મળે છે. મંદિરમાં પ્રવેશતાંની સાથે જ આપ સંપૂર્ણ શિવમય બની જાઓ છો. અલબત્ત, મંદિરમાં દરેક જગ્યાઓ પર તમને ભરતનાટ્યમ નૃત્યની મુદ્રાઓ કોતરેલી જોવા મળે છે. દ્રવિડ સંસ્કૃતિથી રંગાયેલા આ મંદિરમાં 10૮ નૃત્યની કલા પણ જોવા મળે છે. આ મંદિરમાં કુલ નવ દ્વાર બનાવવામાં આવ્યાં છે. આ વિશાળ મંદિરના ભવનમાં જ અન્ય બે આકર્ષક મંદિરો જોવા મળે છે. આ મંદિરોમાં ગોવિંદરાજ અને પંદરીગાવાલ્લી મંદિરનો સમાવેશ થાય છે.
આ મંદિર માટે ગૌરવની વાત એ છે કે, આ મંદિરમાં શિવ અને વૈષ્ણવ બંને દેવતાઓ એક જ સ્થાન પર બિરાજમાન છે. નટરાજ મંદિર દેશનું એકમાત્ર મંદિર કહેવામાં આવે છે, જેમાં પાંચ તત્ત્વો જોવા મળે છે. આ મંદિરમાં લગભગ પાંચ સભાઓ જોવા મળે છે. જેમાં ચિટસભા, દેવસભા, નૃત્યસભા અને રાજસભાનો સમાવેશ થાય છે.
પાર્વતીજી અને નટરાજ મંદિર
આ મંદિરને લઇને એવી ધાર્મિક માન્યતા છે કે, આ સ્થાન પહેલાં ભગવાન શ્રી ગોવિંદ રાજાસ્વામીનું હતું. એકવાર ભગવાન શિવ અહીં માત્ર એટલા માટે આવ્યા હતા કે, તેઓ તેમના વચ્ચે અને માતા પાર્વતીની વચ્ચે નૃત્ય પ્રતિસ્પર્ધાના નિર્ણાયક બને. ભગવાન શિવજીની વાત ભગવાન શ્રી ગોવિંદ રાજાસ્વામી માની જાય છે અને નિર્ણાયક બનવા માટે હામી ભરી દે છે. નૃત્ય દરમિયાન ભગવાન શિવજી પોતે વિજયી થાય તે માટે ભગવાન શ્રી ગોવિંદની પાસે યુક્તિ જાણવા જાય છે અને તે દરમિયાન ભગવાન ગોવિંદ રાજાસ્વામી તેમને એક પગ ઉઠાવવાની મુદ્રાનો સંકેત આપે છે. આ મુદ્રા મહિલાઓ માટે વર્જિત હતી. નૃત્યમાં ભગવાન શિવજી જ્યારે એક પગ ઉઠાવીને નૃત્ય કરે છે ત્યારે માતા પાર્વતી હાર માની લે છે. ત્યારબાદ ભગવાન શિવજીનું નટરાજ સ્વરૂપ અહીં સ્થાપિત થયું હોવાનું માનવામાં આવે છે. તેથી જ સમગ્ર મંદિર વિવિધ નટરાજના નૃત્યથી ભરાયેલું જોવા મળે છે.
શિવભક્તો અને નૃત્ય સાથે સંકળાયેલા શ્રદ્ધાળુઓનો મેળાવડો
આ મંદિરમાં શિવભક્તોની સાથે સાથે નૃત્ય સાથે સંકળાયેલા શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. આ મંદિરમાં નૃત્યસાધનાને લઇને પણ ઘણી માહિતીઓ મળે છે. આ મંદિરને વાર-તહેવારે ખૂબ જ આકર્ષક સાજ-શણગાર કરવામાં આવે છે અને ખાસ તહેવાર પર રથયાત્રાનું આયોજન પણ કરવામાં આવે છે. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે.
ચિદમ્બરમ મંદિરના મહત્ત્વના દિવસો
વર્ષ દરમિયાન ફેબ્રુઆરી અને માર્ચના મહિનાઓમાં મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ ચિદમ્બરમ મંદિરમાં શાનદાર વાર્ષિક નૃત્ય મહોત્સવ `નાટ્યાંજલિ’ મનાવવામાં આવે છે. નોંધનીય છે કે, ચિદમ્બરમને `બ્રહ્માંડીય નૃત્યનું શહેર’ પણ કહેવામાં આવે છે. આ મંદિરમાં અરુદ્ર દર્શન ઉત્સવ પણ ધામધૂમથી ઊજવવામાં આવે છે. જેમાં મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે. આ દિવસે વિશેષ પૂજા અનુષ્ઠાન કરવામાં આવે છે. આ તહેવારનું મુખ્ય આકર્ષણ ગર્ભગૃહમાં આવેલી ભગવાન નટરાજની મૂર્તિનું અનાવરણ હોય છે, જેને વર્ષભર ફૂલો અને કપૂરથી ઢાંકવામાં આવે છે. આ સિવાય શ્રાવણ મહિનામાં પણ મંદિરમાં વિશેષ ઉત્સવ મનાવવામાં આવે છે. ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં વર્ષ દરમિયાન ભગવાન શિવના નટરાજના સ્વરૂપને પૂજવા આવતા હોય છે.