પાકિસ્તાની સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાષણ દરમિયાન પાકિસ્તાન આર્મીના પ્રચાર પાંખ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડીજી અહેમદ શરીફ ચૌધરીએ તાજેતરમાં ભારત વિરોધી નિવેદન આપ્યું હતું. ભારત અંગે હાલમાં જ એક નિવેદન આપ્યુ જે એકદમ આતંકી હાફિઝ સઈદ જેવું જ છે. આવો જાણીએ શું બોલ્યા સૈન્ય પ્રવક્તા.
પાકિસ્તાની સેનાએ હાફીઝ સઇદનો રાગ આલાપ્યો
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાનો ઉલ્લેખ કરતા ચૌધરીએ કહ્યું, જો ભારત અમારું પાણી રોકશો, તો અમે તેના શ્વાસ બંધ કરી દઇશું. શરીફે કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તે માહિતી હજુ સામે આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આ યુદ્ધવિરામ પછીનો વીડિયો છે.
ઉલ્લેખનીય છે કે સિંધુ જળ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદી અને તેની પાંચ ઉપનદીઓ – સતલજ, બિયાસ, રાવી, ઝેલમ અને ચિનાબ – ના પાણીની વહેંચણી અને વ્યવસ્થાપનની શરતો સાથે સંબંધિત છે. આ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયમિત માહિતીના આદાનપ્રદાનને પણ ફરજિયાત બનાવે છે. વિશ્વ બેંક આ સંધિમાં મધ્યસ્થી તરીકે સામેલ છે.
‘લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી’
મહત્વનું છે કે પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન પ્રત્યે સખત વલણ અપનાવી રહ્યું છે. 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે 23 એપ્રિલે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા પગલાં લીધાં, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો પણ સમાવેશ થાય છે. ભારતે પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે ત્યાં સુધી સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, અટારી બોર્ડર પરની ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટને પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી.
7મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યુ
આ પછી, ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જે હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા. ભારતની આ કાર્યવાહીમાં બહાવલપુરમાં જૈશના મુખ્યાલય અને મુરીદકેમાં લશ્કરનો નાશ કરવામાં આવ્યો. પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની હવાઈ કાર્યવાહીમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા. આ પછી પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
પાકિસ્તાન બે દિવસમાં જ ઘૂંટણિયે પડ્યુ
ભારતે પોતાની મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીથી પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલાઓને નિષ્ક્રિય કર્યા એટલું જ નહીં ભારતીય વાયુસેનાએ 23 મિનિટ સુધી તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીને પણ જામ કરી દીધી અને 11 એરબેઝ પર બોમ્બ ફેંક્યા. ભારતે સરગોધા, નૂર ખાન, જેકોબાબાદ અને રહેરયાર ખાન એરબેઝ પર સચોટ હુમલા કરીને પાકિસ્તાનની લશ્કરી શક્તિને દુનિયા સમક્ષ ખુલ્લી પાડી દીધી. ભારતના હુમલા એટલા અસરકારક અને કાર્યક્ષમ હતા કે પાકિસ્તાને બે દિવસમાં ઘૂંટણિયે પડીને યુદ્ધવિરામની અપીલ કરવી પડી.
(disclaimer: અહીં દર્શાવેલો વીડિયો વાયરલ છે. વીડિયો ક્યાં અને ક્યારનો છે તે અંગે સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતુ નથી)