તમે દુ:ખનો સામનો કેવી રીતે કરો છો? મને ડર છે કે મોટાભાગના લોકો તેનો સામનો બહુ ઉપરછલ્લી રીતે કરે છે. આપણને મળેલી તાલીમ, આપણું જ્ઞાન, જેની સામે આપણે ખુલ્લા પડી જઈએ છીએ તે સામાજિક અસરો, આ બધું આપણને છીછરા-ઉપરછલ્લા બનાવે છે. આવું ઉપરછલ્લું મન દેવળમાં પલાયન કરી જાય છે, કોઈ તારણ પર આવે છે, કોઈ કલ્પના, માન્યતા કે વિચારમાં છટકી જાય છે. આ બધાં દુ:ખી મનનાં આશ્રયસ્થાનો છે. અને જો તમને એવો આશ્રય ન મળે તો તમે તમારી આસપાસ એક દીવાલ ચણી લો છો અને સહનશીલ બનો છો, કઠોર બનો છો, ઉદાસીન બનો છો અથવા તમે કોઈ લપસણા પ્રવાહમાં સરી પડો છો, આ તાણભરી પરિસ્થિતિની પ્રતિક્રિયા છે.
દુ:ખની સામે આવા બધા બચાવ આપણને તેની તપાસમાં આગળ વધતાં અટકાવે છે. કૃપા કરીને તમારા પોતાના મનને તપાસો; તમે તમારા દુ:ખને દૂર કરવા શું ઉપાય કરો છો તેનું નિરીક્ષણ કરો. તમે કામકાજમાં કે વિચારોમાં ડૂબી જાઓ છો અથવા ઈશ્વરની કોઈ માન્યતાને વળગી રહો છો કે પછી ભાવિ જીવનના ખ્યાલમાં રાચો છો. અને જો કોઈ ખુલાસો ન મળે તો, કોઈ માન્યતા સંતોષકારક ન લાગે તો તમે કેફી પીણાં, જાતીય સમાગમમાં પલાયન કરો છો અથવા લપસણા પ્રવાહમાં સરી પડો છો, કઠોર, કટુ થઈ જાઓ છો અથવા ભાંગી પડો છો. પેઢી દર પેઢી માતાપિતા પોતાનાં સંતાનોને એ વારસામાં આપે છે, અને ઉપરછલ્લું મન ક્યારેય એ ઘાવ ઉપરથી પાટો ખોલતું નથી; ખરેખર તેને એ ખબર નથી, તેને દુ:ખનો સાચો પરિચય મળ્યો જ નથી. તેની પાસે દુ:ખ વિષે માત્ર એક વિચાર જ છે. તેના મનમાં એક ચિત્ર છે, દુ:ખનું પ્રતીક છે, પરંતુ તે ક્યારેય દુ:ખને મળ્યો જ નથી, તે માત્ર `દુ:ખ’ શબ્દને જ જાણે છે.
દુ:ખથી ભાગી છૂટવું
આપણામાંથી મોટાભાગના લોકો વિવિધ પ્રકારના સંબંધોમાં દુ:ખ ભોગવે છે- કોઈના મૃત્યુમાં, પોતાની ઈચ્છાઓ પૂરી ન કરી શકવામાં અને કાંઈ ન બની શક્યા હોવાની હતાશામાં સરી પડવું અથવા કાંઈક મેળવવાનો પ્રયત્ન કરવામાં, કાંઈક બનવામાં જ્યારે સરેઆમ નિષ્ફળતાનો સામનો કરવો પડે છે ત્યારે દુ:ખ ભોગવે છે. અને દુ:ખની સમસ્યાની બીજી બાજુ-શારીરિક બાજુ પણ છે. માંદગી, અંધત્વ, અસમર્થતા, લકવો વગેરે વગેરે. આ દુ:ખ જેવી કહેવાતી અસાધારણ બાબત સર્વત્ર છે. એક ખૂણામાં મૃત્યુ પ્રતીક્ષા કરી રહ્યું છે અને આપણે એ નથી જાણતા કે દુ:ખનો સામનો કેવી રીતે કરવો, આથી કાં તો આપણે તેની પૂજા કરીએ છીએ અથવા તેને તર્કસંગત કરીએ છીએ, અથવા તેનાથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈપણ ખ્રિસ્તી ચર્ચમાં જાઓ, તો ત્યાં દુ:ખને પૂજવામાં આવે છે; તેને કશુંક અસાધારણ પવિત્ર બનાવવામાં આવે છે. અને એમ કહેવામાં આવે છે કે માત્ર દુ:ખથી જ, ખીલે જડેલા ખ્રિસ્ત દ્વારા જ તમે ઈશ્વર પામી શકો. પૂર્વના લોકો પાસે દુ:ખથી ભાગી છૂટવાનું પોતાનું અલગ માળખું છે કે માર્ગો છે. આ અદભૂત એવા દુ:ખથી ભાગી છૂટવાનું પોતાનું અલગ માળખું છે, કે માર્ગો છે. આ અદભૂત એવા દુ:ખથી મુક્ત એવા ઘણા જૂજ લોકો પૂર્વ કે પશ્ચિમમાં હશે.
તમને જે કાંઈ કહેવામાં આવી રહ્યું છે તેને કોઈ ભાવવિભોર કે સંવેદનશીલ થયા વગર માત્ર સાંભળવાની પ્રક્રિયામાં જ તમે ખરેખર દુ:ખને સમજી શકો અને તેનાથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકો તો એ અસાધારણ બાબત કહેવાય. કારણકે ત્યારે ત્યાં પોતાની જાતને છેતરવાપણું નથી હોતું, ભ્રમ નથી હોતા, ચિંતા-ઉપાધિ નથી હોતાં, ભય નથી હોતો અને મગજ સ્પષ્ટપણે, તીક્ષ્ણપણે, તાર્કિકપણે કાર્ય કરી શકે છે. અને ત્યારે કદાચ, આપણે પ્રેમ શું છે તે
જાણી શકીએ.