ગોભદ્ર શેઠ રાજગૃહી નગરીમાં રહેતા હતા. એમની ધર્મપત્નીનું નામ ભદ્રા હતું. ઘરમાં સંપત્તિની છોળો ઊછળે તોય એના ભોગવનારનો અભાવ વરતાયા કરે. આટલી સંપત્તિ હોવા છતાં ઘરમાં એક બાળકનો અભાવ માણસને કેવો વ્યથિત બનાવી દે છે, એ જોવા માટે આપણે ગોભદ્ર અને ભદ્રા શેઠાણીને જોવાં પડે. રોજ ભગવાનને પ્રાર્થના કરે. પ્રભુ, મારે બીજું કંઈ જોઈતું નથી પણ માત્ર એક પુત્રનું સુખ આપ. મોડી મોડી પણ એની પ્રાર્થના ભગવાને સાંભળી. એના ઘેર દીકરાનો જન્મ થયો. ગોભદ્ર શેઠ તો રાજી રાજી થઈ ગયા. એ વારંવાર ભગવાનનો ઉપકાર માને.
શાલીભદ્ર એનું નામ રાખેલું. નાની ઉંમરમાં એને રમાડવા કોઈ ને કોઈ મળી રહેતું. એ ક્યારેય એકલો તો પડતો જ નહીં. મોટો થયો તો પણ વ્યવસાયની કોઈ ચિંતા એને કરવાની રહેતી નહીં. એમાં પાછા ગોભદ્ર શેઠે એને લાયક સગીરા કન્યાઓ સાથે એના વિવાહ કરાવી દીધા. પછી તો એનો આખો દિવસ પત્નીઓ સાથેના પ્રેમાલાપમાં જ પસાર થતો.
એવામાં એકવાર ભગવાન મહાવીર પ્રભુ રાજગૃહી પધારેલા. નગરજનોની સાથે ગોભદ્ર શેઠ પણ પ્રભુનાં દર્શન વંદન માટે ગયા. ભગવાનની દેશના સાંભળી ભગવાનની મીઠી વાણી સાંભળતાં તો જાણે આપણે પાણી પાણી થઈ જઈએ. ભગવાનની વાતનો સૂર તો એક જ રહેવાનો અસાર સંસારનો ત્યાગ કરો. સંસાર તો કાળો નાગ છે. ક્યારે ડંખ મારશે એની આપણને સમજ પણ પડે નહીં અને સમજ પડે ત્યારે તો ઘણો સમય પસાર થઈ ગયો હોય. પણ પછી શું?
ભગવાનની દેશના સાંભળતા ગોભદ્ર શેઠને એનો પાકો રંગ લાગી ગયો. એમણે તો નક્કી જ કરી લીધું બસ હવે મારે દીક્ષા જ લેવી છે. દીકરો અને એનો પરિવાર ભદ્રા શેઠાણીને ભળાવી દીધા અને પોતે તો ભગવાનની સાથે જ દીક્ષા લઈને ચાલી નીકળ્યા.
ભગવાનની પાસે મોટી ઉંમરે દીક્ષા લીધી, પણ આરાધના સાધનામાં થોડો પણ પ્રમાદ નહીં. સરસ સાધના કરે, પણ ક્યારેક પેલા દીકરાનો રાગ મનમાં આવી જાય. એમ કરતાં શુભ ધ્યાનમાં આયુષ્ય પૂર્ણ થયું અને એ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
દેવોની એક પદ્ધતિ હોય છે કે એ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે વિચાર કરે કે હું ક્યાંથી આવ્યો છું. ગયા ભવમાં હું ક્યાં હતો. એમની પાસે આગળ પાછળનો બોધ થાય એવું વિશિષ્ટ જ્ઞાન હોય છે. એનાથી એમને તરત જ પોતાનો પૂર્વ ભવ રીતસરનો દેખાય. પેલા દેવને પણ ગોભદ્ર શેઠ પછી મુનિ, પોતાનાં પત્ની ભદ્રા શેઠાણી, શાલીભદ્ર વગેરે દેખાયાં. દીકરા માટેનો પ્રબળ રાગ દેખાયો.
હવે એમને વિચાર આવે છે, સામાન્ય માનવબાળમાં અને આનામાં કંઈક વિશેષતા હોય તો મજા જ શું આવે? કંઈક નવું કરું.
એક શાલીભદ્ર અને એની બત્રીસ પત્નીઓ એમ તેંત્રીસ જણ થયાં. દરેકના માટે કપડાંની એક જોડ, આભૂષણોનો દેવે મોકલવાની ચાલુ કરી. દેવને કંઈ ફરક ન પડે, પણ માણસને તો પડેને!
એ સિવાયના ઘરનો બધો વહીવટ એમનાં માતા ભદ્રા શેઠાણી કરતાં. શાલીભદ્રને તો માત્ર સુખાનુભૂતિ જ કરવાની રહેતી.
એક દિવસની ઘટના છે. કાશ્મીરથી સાલ-રત્નકંબલ વેચવા માટે બે માણસો રાજગૃહી આવેલા. આ કંબલ વિશિષ્ટ હતી. ઠંડીમાં ઓઢો તો ગરમી આપે અને ગરમીમાં ઓઢવામાં આવે તો ઠંડક આપે. આવી વાતાનુલિત કામળી-સાલ હતી તો એની કિંમત પણ સારી જ હોય ને. આવી મોટી કિંમત ચૂકવવાની કોની તૈયારી હોય? પેલા વેપારીનું એવું માનવું હતું કે આમાંથી બે-ચાર પણ વેચાશે તો તો આપણને સારો નફો મળશે.
આખા નગરમાં ફરવા છતાં એક પણ નંગ વેચાયું નહીં. બિચારા સાવ નિરાશ થઈ ગયા. બંને વાતો કરતા હતા `નામ મોટું પણ કામ ખોટું.’ કેટલી આશા લઈને આવેલા પણ ઠીક. આપણાં ભાગ્ય!
આવી વાત કરતા જઈ રહ્યા હતા. ભદ્રા શેઠાણીના ઘરની નીચેથી પસાર થતા હતા અને એ સમયે શેઠાણી પણ ગવાસમાં ઊભાં હતાં. એમણે એ લોકોની વાત સાંભળી. એમણે વિચાર્યું કે આ માણસો બીજા ગામમાં જઈને રાજગૃહીની ટીકા-ટિપ્પણી કરશે. મારા નગરની નિંદા થશે એ તો કેવી રીતે ચાલે!
શેઠાણીએ એ વેપારીઓને બોલાવ્યા. પૂછ્યું શું વેચવા નીકળ્યા છો?
આ લોકોને હવે વેચવામાં રસ રહ્યો ન હતો, કારણ કે આશા મરી ચૂકી હતી, પણ આ બાઈ પૂછે છે તો વાત કરવી પડશે, એટલે સાવ નીરસપણે એમણે કહ્યું, કામળી-રત્નકંબલ વેચવા આવ્યા છીએ.
કેટલી કંબલ છે. પેલાએ કહ્યુ સોળ છે. એટલે ભદ્રા શેઠાણી થોડા નારાજ થયાં. બસ સોળ જ છે?
અરે ભાઈ! એક પણ વેચાતી નથી ને સોળ તમને ઓછી પડે છે?, મારે બત્રીસ પુત્રવધૂઓ છે એટલે સોળ લઈને શું કરું?, એમની વાત પણ સાચી છે.
સાસુમાએ બધાને સરખા રાખવા પડે. એકને વધારે કે ઓછું આપવાનો વિચાર પણ કરી ન શકાય. એમણે વેપારીઓને કહ્યું, એક કામ કરો, એક એકના બે ટુકડા કરી દો.
બંને એકબીજાના મોં જોવા લાગ્યા. આમાંથી એક એકના બે પીસ કરાવે છે, પણ લેવાના છે? એમણે પૂછ્યું આની કિંમત કેટલી છે, આપ જાણો છો?
ભદ્રા માતાએ પૂછ્યું. કેટલી છે?
એક કંબલની કિંમત સવા લાખ સોનામહોર.
ઠીક છે સોળ કંબલની કિંમત વીસ લાખ જ થશેને? હમણાં જ તમને મળી જશે.
ભદ્રામાતાએ મુનિમજીને ઓર્ડર કરી દીધો. વીસ લાખ સોનામહોર આપી દો. પેલા બેય વેપારીઓ તો વીસ લાખ સોનામહોર લઈ કંબલના બે બે પીસ કરીને રવાના થયા. વિચાર તો આવે જ ને! કે ભઈ રાજા જેવો રાજા એક નંગ ન લઈ શક્યો અને બાઈને સોળ કંબલ ઓછી પડી તો આપણે પાંત્રીસ લાવ્યા હોત તો કેટલો લાભ થાત!
ભદ્રા શેઠાણીએ બત્રીસ પીસ બત્રીસ પુત્રવધૂઓને આપ્યા. હાથમાં લીધી રૂમાલની જેમ વાપરીને ખાળમાં ફેંકી દીધી. શું કરવા રાખે? રોજ વસ્ત્રો અને આભૂષણો નવાં અને તાજાં આવતાં હોય અને તે પણ દેવલોકમાંથી તો પછી આવા વાપરવાનું કોને ગમે!
આ લોકોનો તો આ નિત્યક્રમ હતો. સવારે સફાઈ કરવા માટે નિયુક્ત કરેલી એક બાઈ આવી. એણે પેલી કંબલના ટુકડાઓ લઈ લીધા અને વ્યવસ્થિત કંબલ તૈયાર કરીને શરીર ઉપર ઓઢીને રાજમંદિરમાં સફાઈ કરવા ગઈ. મહારાજા શ્રોણિકની પટરાણી ચેલણાએ જોઈ. એની કંબલ જોઈને એને પૂછવાનું મન થયું આ કંબલ ક્યાંથી લાવી?
એણે તો બિચારીએ ભોળા ભાવે કહી દીધું, આ તો પેલાં ભદ્રા શેઠાણીને ઘેર ગઈ તેને ત્યાંથી લાવી.
એને તો ખોટું લાગી ગયું. મારા રાજ્યના સફાઈ કર્મચારીઓ કંબલનો ઉપયોગ કરે એ મને ના મળે અને એમને મળે આ રાજ્યનો ન્યાય કેવો?
એ તો એવી રિસાઈ કે રાજાની સામે પણ ન જુએ અને એના વગર રાજાને ચેન ન પડે. આખરે રાજાએ સાચું કારણ જાણ્યું. ત્યારે એમને વિચાર આવ્યો મારા રાજ્યમાં આવા સમૃદ્ધ માણસો રહે છે?
એ સમયના રાજ્યકર્તાઓને આવા સમૃદ્ધ માણસોને જોઈને આનંદ થતો. એમને ભાવ થયો આપણે આવા માણસનાં દર્શન કરવાં જોઈએ. બીજા જ દિવસે ભદ્રા શેઠાણીને સમાચાર મોકલ્યા કે હું તમારા ઘેર આવું છું.
સમગ્ર રાજ્યનો માલિક આપણા ઘરે આવે તો એમનું સ્વાગત કરવા, એમની સાથે વાત કરવા કોઈ જેન્ટ્સ તો જોઈએને! હવે શું કરવું?
ઘરનો બધો વહીવટ તો ભદ્રામાતા જ કરતાં હોય છે, પણ આવા સમયે તો શાલીભદ્રને હાજર રાખવો પડેને. શ્રોણિક રાજા આવી ગયા. ભદ્રામાતાએ એમનું આતિથ્ય સુંદર રીતે કર્યું. રાજાએ શાલીભદ્રને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. એ તો સાતમા માળ ઉપર રહીને સ્વર્ગીય સુખનો આનંદ અનુભવી રહેલો હતો. ભદ્રામાતાએ એમને વિનંતી કરી આપ ત્રીજા માળ સુધી પધારો, હું એને સાતમા માળથી ત્રીજા માળે લઈ આવું. શ્રોણિક મહારાજને ત્રીજા માળે બેસાડીને ભદ્રામાતા ઉપર ગયાં. ઉપર જઈને એને કહ્યું, નીચે આવો આપણા ઘરે શ્રોણિક આવ્યા છે.
શાલીભદ્રને વહેવારનો કોઈ બોધ નથી. શ્રોણિક શું છે એની પણ એને જાણ નથી. એણે માતાને કહ્યું, જે હોય તે પણ વહીવટ તો તમારે જ કરવાનો છે એમાં મને શા માટે વચ્ચે લાવો છો? તમને જેમ યોગ્ય લાગે એમ કરો.
ત્યારે માતા કહી રહ્યાં છે, દીકરા, આ તો આપણા રાજા છે. એ કંઈ કોઈના ઘરે જાય નહીં, આપણા ઘેર આવ્યા છે એ જ આપણું સદ્ભાગ્ય છે. આવો તમે એમનાં ખબરઅંતર પૂછીને પાછા આવજો.
પેલા વિચાર કરો છે આપણા રાજા-માલિક. આટલું સુખ ખરું પણ સ્વાધીન તો નહીં જ ને!
આવી રીતે કોઈના હાથ નીચે રહેવાનું એ તો કેવી રીતે ચાલે! માતાની સાથે નીચે તો ગયો, પણ એના મનમાંથી આ ભાવ ન ગયો. રાજા પાસે ગયો એનું અભિવાદન કર્યું. શ્રોણિક રાજાને ભાવ જાગ્યો. એને પોતાના ખોળામાં બેસાડી દીધો. શાલીભદ્રની કાયા એટલી બધી સુકુમાર-કોમળ હતી કે રાજાના શરીરની ગરમી એ સહન કરી શકે એમ ન હતો. એના શરીરમાંથી પરસેવો વહેવા માંડ્યો.
ભદ્રામાતાથી રહેવાયું નહીં. એમણે મહારાજાને વિનંતી કરી શાલીભદ્રને હવે જવા દો.
એ ત્યાંથી ગયો પણ સ્વતંત્રતાનો વિચાર તો સાથે જ રહ્યો.
હવે સ્વતંત્રતા માટે એ કેવો જંગ ખેલે છે એ આવતા અંકમાં જોઈશું.