સિંધુનદીના પાણી બંધ કરવાના લીધે પાકિસ્તાન પરેશાન થઈ ચૂક્યું છે. પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર દરમિયાન લેવાયેલા ભારત સરકારના આકરા નિર્ણયના લીધે પાકિસ્તાનમાં પાણીનો પોકાર એટલી હદે ઊભો થયો છે કે ત્યાંના વડાપ્રધાને અને જળ મંત્રાલયે 4 વખત પત્રવ્યવહાર કરવો પડ્યો છે. સિંધુ જળ સંધિ અટકી જતાં પાકિસ્તાનમાં પીવાના પાણીનું સંકટ ઊભું થયું છે.
પહેલગામમાં 22 મી એપ્રિલે આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ 24 મીએ ભારત સરકારે સિંધુ જળ પાકિસ્તાન સુધી ન પહોંચે એ રીતે પ્રતિબંધ લગાવ્યો હતો. ભારતે તકનીકી કારણો સાથે સિંધુ જળ સંધિ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના લીધે ત્યાં પાણીની ભારે તંગી ઊભી થઈ છે. પાણી ફરીથી શરૂ કરવા અને જળસંધિ મુજબ પાણી આપવા માટે પાકિસ્તાને ભારતને 4 વખત ચિટ્ઠી લખી છે.
મે માસમાં પ્રથમ પત્ર પછી સતત 3 પત્ર
પાકિસ્તાન દ્વારા ભારતને સિંધુ જળકરારને બરકરાર રાખવા માટે વિનંતી કરાઇ છે. ઈન્ડસ ટ્રીટી મુજબ પાણી ચાલુ રાખવા માટે પહેલો પત્ર મે માસના પ્રથમ સપ્તાહમાં લખ્યો હતો. ત્યારબાદ ત્યાંના જળ મંત્રાલયના સચિવ દ્વારા 3 વખત પત્ર લખીને ગુહાર લગાવી છે.
પાકિસ્તાનનું ગળું સુકાયું, ભારતે ગળું ખોંખારીને સ્પષ્ટ ના પાડી
એક તરફ સિંધુના પાણી વિના પાકિસ્તાનનું ગળું સુકાઈ રહ્યું છે તો બીજી બાજે પહેલગામ હુમલા બાદ વડાપ્રધાન મોદીએ ગળું ખોંખારીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, વેપાર અને આતંકવાદ, પાણી અને લોહી તથા ગોળી અને બોલી એક સાથે શક્ય નથી.
ભારતે સિંધુના પાણી આધારિત મોટી યોજના વિચારી
ભારતે સિંધુના પાણીના આધારે મોટી યોજના વિચારી રાખી છે. જેના લીધે 130 કિલોમીટરની નહેર બિયાસ નદીથી પાણીને ગંગાનહેર સાથે જોડશે. આ ઉપરાંત યમુના નદીને જોડવાનો પણ પ્રયાસ છે. જે 200 કિલોમીટરનો પ્રોજેક્ટ છે. તેમાં 12 કિલોમીટરની ટનલ બનશે અને યમુનાનું પાણી ગંગાસાગર સુધી જઈ શકે છે. પરિણામે, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોને ફાયદો થશે.
પરિયોજનાઑના કામ 3 વર્ષમાં પૂરા થશે
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આ પરિયોજનાઓ ઉપર તેજ ગતિએ કામ ચાલી રહ્યું છે અને ત્રણ વર્ષમાં પૂરું કરી શકાશે. સિંધુના પાણી મામલે જલ્દીથી પ્રોજેક્ટનો ડીપીઆર બનશે. સિંધુના પાણી ન મળવાના કારણે જાણે પાકિસ્તાનનું ગળું સુકાયું હોય એવી સ્થિતિ ઊભી થઈ છે.