ભક્તિમાર્ગમાં ભાવના વગર સિદ્ધિ મળતી નથી. જ્ઞાનમાર્ગમાં ત્યાગ અને વૈરાગ્યની જરૂર હોય છે.
બાળકને તેના પિતા રૂપિયો આપે છે. પિતા તે પાછો માગે છે. ઘણાં બાળકો રૂપિયો આપતાં નથી. પિતાને દુ:ખ થાય છે. મેં જ રૂપિયો આપ્યો અને મને તે આપતો નથી, પણ જો બાળક રૂપિયો આપે તો પિતાને આનંદ થાય છે. જીવમાત્રના પિતા ઈશ્વર છે. તેણે જે આપ્યું તે જ તેને પાછું આપવાનું છે, તેથી એવો નિયમ લેજો કે ઠાકોરજીને અર્પણ કર્યા વગર હું ખાઈશ નહીં. ઘણીવાર ઘરના બધાને બહાર જમવાનું હોય તો ભગવાનને એકલા દૂધ ઉપર રાખે છે. નાથ, દૂધ જમો મારે આજે મોહનથાળ જમવા જવાનું છે. ઘરમાં કોઈ જમનાર ન હોય, તો પણ ભગવાન માટે રસોઈ બનાવો. કેટલાક કહે છે કે, કથા સાંભળી નાંખી. અરે! કથા સાંભળીને નાંખી દેવાની નથી. કથા કાનમાં રાખવાની છે, કથા હૈયામાં રાખવાની છે.
કોઈ પણ સ્વરૂપની મૂર્તિ રાખી ભાવ અને પ્રેમપૂર્વક સેવા કરો. ચિત્ર સ્વરૂપ કરતાં મૂર્તિ સ્વરૂપ વધારે સારું છે. સેવા કરો ત્યારે એવી ભાવના રાખો કે આ સાક્ષાત્ પરમાત્મા છે. સેવાના આરંભમાં ધ્યાન કરો. સંપત્તિ પ્રમાણે ખર્ચ કરો. સુંદર સિંહાસન બનાવો. ધ્યાન સાથે ભાવના કરો કે ભગવાન વૈકુંઠમાંથી આવે છે. મારા ઘરમાં જે સેવ્ય સ્વરૂપ છે તેમાં ભગવાન પ્રવેશ કરે છે. સેવામાં બેસો ત્યારે કોઈ પણ આવે તેની સાથે બોલશો નહીં. દેહનું ભાન હોય તો તેને નમસ્કાર કરજો. પરમાત્માથી કોઈ શ્રેષ્ઠ નથી. પરમાત્મા સમાન કોઈ નથી તો શ્રેષ્ઠ તો ક્યાંથી હોય?
સેવ્યમાં મનને પરોવી રાખવું એ સેવા છે. તમે શરીરમાં જેવો પ્રેમ રાખો છો એવો ઠાકોરજીના સ્વરૂપમાં પ્રેમ રાખજો. પરમાત્માના અનંત ઉપકાર છે. પ્રભુએ અનેકવાર મારું રક્ષણ કર્યું છે. હું ભગવાનનો દાસાનુદાસ છું. સેવામાં દાસ્યભાવ મુખ્ય છે. નાથ! તમારો નોકર છું, અધમ છું, પણ તમારો છું. દાસ્યભાવ હૃદયને જલદી દીન બનાવે છે અને સેવામાં દૈન્યતા આવે તો હૃદય જલદી પીગળે છે. કૃષ્ણસેવામાં હૃદય ન પીગળે ત્યાં સુધી સેવા સફળ થતી નથી. દાસ્યભાવ વગર સેવા ફળતી નથી. સેવા સ્નેહથી કરો, સમર્પણ ભાવથી કરો. મૂર્તિમાં ભગવતભાવ ન જાગે ત્યાં સુધી પ્રત્યેક પદાર્થમાં ઈશ્વરભાવ જાગશે નહીં. સેવા કરતાં નિષ્ઠા રાખો કે આ તો પ્રત્યક્ષ ઈશ્વર છે.
કોઈ દિવસ પાપ થયું હોય અને સેવા કરો તો તે દિવસે પ્રભુ નારાજ થયેલા દેખાશે. જીવ પાપ કરે છે ત્યારે ઈશ્વરને દુ:ખ થાય છે. પરમાત્માને પરિશ્રમ થાય છે, તેથી શુદ્ધ થઈ જાવ, મન મેલું હશે ત્યાં સુધી સેવામાં આનંદ આવતો નથી. મનમાંથી મલિનતાને કાઢી નાંખો.
સેવામાં કેવી ભાવના અને કેવી દૃઢતા જોઈએ એ બાબતમાં નામદેવ મહારાજની કથા ખૂબ જ રસપ્રદ છે. નામદેવ ત્રણ વર્ષના હતા. ઘરમાં વિઠ્ઠલનાથની પૂજા હતી. પિતાને બહારગામ જવાનું થયું છે, તેથી તેમણે નામદેવને પૂજાનું કામ સોંપ્યું. પિતા સમજવે છે કે બેટા ઘરના માલિક વિઠ્ઠલનાથ છે. તેની સેવા કર્યા વગર ખાઈએ તો પાપ લાગે. નામદેવ પિતાજીને પૂછે છે, બાપુજી ઠાકોરજીની સેવા કેમ કરવી તે મને જણાવો. પિતાજી કહે છે: આ ઘરમાં જે કંઈ છે તે આપણું નથી. વિઠ્ઠલનાથનું છે. સર્વના માલિક વિઠ્ઠલનાથ છે. પ્રસાદરૂપે ગ્રહણ કરીએ તો દોષ લાગે નહીં. ઠાકોરજીને અર્પણ ન કરીએ તો પાપ લાગે. નામદેવ પૂછે છે. વધુમાં તેના પિતાજી ઠાકોરજીની સેવા અંગે સમજાવે છે. બેટા, સવારમાં વહેલા જાગજે.
વેદાંતીઓ બ્રહ્મની વાત કરે છે. જીવ બ્રહ્મ છે. જીવ ભલે બ્રહ્મરૂપ હોય, પણ આજે તો તે દાસ છે. આજે હું દાસ છું. પરમાત્મા મને અપનાવી બ્રહ્મરૂપ બનાવે ત્યારે ખરો, પણ આજે તો હું દાસ છું. દાસ્યભાવથી જીવન સુધરે છે, મરણ સુધરે છે. ભાગવતમાં વાત્સલ્યભાવ, મધુરભાવ વગેરે અનેક ભાવનું વર્ણન કર્યું છે, પણ તે સર્વ ભાવ દાસ્યાભાવ મિશ્રિત છે. દાસ્ય વગર જીવની દયા ઈશ્વરને આવતી નથી.
બેટા, વહેલો ઊઠજે. સ્નાન કરી પવિત્ર થઈ તે પછી ભગવાનની પ્રાર્થના કરવાની. પ્રાર્થના કરી ઠોકરજીને જગાડવા.
ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ,
ઉત્તિષ્ઠ કમલાકાન્ત ત્રૈલોક્યં મંગલં કુરુ!
પણ તે પહેલાં ભોગસામગ્રી તૈયાર રાખજે. વૈષ્ણવના હૃદયમાં પ્રેમભાવ જાગે એટલે ઠાકોરજીને ભૂખ લાગે છે.
ભગવાનનાં ધીરે ધીરે ચરણ પખાળવાં.
યથા દેહે તથા દેવે, યથા દેવે તથા ગુરૌ.
ભગવાનને સ્નાન કરાવી ધીરે ધીરે ઝાંખી કરજે. એવી રીતે ખૂબ સદ્ભાવથી સેવા કરવાની. પછી ભગવાનનો શૃંગાર કરવાનો. પૂછવાનું કયું પીતાંબર લાવું? શૃંગાર કરનારો પ્રભુના સ્વરૂપ સાથે એક બને. પ્રભુએ આપ્યું હોય તો વાપરવામાં સંકોચ ન કરવો. જેવો આનંદ યોગીઓને સમાધિમાં મળે છે તેવો આનંદ ભક્તને ઠાકોરજીના શૃંગારમાં મળે છે. ઉઘાડી આંખે સમાધિ જેવો આનંદ મળે છે. યોગીઓને પ્રાણાયામ, પ્રત્યાહાર કરવા પડે છે, તેમ છતાં મન કોઈ વાર દગો આપે છે.
કનૈયાને વારંવાર પૂછશો તો કનૈયો કહેશે. એટલો સમય જગત ભુલાશે અને પરમાત્મામાં તન્મયતા થશે, તો આનંદ થશે. શૃંગાર કર્યા પછી ભોગ અર્પણ કરવાનો, દૂધ ધરવાનું, વિઠ્ઠલનાથ શરમાળ છે. વારંવાર પ્રાર્થના કરીએ પછી ઠાકોરજી આરોગે છે. તેથી પ્રાર્થના કરવી. નાથ તમને જરૂર નથી, પણ આરોગો તેવી મારી ભાવના છે. અનેકવાર પ્રાર્થના કરીશ, તો ઠાકોરજી દૂધ લેશે.
સેવામાં, ભક્તિમાં પ્રેમ મુખ્ય છે. સેવા ભાવથી કરજો. સેવા પછી પ્રાર્થના કરવાની. નાથ, અજામિલ જેવાનો ઉદ્ધાર કર્યો, તો શું મારો ઉદ્વાર નહીં કરો? નાથ, હું અધમ છું, પાપી છું, પણ અજામિલ જેવો નથી. સ્તુતિ પછી ભગવાનને વંદન કરવાનાં. સ્તુતિમાં કંઈ ભૂલ થઈ હોય તો પ્રણામ કરવાથી તે પરિપૂર્ણ બને છે. સેવાની સમાપ્તિમાં બાલકૃષ્ણને સાષ્ટાંગ પ્રણામ કરવાનાં.
નામદેવ નિર્દોષ બાળક હતાં. પિતાજીએ કહેલી બધી જ વાત સાચી માની લીધી. બાળક નાનો હશે અને તેને સમજાવવામાં આવશે તો મૂર્તિમાં તેને ભગવાન દેખાશે. બાળક મોટી ઉંમરનો થાય તે પછી તેને સમજાવવા જશો તો તે સામો દલીલો કરશે, તેથી નાનપણમાં બાળકોમાં ભક્તિના સંસ્કારો દૃઢ કરજો. નામદેવના મનમાં ઠસી ગયું કે ભગવાન દૂધ પીશે. વાત ઠસી ગઈ કે પરમાત્મા જમે છે.
ભગત થવાતું નથી. ભગતના ગુણ તો જન્મથી જ હોય છે. નામદેવ બાલ્યાવસ્થાથી જ ભક્ત હતા. તે દિવસે રાત્રે નામદેવને ઊંઘ આવતી નથી. સવારે ઠાકોરજીની સેવા મારે કરવાની છે. પ્રાત:કાળમાં ચાર વાગ્યે બાળક ઊઠ્યો છે. ભગવાનને પ્રેમથી જગાડે છે. ભગવાનની સેવા બાળક થઈને કરજો. બાળક નિર્દોષ હોય છે. નામદેવે ઠાકોરજીનાં ચરણ પખાળી સુંદર શણગાર કર્યો છે. વિઠ્ઠલનાથ પ્રસન્ન દેખાય છે. તુલસી અને ગુંજા માળા ઠાકોરજીને પ્રિય છે, તે અર્પણ કરી છે. થોડું આપો તો પણ ઘણું માને એ ઈશ્વર ઘણું આપો અને થોડું માને એ જીવ.
ઠાકોરજીને ગોપીચંદનનું તિલક કર્યું. શૃંગાર થયા પછી ઠાકોરજીને ભૂખ લાગે છે. આપણા હૃદયમાં પ્રેમ હોય તો તે પ્રેમ જ મૂર્તિમાં જાય છે અને મૂર્તિ ચેતન બને છે. પ્રેમ જડને ચેતન બનાવે છે. પ્રેમથી જડ ચેતન અને ચેતન જડ બને છે.
નામદેવ દૂધ લઈ આવ્યો. વિઠ્ઠલ, તમે જગતને જમાડનાર છો. હું તમને શું જમાડી શકું! તમારું તમને અર્પણ કરું છું.
ત્વદીયં વસ્તુ ગોવિન્દ તુભ્યમેવ સમર્પયે।
નામદેવ વારંવાર વિઠ્ઠલનાથને મનાવે છે. વિનવણીઓ કરે છે. નામદેવનો પ્રેમ જોઈ વિઠ્ઠલ પ્રસન્ન થયા છે. વિઠ્ઠલ દૂધ પીતા નથી. કેવળ પ્રેમથી નામદેવને નિહાળે છે. નામદેવ કહે : હું બાળક છું. આજ સુધી સેવા ન કરી તેથી નારાજ થયા છો? દૂધ કેમ પીતાં નથી? જલદી દૂધ પીઓ. તમને ભૂખ લાગી હશે.
શું ખાંડ ઓછી પડે છે તેથી દૂધ નથી પીતા? નામદેવ ઘરમાં જઈ ખાંડ લઈ આવ્યો અને ફરીથી દૂધમાં ખાંડ પધરાવી. જીવ ઈશ્વરને મનાવતો નથી તેથી પરમેશ્વર માનતા નથી. વિઠ્ઠલ તમે દૂધ પીશો નહીં તો હું દૂધ પીવાનું છોડી દઈશ. તમે દૂધ નહીં પીઓ તો તમારા આગળ માથું પછાડીશ. બાળક અતિશય વ્યાકુળ થયો છે. વિઠ્ઠલ દૂધ પીઓ નહીંતર મારા પિતા મને મારશે. બાળક જ્યાં માથું પછાડવા તૈયાર થયો તે જ સમયે પરમાત્માએ દૂધનો કટોરો ઉઠાવ્યો. મૂર્તિ આજે જડ નહીં, પણ ચેતન બની છે. નામદેવના પ્રેમથી વિઠ્ઠલનાથ પણ ખુશ હતા. વિઠ્ઠલ દૂધ પીતા હતા. નામદેવને આનંદ થયો. આશા હતી વિઠ્ઠલનાથ થોડો પ્રસાદ આપશે. વિઠ્ઠલનાથ તમને આજે શું થયું છે? તમે એકલા દૂધ પી જશો? મને દૂધ નહીં આપો? વિઠ્ઠલનાથે નામદેવને ખોળામાં લીધો. નામદેવે વિઠ્ઠલનાથને દૂધ પીવડાવ્યું અને વિઠ્ઠલનાથે નામદેવને દૂધ પીવડાવ્યું.
ભક્તિ, પ્રેમ અને સેવા વગર સફળ થતી નથી. આ પ્રેમમાં એવી શક્તિ છે કે નિષ્કામ સકામ બને છે. નિરાકાર સાકાર બને છે. ઈશ્વર સાથે ખૂબ પ્રેમ કરો. પ્રેમ કરવા લાયક એક ઈશ્વર છે. સેવા કરતાં હૃદય પીગળે અને આંખમાંથી આંસુ નીકળે તો માનજો સેવા કરી. પરમાત્માએ દૂધનો કટોરો ઉઠાવ્યો. મૂર્તિ આજે જડ નહીં પણ ચેતન બની છે. નામદેવના પ્રેમથી વિઠ્ઠલનાથ પણ ખુશ હતા. વિઠ્ઠલ દૂધ પીતા હતા. આ જોઈને નામદેવને આનંદ થયો.