ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રદેશના ચિરેબોન વિસ્તારમાં ખાણમાં ખડકો તૂટી પડવાથી મોટી દુર્ઘટના સર્જાઇ છે. આ દુર્ઘટનામાં લગભગ 10 શ્રમિકોના મોત થયા છે. અને 6 શ્રમિકો ઘાયલ થયા છે. ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાથી બચાવકાર્ય શરુ છે. અકસ્માત સમયે ભારે મશીનો પણ ખડકો નીચે દટાયા હતા. અધિકારીઓ સ્થળને અસુરક્ષિત ગણાવી રહ્યા છે. શ્રમિકોનો પરિવાર માટે આ દુઃખની ઘડી છે.
પથ્થરની ખાણ ધસી પડતા મોત
ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રાંતમાં ખાણ સ્થળ પર એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. ચિરેબોન વિસ્તારમાં પથ્થરની ખાણ ધસી પડતા 10 શ્રમિકના મોત અને છ ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ ઘટના માત્ર સલામતી ધોરણોની અજ્ઞાનતાને જ ઉજાગર કરતી નથી. પરંતુ શ્રમિકોની તેમના જીવન પ્રત્યેની બેદરકારી પર પણ પ્રશ્નો ઉભા કરે છે.
સુરક્ષા ધોરણો પર પ્રશ્નો ઉભા થયા
પશ્ચિમ જાવાના ગવર્નર ડેદી મુલ્યાદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને સોશિયલ મીડિયા પર લખ્યું કે ખાણ “શ્રમિકોની સલામતીના ધોરણોને પૂર્ણ કરતી નથી.” તેમણે તપાસની માંગ કરી અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે સરકારે આવા સ્થળોએ કામ કરતા કામદારો માટે કડક સલામતી નિયમો લાગુ કરવા જોઈએ. રાહત કાર્ય શનિવારે પણ રહેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાટમાળમાંથી જ્યાં સુધી શ્રમિકોને બહાર નહી કાઢવામાં આવે ત્યાં સુધી અધિકારીઓ અહીં હાજર રહેશે. આ ઘટનાએ ફરી એકવાર વિકાસશીલ દેશોમાં ખાણકામ ઉદ્યોગમાં ખતરનાક પરિસ્થિતિઓ અને સલામતી પ્રત્યે અજ્ઞાનતા સામે લાવી છે.