ભારતે સિંધુ જળ સંધિને લઈને પાકિસ્તાનને જાહેરમાં ખખડાવી નાખ્યું હતું. શુક્રવારે તાજિકિસ્તાનમાં ગ્લેશિયરો પર સંયુક્ત રાષ્ટ્રોના પહેલા સંમેલન સત્રને સંબોધિત કરતી વખતે પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતે જ આતંકવાદ ફેલાવીને જળ સંધિનું ઉલ્લંઘન કરી રહ્યું છે. હવે તેણે સ્પષ્ટ રીતે એવું કહેવાનું બંધ કરી દેવું જોઈએ કે ભારતે આ સંધિને તોડી છે.
તેમણે જણાવ્યું હતું કે અમને પણ નવાઈ લાગી રહી છે કે પાકિસ્તાન તેના હોદ્દાનો દુરઉપયોગ કરી રહ્યો છે. અમે તેની આ પ્રવૃતિઓની નીંદા કરીયે છીએ. આ એક સત્ય છે કે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા પછી સ્થિતિઓમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે.
તેમણે કહ્યું કે આ પરિવર્તનોમાં ટેકનોલોજીની પ્રગતિ, જનસંખ્યાનું પરિવર્તન, જળવાયુ પરિવર્તન અને બોર્ડર પર આતંકવાદનો ભય આ તમામનો સમાવેશ થાય છે. સંધિ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે આ સંધિને સદભાવના અને મૈત્રિભાવથી સંપન્ન કરવામાં આવી છે. આ સંધિનું સદભાવપૂર્વક સન્માન કરવું જરુરી છે. પાકિસ્તાન આ સંધિનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને તેનો દોષ ભારત પર નાંખી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે શુક્રવારે કહ્યું હતું કે પાકિસ્તાન ભારતને તેના રાજનૈતિક લાભ માટે સિંધુ જળ સંધિને સ્થગિત કરીને લાખો લોકોના જીવનને મુશ્કેલીમાં મુકવા દેશે નહીં. શરિફે એક ન્યુઝ એજન્સી દ્વારા જણાવ્યું હતું કે સિંઘુ જળ સંધિને રોકવાનો ભારતનો નિર્ણય યોગ્ય નથી.