જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના જવાબને જર્મની તરફથી મજબૂત સમર્થન મળ્યું છે. જર્મનીના વિદેશ મંત્રી જ્હોન વાડફૂલેએ આતંકવાદની કડક નિંદા કરતા કહ્યું હતું કે, ભારતને આતંકવાદ સામે સ્વરક્ષણનો સંપૂર્ણ અધિકાર છે. ભારતના વિદેશ મંત્રી જયશંકરે જર્મનીના સમર્થનનું સ્વાગત કર્યું અને કહ્યું કે અમે પ્રશંસા કરીએ છીએ કે જર્મનીએ ભારતના સ્વ-બચાવના અધિકારને સમજ્યો છે. દરેક દેશને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. આ ભાગીદારી અને પરસ્પર વિશ્વાસની નિશાની છે.
આતંકી હુમલાથી અમે પણ આઘાત પામ્યા છીએ
જર્મનીના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલાથી અમે પણ આઘાત પામ્યા છીએ. ભારતને આતંકવાદ સામે ચોક્કસ પોતાનો સ્વ બચાવ કરવાનો અધિકાર છે. જો કે, હકીકત એ પણ છે કે, હવે યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યું છે. જેની અમે ખૂબ પ્રશંસા કરીએ છીએ. તેમણે યુદ્ધવિરામ જાળવી રાખવા અને પરસ્પર વાતચીત દ્વારા ઉકેલ શોધવા પર ભાર મૂક્યો હતો. જર્મન વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને જર્મની વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગ પર નિયમિત વાતચીત થઈ રહી છે અને આવનારા સમયમાં તેને વધુ મજબૂત બનાવવામાં આવશે.
એસ.જયશંકર હાલમાં ત્રણ દેશોના પ્રવાસ પર છે
ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર હાલમાં ત્રણ દેશોના પ્રવાસ પર છે.તેમણે બર્લિનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આતંકવાદ પ્રત્યે ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે.ભારત આતંકવાદને બિલકુલ સહન કરશે નહીં.ભારત ક્યારેય પરમાણુ બ્લેકમેલ સામે ઝૂકશે નહીં.જયશંકરે સ્પષ્ટતા કરી કે ભારત પાકિસ્તાન સાથે ફક્ત દ્વિપક્ષીય માધ્યમથી જ વાત કરશે.કોઈપણ તૃતીય પક્ષ તરફથી કોઈપણ મધ્યસ્થી કે દબાણ સ્વીકારશે નહીં.તેમણે કહ્યું કે આ સંદર્ભમાં કોઈપણ પક્ષે મૂંઝવણ ન હોવી જોઈએ.